અમારી માંગ સ્વીકારો નહીંતર...: શેખ હસીના બાદ હવે પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશની સેનાને આપ્યું અલ્ટીમેટમ

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
અમારી માંગ સ્વીકારો નહીંતર...: શેખ હસીના બાદ હવે પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશની સેનાને આપ્યું અલ્ટીમેટમ 1 - image


Image Source: Twitter

Nahid Islam and Muhammad Yunus: બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલનને કારણે શેખ હસીના વાજેદે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. બાંગ્લાદેશની સેનાએ કહ્યું કે, અમે ટૂંક સમયમાં વચગાળાની સરકાર બનાવીશું પરંતુ તેના વડા કોણ હશે તે હજું સ્પષ્ટ નથી. આ સમગ્ર ઘટનાના એક દિવસ બાદ સરકાર વિરોધી પ્રદર્શનની આગેવાની કરનારા 'સ્ટુડન્ટ્સ અગેઈન્સ્ટ ડિસ્ક્રિમિનેશન'ના નેતાઓએ મંગળવારે કહ્યું કે અમે નોબેલ પુરસ્કાર વિજેતા ડો. મોહમ્મદ યુનુસને દેશની વચગાળાની સરકારના પ્રમુખ બનાવવા માંગીએ છીએ.

નાહિદ ઈસ્લામ

આંદોલનના પ્રમુખ સંયોજકોમાંથી એક નાહિદ ઈસ્લામે આજે સવારે સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું કે તેણે યુનુસ (84) સાથે પહેલા જ વાત કરી લીધી છે અને તેઓ બાંગ્લાદેશને બચાવવા માટે આ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવા માટે તૈયાર છે. નાહિદે કહ્યું કે, નિર્ણય લીધો છે કે, વચગાળાની સરકાર બનાવવામાં આવશે જેમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિપ્રાપ્ત નોબેલ પુરસ્કાર વિજેતા ડો. મોહમ્મદ યુનુસ મુખ્ય સલાહકાર હશે. તેમની વ્યાપક સ્વીકૃતિ છે.

વીડિયોમાં નાહિદ સાથે અન્ય બે સાથીઓ પણ નજર આવ્યા છે. નાહિદે કહ્યું કે, વચગાળાની સરકારના અન્ય સભ્યોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. જૂથે અગાઉ વચગાળાના વહીવટની રૂપરેખા જાહેર કરવા માટે 24 કલાકનો સમય લીધો હતો, પરંતુ અરાજક સ્થિતિના કારણે નામની જાહેરાત કરવી પડી હતી. નાહિદે રાષ્ટ્રપતિને યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી. ગરીબ લોકો માટે બેંકિંગ સુવિધાઓ અંગે યુનુસના પ્રયોગે બાંગ્લાદેશને માઈક્રો ક્રેડિટના કેન્દ્ર તરીકેની ઓળખ અપાવી.

વિવિધ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બાંગ્લાદેશમાં છેલ્લા બે દિવસમાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 119 લોકો માર્યા ગયા છે. મોટા પાયાની હિંસા અંગે નાહિદે કહ્યું કે આ હિંસા ક્રાંતિને નિષ્ફળ બનાવવા માટે હાંકી કાઢેલ ફાસીવાદીઓ અને તેમના સાથીઓ દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, દેશમાં અરાજકતા છે અને લોકોનું જીવન જોખમમાં છે તેથી અમે રાષ્ટ્રપતિને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા વિનંતી કરીએ છીએ અને સ્વતંત્રતા ઈચ્છતા વિદ્યાર્થીઓ પણ કાયદા અમલીકરણ દળોની સહાયતા માટે રસ્તા પર ઉતરશે. 

નાહિદે સ્પષ્ટ કર્યું કે, વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તાવિત સરકાર ઉપરાંત અન્ય કોઈ સરકારને સ્વીકારવામાં આવશે નહીં. જેવું અમે કહ્યું છે તેમ કોઈપણ લશ્કરી સરકાર અથવા લશ્કર દ્વારા સમર્થિત સરકાર અથવા ફાસીવાદીઓની કોઈપણ સરકાર સ્વીકારવામાં આવશે નહીં.

મોહમ્મદ યૂનુસ

યુનુસ હાલમાં દેશની બહાર છે પરંતુ તેમણે હસીનાની હકાલપટ્ટીનું સ્વાગત કર્યું અને આ ઘટનાક્રમને દેશની બીજી મુક્તિ ગણાવી. યૂનુસને ગ્રામીણ બેંકના માધ્યમથી ગરીબી નાબૂદી અભિયાન માટે 2006માં નોબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમની આ પદ્ધતિને વિવિધ ખંડોમાં અપનાવવામાં આવી.

યૂનુસ અને હસીના સરકાર વચ્ચે અસ્પષ્ટ કારણોસર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 2008માં હસીના સત્તામાં આવ્યા બાદ સત્તાવાળાઓએ યૂનુસ વિરુદ્ધ અનેક તપાસ શરૂ કરી હતી. બાંગ્લાદેશી સત્તાવાળાઓએ 2011માં વૈધાનિક ગ્રામીણ બેંકની ગતિવિધિઓની સમીક્ષા શરૂ કરી હતી અને યૂનુસને તેના સ્થાપક મેનેજિંગ ડિરેક્ટર તરીકે સરકારી નિવૃત્તિ નિયમનનું ઉલ્લંઘન કરવાના આરોપસર હટાવી દીધા હતા.

યૂનુસ સામે ડઝનેક મામલે આરોપો લગાવવામાં આવ્યા છે. જાન્યુઆરીમાં કોર્ટે યૂનુસને શ્રમ કાયદાના ઉલ્લંઘનના આરોપમાં છ મહિનાની કારાવાસની સજા ફટકારી હતી.


Google NewsGoogle News