અઝરબૈજાન સામે આર્મેનિયાને ભારતની મદદ, પિનાકા સિસ્ટમ બાદ હવે MArG 155mm તોપ પૂરી પાડશે

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
અઝરબૈજાન સામે આર્મેનિયાને ભારતની મદદ, પિનાકા સિસ્ટમ બાદ હવે MArG 155mm તોપ પૂરી પાડશે 1 - image

image : twitter

નવી દિલ્હી,તા.23 નવેમ્બર 2023,ગુરૂવાર

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના ટકરાવમાં એક તરફ પાકિસ્તાન અને તુર્કી અઝરબૈજાનની પડખે છે તો ભારતે આર્મેનિયાને પોતાનુ સમર્થન આપ્યુ છે.

ભારતે આર્મેનિયાને લશ્કરી મદદ પણ કરવા માંડી છે.પહેલા ભારતે પોતાની મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમ પિનાકા આર્મેનિયાને પૂરી પાડી છે તો હવે ભારત આર્મેનિયાને ભારતમાં બનતી 155 એમએમની ઓટોમેટિક તોપ પણ વેચવા જઈ રહ્યુ છે. ભારતમાં આ તોપ બનાવતી કંપનીએ ડીલને સમર્થન આપ્યુ છે. આ ડીલ ભારત અને આર્મેનિયાના સબંધોને આગળ વધારવા માટે ઘણી મહત્વપૂર્ણ મનાઈ રહી છે.

આર્મેનિયા માટે ભારતની આ મદદ આશિર્વાદરૂપ બનીને આવી છે. કારણકે આર્મેનિયા પાસેથી નાગર્નો કરાબાખ એરિયાને અઝરબૈજાને આચંકી લીધો છે. અઝરબૈજાનને તુર્કી અને પાકિસ્તાન હથિયારો પૂરા પાડી રહ્યુ છે ત્યારે ભારત હવે આર્મેનિયાને મજબૂત બનાવી રહ્યુ છે.

MArG 155mm પ્રકારની તોપ કોઈ પણ પ્રકારના યુધ્ધ મોરચે અસરકારક નિવડે તેમ છે. કારણકે તેની હેરફેર કરવી આસાન છે. તેનુ વજન 18 ટન છે અને તેને માત્ર દોઢ મિનિટમાં તૈનાત કરી શકાય છે. સતત ગોળા ફેંકવામાં આ તોપ બહુ ઉપયોગી છે.

આ પહેલા આર્મેનિયા ભારત પાસેથી 24 કરોડ ડોલરના ખર્ચે પિનાકા રોકેટ સિસ્ટમ, એન્ટી ટેન્ક રોકેટ અને બીજા હથિયારો ખરીદી ચુકયુ છે.


Google NewsGoogle News