યુધ્ધ વિરામનો મતલબ આતંકીઓને પ્રોત્સાહન, નેતાન્યાહૂના આકરા વલણ બાદ હવે અમેરિકાની પણ પીછેહઠ
Image Source: Twitter
તેલ અવીવ, તા. 5 નવેમ્બર 2023
હમાસ સાથે યુધ્ધ વિરામ કરવા માટે ઉઠી રહેલી માંગને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ ફગાવી દીધા બાદ હવે અમેરિકાએ પણ આ મામલે પીછેહઠ કરી છે.
અમેરિકા પણ ગાઝામાં માનવીય સંકટનો હવાલો આપીને યુધ્ધ વિરામ પર ભાર મુકી રહ્યુ હતુ. જોકે અમેરિકા અને બીજા આરબ દેશોની માંગણી અંગે નેતાન્યાહૂએ કહ્યુ હતુ કે, ગાઝામાં યુધ્ધ વિરામના કારણે આતંકીઓને વધારે પ્રોત્સાહન મળશે અને તેમને વધારે હુમલા કરવાનો મોકો મળશે. માનવતાના કારણસર યુધ્ધ વિરામ ત્યારે જ શકય છે જ્યારે હમાસ બંધક બનાવાયેલા 240 લોકોને મુક્ત કરી દે.
નેતાન્યાહૂની શરત બાદ હવે અમેરિકા પણ કામચલાઉ યુધ્ધ વિરામની જીદ છોડી દે તેમ લાગી રહ્યુ છે. બીજી તરફ આરબ નેતાઓને અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કનને કહ્યુ છે કે, અત્યારના સંજોગોમાં યુધ્ધ વિરામનો નિર્ણય પ્રતિકુળ સ્થિતિઓ સર્જશે.
ઉલ્લેખનીય છે કે, બ્લિન્કને એક દિવસ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂ સાથે બંધ રુમમાં વાતચીત કરી હતી. એ પછી બ્લિન્કને કહ્યુ હતુ કે, યુધ્ધ વિરામથી હમાસને ફરી બેઠા થવાની તક મળશે તેવુ અમારુ માનવ છે. જોકે અમેરિકા ગાઝાના લોકો સુધી સહાય પહોંચાડવા માટે માત્ર થોડો સમય માટે યુધ્ધ બંધ રાખવાની વાતનુ સમર્થન કરે છે.