ઈઝરાયેલના પહેલા પ્રમુખનાં નિધન પછી આલ્બર્ટ આઈન્સ્ટાઇનને તે પદ ઓફર કરાયું પરંતુ તેઓએ 'ના' કહી
- ''રાજકારણ બહુ અઘરી બાબત છે તેમાં મારૃં કામ નહીં''
- વડાપ્રધાન બેનગુરીયા પણ ઈચ્છતા હતા કે આઈન્સ્ટાઇન પ્રમુખ બને પરંતુ આ મહાન વિજ્ઞાનીએ કહ્યું : 'હું તે પદ માટે હું યોગ્ય નથી'
તેલ અવીવ : ઈઝરાયલ જેવા નાનકડા દેશે દુનિયાના કેટલાએ પ્રબળ દેશોના પાણી ઉતારી નાંખ્યા છે. તે એક માત્ર યહૂદી દેશ છે. ગઈ સદીના સૌથી પ્રભાવશાળી અને હજી સુધીમાં થયેલા સૌથી વધુ મેઘાવી મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈનસ્ટાઇન પણ યહૂદી હતા.
બહુ થોડાને તે માહિતી હશે કે આલ્બર્ટ આઈન્સ્ટાઇનને ઈઝરાયલના પ્રમુખપદ માટે તે ઈઝરાયલી સંસદે (લીફડે) અને તે સમયના વડાપ્રધાન ડેવિડ બેન ગુરીયને જ તેઓને દેશના પ્રમુખ બનવા ઓફર કરી હતી. તે સમય દેશના રાષ્ટ્રપતિ પદે રહેલા સૌથી પહેલા રાષ્ટ્રપતિ ચેમ વિઝમાનનું નિધન થયું હતું. તેઓ ૧૯૪૮માં ઈઝરાયલ 'સ્વયં સ્વતંત્ર' થયું ત્યારથી તેઓ દેશના પ્રમુખપદે હતા. ૧૯૫૨માં તેઓનાં નિધન પછી મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈનસ્ટાઇનને પ્રમુખપદ માટે ઓફર કરવામાં આવી હતી. તે સમયે તેઓ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં વિદ્યાભ્યાસ કરાવતા હતા ત્યારે અમેરિકા સ્થિત ઈઝરાયલના રાજદૂત અબ્બા એબન તેઓને મળવા ગયા અને ઈઝરાયલના પ્રમુખ બનવા તેઓને સરકાર વતી સમજાવવા પ્રયત્નો કર્યા પરંતુ તેઓએ નમ્રતાપૂર્વક તે પદનો અસ્વીકાર કર્યો. તેઓએ કહ્યું કે 'મને રાજકારણનો અનુભવ નથી, હું તે પદ માટે યોગ્ય નથી. હું વિજ્ઞાનની દુનિયામાં રહેવા માગું છું.' વાસ્તવમાં રાજકારણ બહુ અઘરી બાબત છે, હું તે માટે યોગ્ય નથી.
આ મહાન વિજ્ઞાનીએ પ્રમુખપદનો પ્રસ્તાવ ન સ્વીકારવાથી દુનિયાભરમાં ભારે ચર્ચા શરૂ થઈ. ઘણા કહેતા હતા કે, આ એક મહત્વની તક હતી જેનો લાભ સમગ્ર દેશને મળી શકત તો અન્ય વિચારકો તેમ કહેતા હતા આ મહાન વિજ્ઞાની પોતાની સીમાઓ બરોબર સમજતા હતા. તેથી જ તેઓએ તે પદ સ્વીકાર્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે પરમાણુ બોમ્બ તેઓના E = mc2 ના સિદ્ધાંત પર રચાયો હતો. પરંતુ પરમાણુ બોમ્બની રચનામાં સાથ આપવાનો આ મહામાનવે સ્પષ્ટ 'નકાર' કર્યો હતો.