રેડ લાઇન ક્રોસ થઈ ગઈ: ખાલિસ્તાની હુમલા બાદ કેનેડાના સાંસદની ચેતવણી, કહ્યું- હિન્દુઓની રક્ષા ખતરામાં
Attack on Hindu Temple in Canada: કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર પરિસરમાં ખાલિસ્તાની આતંકીઓ દ્વારા હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર હુમલાની ઘટનાની નિંદા કરી છે. તેમણે આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, 'ખાલિસ્તાની આતંકીઓએ લાલ રેડ લાઇન ક્રોસ કરી છે જે કેનેડામાં હિંસાના ઉદયને દર્શાવે છે.'
કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'આજે કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ રેડ લાઇન ક્રોસ કરી છે. બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરના પરિસરમાં હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓનો હુમલો દર્શાવે છે કે કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદ કેટલો હિંસક અને બેશરમ બની ગયો છે.'
'અભિવ્યક્તિની સ્વતંત્રતાના કાયદાનો લાભ લેવાનો આરોપ'
ચંદ્ર આર્યએ 'X' પર આગળ લખ્યુ કે, 'મને લાગે છે કે આ અહેવાલોમાં થોડું સત્ય છે કે કેનેડાની રાજકીય વ્યવસ્થા ઉપરાંત, ખાલિસ્તાનીઓએ પણ અમારી કાયદા અમલીકરણ એજન્સીઓમાં ઘૂસણખોરી કરી છે. ખાલિસ્તાની ઉગ્રવાદીઓ કેનેડાના અભિવ્યક્તિની સ્વતંત્રતાના કાયદાનો લાભ લઈ રહ્યા છે અને આ બધું કરવા માટે તેમને મફત પાસ મળી રહ્યા છે.'
કેનેડામાં આ પહેલા પણ ઘણી વખત મંદિરો પર હુમલા થયા
અગાઉ પણ કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ કેનેડામાં હિન્દુ મંદિરો પરના હુમલાઓને ઊઠાવ્યા હતા. જુલાઈમાં ચંદ્ર આર્યે હિંદુ-કેનેડિયન સમુદાયો પર નિર્દેશિત હિંસા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ગયા વર્ષે વિન્ડસરમાં એક હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી, જેની વ્યાપક નિંદા કરવામાં આવી હતી અને કેનેડિયન અને ભારતીય અધિકારીઓ બંને પાસેથી પગલાં લેવા માટે હાકલ કરવામાં આવી હતી. મિસીસૌગા અને બ્રેમ્પટનમાં અગાઉની ઘટનાઓમાં મંદિરોને સમાન રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા, જેણે કેનેડામાં ભારતીય સમુદાયની તીવ્ર પ્રતિક્રિયાઓ ખેંચી હતી.