યુદ્ધ પછી ગાઝામાં સરકાર રચવા માટે બ્લિન્કેન સઉદી અરેબિયા પહોંચ્યા

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
યુદ્ધ પછી ગાઝામાં સરકાર રચવા માટે બ્લિન્કેન સઉદી અરેબિયા પહોંચ્યા 1 - image


- પેલેસ્ટાઇનને 'સ્ટેટ હૂડ' આપવા નેતન્યાહૂ તૈયાર નથી

- રિયાધમાં બ્લિન્કેને યુએઈ, સઉદી અરેબિયા, કટાર, જોર્ડન અને ઇજીપ્તના પ્રતિનિધિઓ સાથે વ્યાપક મંત્રણાઓ કરી

રીયાધ : અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન આજે (સોમવારે) સઉદી અરબસ્તાનનાં પાટનગર રિયાધ પહોંચી ગયા છે. જેમાં તેઓએ આરબ દેશોના નેતાઓ સાથે મધ્ય પૂર્વ અને વિશેષત: હમાસ-ઇઝરાયલ યુદ્ધ વિષે મંત્રણાઓ કરી હતી. જેમાં યુદ્ધ પછી ગાઝામાં સરકાર રચવા માટે વ્યવસ્થા ગોઠવવા તેઓએ યુએઇ, સઉદી અરબસ્તાન, કટાર, જોર્ડન અને ઇજીપ્તના વિદેશ મંત્રીઓ અને પ્રતિનિધિઓ સાથે મંત્રણા કરી હતી.

આ પછી બ્લિન્કેન આ સપ્તાહમાં જ ઇઝરાયલની પણ મુલાકાત લેવાના છે. જે દરમિયાન તેઓ બાયડેન ગાઝા પટ્ટીમાં માનવીય સહાયમાં વધારો કરવા પ્રમુખ બાયડને કરેલા સૂચન ઉપર ભાર મુકવાના છે.

આ માહિતી આપતા અમેરિકાનું વિદેશ મંત્રાલય જણાવે છે કે બ્લિન્કેન અને આરબ દેશોને ખેદાન મેદાન થઈ ગયેલી અને ઉજજ્ડ બની ગયેલી આ ગાઝા પટ્ટીમાં પુન: વ્યવસ્થા સ્થાપવા અને ત્યાં પેલેસ્ટાઇનની સુવ્યવસ્થિત સરકાર રચવા માટેની ગતિવિધિ વિષે ચર્ચા કરી હતી.

તે સર્વ વિદિત છે કે ૭ ઓકટો. ૨૦૨૩ના દિવસે પેલેસ્ટાઇની આતંકવાદીઓ- હમાસે દક્ષિણ ઇઝરાયલ પર અણ ચિંતવ્યો હુમલો કરી આશરે ૧૨૦૦ના જાન લીધા હતા અને ૨૫૨ જેટલાને બંધક બનાવ્યા હતા. તેનું વેર વાળવા ઇઝરાયલે કરેલા વ્યાપક આક્રમણમાં ૩૪૦૦૦ વધુ પેલેસ્ટાઇનીઓએ જાન ગુમાવ્યા હતા. સાથે યુદ્ધની તીવ્રતા પણ વધી ગઈ છે. એક તરફ ગાઝા પટ્ટીમાં દુષ્કાળ વ્યાપી રહ્યો છે, માત્ર અન્ન જ નહીં પાણીનાં પણ ફાંફા છે.

આ અતિ વિષમ પરિસ્થિતિનો અંત લાવવા દુનિયાના દેશો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ પેલેસ્ટાઇનને સ્ટેટ હૂડ (સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેની સ્વીકૃતિ) આપવા નેતન્યાહૂએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. પરિસ્થિતિ વધુ ને વધુ વણસી ગઈ છે તે સ્પષ્ટ દેખાય છે.


Google NewsGoogle News