આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી જંગના ભણકારા, તુર્કીના ડ્રોન અને ભારતની એન્ટી ડ્રોન સિસ્ટમની થશે ટકકર
image : Twitter
બાકૂ,તા.14 ફેબ્રુઆરી 2024,બુધવાર
મધ્ય એશિયાના બે દેશો આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એક વખત ભડકો થયો છે અને બંને દેશો વચ્ચે ફરી અથડામણ થવાના ભણકારા વાગી રહ્યા છે.
આ બંને દેશો વચ્ચે ફરી સશસ્ત્ર સંઘર્ષ થાય તેવી સ્થિતિમાં તુર્કી અને ભારતના હથિયારો આમને સામને આવી શકે છે.કારણકે તુર્કીએ અઝરબૈજાનને નવી પેઢીના ઘાતક ડ્રોન પૂરા પાડ્યા છે અને તેના કારણે અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે બળતામાં ઘી હોમાયા જેવુ કામ થયુ છે.
અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલિયેવે પોતાની એરફોર્સની એકેડમીમાં આ ડ્રોનનુ પરિક્ષણ પણ કર્યુ છે.તેમણે ડ્રોનની ઉડાન જોવાની સાથે સાથે અઝરબૈજાનને મળનારા ડ્રોનની તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.સાથે સાથે અલિયેવે હવામાંથી લોન્ચ થતા બીજા હથિયારોની તાકાત પણ નીહાળી હતી.
તુર્કીના બાયરકતાર ડ્રોન સૌથી આધુનિક ડ્રોનમાં સ્થાન પામે છે.આ પહેલાના આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના જંગમાં પણ તુર્કીએ આપેલા ડ્રોને આર્મેનિયાની સેનામાં તબાહી મચાવી હતી.
બીજી તરફ આર્મેનિયા હવે આ ડ્રોન સાથે કામ પાર પાડવા માટે મિત્ર દેશ ભારત પાસેથી એન્ટી ડ્રોન સિસ્ટમ પણ ખરીદી છે.ભારતે ખુશી ખુશી આ સિસ્ટમ આર્મેનિયાને પૂરી પાડી છે.જેથી પોતાના દુશ્મન તુર્કીને પણ આડકતરી રીતે જવાબ આપી શકાય.ભારતીય વાયુસેના પાસે પણ આ જ એન્ટી ડ્રોન સિસ્ટમ છે.2024માં તેની સંપૂર્ણપણે વાયુસેનામાં તૈનાતી થઈ જશે.આ પહેલા ભારતે આર્મેનિયાને પોતાની ઘાતક મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ પિનાકા પણ પૂરી પાડી છે.ભારતની સાથે સાથે ફ્રાંસ પાસેથી પણ આર્મેનિયા હથિયારો ખરીદી રહ્યુ છે.
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી જંગ થઈ શકે છે.કારણકે 13 ફેબ્રુઆરીએ થયેલી અથડામણમાં આર્મેનિયાના બે સૈનિકોના મોત થયા છે.