Get The App

આરોપબાજી-વિવાદ બાદ કેનડા ભારતને મનાવવા કરશે પ્રયાસ, ટ્રુડોના મંત્રીએ જ આપ્યા સંકેત

- આ અઠવાડિયે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ની મંત્રી સ્તરીય બેઠક યોજાવાની છે

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
આરોપબાજી-વિવાદ બાદ કેનડા ભારતને મનાવવા કરશે પ્રયાસ, ટ્રુડોના મંત્રીએ જ આપ્યા સંકેત 1 - image


Image Source: Twitter

ઓટાવા, તા. 26 ફેબ્રુઆરી 2024, સોમવાર

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ કારણે બંને દેશો વચ્ચેના કેટલાક કરારો પર પણ રોક લાગી ગઈ છે. ભારત અને કેનેડા વચ્ચે વ્યાપાર કરાર અંગેની વાતચીત પણ છેલ્લા છ મહિનાથી બંધ છે. હવે તેને ફરીથી શરૂ કરવા માટે પણ કોઈ સમય મર્યાદા આપવામાં નથી આવી. ત્યારે હવે માહિતી મળી રહી છે કે, વાટાઘાટો ફરી શરૂ કરવા માટે બંને દેશો ઉચ્ચ સ્તરીય સંપર્કો ફરીથી સ્થાપિત કરી શકે છે. આ અઠવાડિયે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ની મંત્રી સ્તરીય બેઠક યોજાવાની છે. આ બેઠક દરમિયાન બંને દેશોના નેતાઓ વાતચીત શરૂ કરવા માટે પહેલ કરી શકે છે.

અબુ ધાબીમાં ચાર દિવસીય WTO મંત્રી સ્તરની બેઠક 

કેનેડાના એક્સપોર્ટ ઈન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ઈકોનોમિક ડેવલપમેન્ટ મિનિસ્ટર મેરી એનજીએ રવિવારે એક ઈન્ટરવ્યુમાં આ વાતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, આગામી થોડા દિવસોમાં હું WTO જઈશ. ત્યાં હું મારા સમકક્ષો સાથે મુલાકાત કરીશ. તેમનો ઈશારો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ તરફ હતો. સોમવારથી અબુ ધાબીમાં ચાર દિવસીય WTO મંત્રી સ્તરની બેઠક યોજાવા જઈ રહી છે જેમાં ભારત તરફથી પીયૂષ ગોયલ જશે.

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત પર ગંભીર આરોપો લગાવ્યા હતા

'અર્લી પ્રોગ્રેસ ટ્રેડ એગ્રીમેન્ટ' અંગે કેનેડાના મંત્રીએ કહ્યું કે, અમે આ મુદ્દે કોઈ નિર્ણય નથી લીધો. મેરી એનજીની ભારત મુલાકાત દરમિયાન માર્ચ 2022માં EPTA અંગે વાતચીત શરૂ થઈ હતી. પરંતુ તે જ વર્ષે ઓગસ્ટના અંતમાં તેના અટકાવી દેવામાં આવ્યું હતું. આના થોડા સમય બાદ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત પર ગંભીર આરોપો લગાવ્યા હતા. ટ્રુડોએ 18 જૂને બ્રિટિશ કોલંબિયાના સરેમાં ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો.

કેનેડાના સસ્કેચેવાન પ્રાંતના પ્રમુખ સ્કોટ મો એ ભારતની મુલાકાત લીધી હતી

હવે કેનેડાના વેપાર મંત્રીએ કહ્યું કે, મને એ જોઈને ખુશી થઈ રહી છે કે, કેનેડિયન ઉદ્યમો અને ભારત વચ્ચે ગતિવિધિ ચાલુ છે. આ ઉપરાંત અમે સ્વતંત્ર રીતે થઈ રહેલી તપાસ અંગે પણ ઉત્સાહિત છીએ. મંત્રીના નિવેદન પહેલા કેનેડાના સસ્કેચેવાન પ્રાંતના પ્રમુખ સ્કોટ મો એ ભારતની મુલાકાત લીધી હતી. તેનાથી સંકેત મળી રહ્યા છે કે બંને દેશો વચ્ચે વેપાર સંબંધોને મજબૂત કરવા માટે ફરીથી વાતચીત શરૂ થઈ ચૂકી છે. અગાઉ ઓન્ટારિયોના આર્થિક વિકાસ, નોકરી સર્જન અને વેપાર મંત્રી વિક્ટર ફેડેલી પણ ભારતની મુલાકાતે આવ્યા હતા. કેનેડાના પૂર્વ વડાપ્રધાન સ્ટીફન હાર્પર પણ ભારત આવી ચૂક્યા છે.

કેનેડિયન મંત્રીએ કહ્યું કે, હું ભારત સાથે વ્યાપાર કરી રહેલા કેનેડિયનોને ખૂબ જ સ્પષ્ટ કરી ચૂકી છું. તેઓ અમારા પર વિશ્વાસ કરી શકે છે. અમે તેમને સંપૂર્ણ સમર્થન આપીશું અને તે આગળ પણ ચાલુ જ રહેશે. કેનેડિયન મંત્રીએ કહ્યું. શુક્રવારે ટોરોન્ટોમાં એક મીડિયા ઈવેન્ટ દરમિયાન ઓટાવામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે, બંને દેશો ઈપીટીએના નિષ્કર્ષની ખૂબ જ નજીક છે પરંતુ કેનેડિયન પક્ષે અચાનક તેના પર વિરામ લગાવી દીધો. 


Google NewsGoogle News