'કોરોના વેક્સિન લીધા બાદ શરીર જ નિષ્ક્રિય થઇ ગયું...', એસ્ટ્રાઝેનેકા પર મહિલાનો ગંભીર આરોપ
Image: Freepik
AstraZeneca Corona Vaccine: એસ્ટ્રાઝેનેકા વેક્સિન સામે વધુ એક મહિલાએ કેસ દાખલ કર્યો છે. મહિલાનું કહેવું છે કે ક્લીનિકલ ટ્રાયલ દરમિયાન આપવામાં આવેલી વેક્સિને તેને સંપૂર્ણપણે નિષ્ક્રિય બનાવી દીધી છે. હવે તેનું શરીર પહેલાની જેમ કામ કરી રહ્યું નથી. તેણે કંપની પર મેડિકલ સારવાર પૂરી ન પાડવાનો આરોપ લગાવ્યો છે. ખાસ વાત એ છે કે બ્રિટનમાં પહેલા જ 50થી વધુ લોકો એસ્ટ્રાઝેનેકા સામે કેસ કરી ચૂક્યા છે.
રિપોર્ટ અનુસાર 42 વર્ષીય બ્રાએ ડ્રેસેન અમેરિકામાં થયેલી એસ્ટ્રાઝેનેકા કોવિડ વેક્સિનની ક્લીનિકલ ટ્રાયલમાં સામેલ થઈ હતી. તેણે જણાવ્યું કે 2020માં ટ્રાયલમાં સામેલ થયા બાદ તેને ગંભીર ન્યૂરોલોજિકલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ વાત એ છે કે અમેરિકામાં બ્રિટનની આ વેક્સિનની ટ્રાયલ તો થઈ હતી પરંતુ ઉપયોગ માટે મંજૂરી મળી નહોતી.
ડ્રેસેનનો દાવો છે કે તેણે કંપનીની સાથે કરાર કર્યાં હતા. જેમાં વચન આપવામાં આવ્યું હતું કે રિસર્ચ દરમિયાન ઈજાની સારવાર માટેની ચૂકવણી કંપની કરશે. ખર્ચ યોગ્ય છે અને ઈજા જાતે થયેલી નથી.
આખા શરીરમાં દુખાવો થતો હતો
મહિલાનું કહેવું છે કે નવેમ્બર 2020માં વેક્સિન લીધા બાદ તેના શરીરમાં દુખાવો થવા લાગ્યો. તે બાદ પણ એસ્ટ્રાઝેનેકાએ તેની સારવારમાં આવેલા ખર્ચની ચૂકવણી કરી નહીં. પેરિફેરલ ન્યૂરોપેથીથી પીડિત થયા બાદ તે કામ કરી શકતી નહોતી. આવુ તેને દરેક સમયે અનુભવાયુ હતું.
ડ્રેસેને કહ્યુ, આ જ કારણસર નોકરી જતી રહી અને અત્યાર સુધી નિષ્ક્રિય છુ. મને હજુ પણ મારા શરીરમાં માથાથી લઈને પગ સુધી 24 કલાક, સાતેય દિવસ આખા શરીરમાં સોય અને દુખાવાના ખરાબ સપના આવે છે. રિપોર્ટ અનુસાર તેણે કહ્યું કે વેક્સિન લીધા બાદ તે ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થઈ જેના કારણે બિલ હજારો ડોલર સુધી પહોંચી ગયુ.
ડ્રેસેને એ પણ જણાવ્યું કે તેમણે એક નાની ચૂકવણીથી પણ ઈનકાર કરી દીધો હતો, જેની અસર તેના કેસ પર થઈ શકતી હતી. યૂટાની એક કોર્ટમાં દાખલ તેની ફરિયાદમાં કહ્યું છે કે મહિલા કામ કરી શકતી નથી, કોઈ રમતમાં ભાગ લઈ શકતી નથી. પહેલાની જેમ બાળકોનો ઉછેર કરી શકતી નથી અને વધારે દૂરના અંતર સુધી વાહન પણ ચલાવી શકતી નથી.
મહિલા કોઈ નક્કી રકમ માટે કંપની વિરુદ્ધ કેસ દાખલ કરી રહી નથી. આ દરમિયાન તેમણે હજારો ડોલર ખર્ચ કર્યા છે અને તે ભાવનાત્મક સ્તરે હેરાન થઈ, આવક ખતમ થવા, ટ્રાન્સપોર્ટેશન અને કાયદાકીય ફીનો દાવો કરી રહી છે. મહિલા વ્યવસાયે શિક્ષક હતી અને તેને બે બાળકો પણ છે.