ટેરિફ બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું વધુ એક મોરચે નમતું વલણ, યુક્રેનને સૈન્ય સહાય હવે લોન નહીં ગણાય
Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક મોરચે પોતાના વલણને નરમ બનાવી રહ્યા છે. પહેલા તેમણે 90 દિવસ માટે રેસિપ્રોકલ ટેરિફ પર રોક લગાવી. ત્યારબાદ તેમણે ઈરાન પ્રત્યે પણ નરમ વલણ અપનાવ્યું અને તેના પરમાણુ સ્થળો પર ઈઝરાયલી હુમલાઓ પર બ્રેક લગાવી અને હવે તેમણે યુદ્ધગ્રસ્ત યુક્રેનના મુદ્દા પર નરમ વલણ દાખવ્યું છે. મીડિયા અહેવાલ પ્રમાણે ટ્રમ્પે યુક્રેન સાથેની મિનરલ્સ ડીલ પર નમતું વલણ દાખવીને એ વાત પર સંમત થઈ ગયા છે કે યુક્રેનને આપવામાં આવતી સૈન્ય સહાય હવે લોન નહીં ગણાય.
રિપોર્ટ પ્રમાણે યુક્રેન-યુએસ મિનરલ્સ ડીલના નવીનતમ ડ્રાફ્ટ પર વાટાઘાટો ચાલી રહી છે. આ વાતચીતનાં ટ્રમ્પ વહીવટીતંત્ર યુક્રેનને આપવામાં આવતી સૈન્ય સહાયને લોન ન ગણવા માટે સંમત થઈ ગયું છે. જોકે, તે રકમ વ્યાજ વગર ચૂકવવાની રહેશે. જોકે, અમેરિકા કે યુક્રેનિયન અધિકારીઓએ આ વાતની પુષ્ટિ નથી કરી. આ વચ્ચે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ મિનરલ્સ ડીલની પ્રશંસા કરી અને કહ્યું છે કે આ મામલે સારી પ્રગતિ થઈ છે.
4 ટકા વ્યાજની માગ
તમને જણાવી દઈએ કે, આ અગાઉ અમેરિકા અને યુક્રેન વચ્ચે જે મિનરલ્સ ડીલ થઈ રહી હતી, તેમાં ટ્રમ્પે યુક્રેનની ઉર્જા અને અન્ય કુદરતી સંસાધનો પર સંપૂર્ણ નિયંત્રણની વાત કરી હતી અને આ ઉપરાંત, અત્યાર સુધી અમેરિકન સહાયની ચૂકવણી પર 4 ટકા વ્યાજની માગ કરવામાં આવી હતી. જોકે, યુક્રેને આ શરતોનો વિરોધ કર્યો અને કહ્યું હતું કે આ શરતો હિંસક છે, જે યુક્રેનને અમેરિકન વસાહતમાં ફેરવી દેશે.
અમેરિકા યુક્રેનને કોઈ સુરક્ષા ગેરંટી આપવા નથી માગતું
વાતચીતથી પરિચિત એક વરિષ્ઠ અધિકારીએ AFPને જણાવ્યું કે, યુએસ-યુક્રેન મિનરલ્સ ડીલના નવા ડ્રાફ્ટમાં યુક્રેનને યુએસ સહાયને લોન તરીકે માન્યતા આપવામાં નથી આવી. જોકે, તે ચૂકવવું પડશે. રિપોર્ટ પ્રમાણે આ ડીલને અંતિમ ઓપ આપવામાં હજુ પણ કેટલાક મોટા અવરોધો છે કારણ કે અગાઉના ડ્રાફ્ટની જેમ નવા ડ્રાફ્ટમાં પણ અમેરિકા યુક્રેનને કોઈ સુરક્ષા ગેરંટી આપવા નથી માગતું.
એક અહેવાલ પ્રમાણે ટ્રમ્પ વહીવટીતંત્ર ઇચ્છે છે કે યુક્રેનને અત્યાર સુધી આપવામાં આવેલી સહાય, જે લગભગ 90 બિલિયન ડૉલર જેટલી છે, તેને સંયુક્ત ભંડોળમાં યોગદાન તરીકે ગણવામાં આવે, જે યુક્રેનના કુદરતી સંસાધનોનું સંચાલન કરવા માટે બનાવવામાં આવશે. આનો અર્થ એ થયો કે યુક્રેનને આ ફંડમાં મોટાભાગના નાણાંનું રોકાણ કરવું પડશે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે કહ્યું કે, આશા છે કે યુક્રેન સાથે ખનિજ કરાર પર આ જ અઠવાડિયે હસ્તાક્ષર થઈ જશે.