જાપાન બાદ સિંગાપુર સામે પણ ઘટતી વસતીનુ સંકટ, 2023માં માત્ર 30500 બાળકોનો જન્મ થયો
image : Socialmedia
સિંગાપુર,તા.29 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
ભારત જેવા કેટલાક દેશો માટે વધતી વસતી માથાનો દુખાવો છે ત્યારે જાપાનની જેમ સિંગાપુર ઘટી રહેલી વસતીના કારણે ચિંતામાં મુકાયુ છે.
સિંગાપુરની સરકારે બુધવારે જાણકારી આપતા કહ્યુ હતુ કે, દેશમાં જન્મ દર આ વર્ષે ઘટીને એક ટકાની નીચે જતો રહ્યો છે અને 0.97 ટકા છે. જે સિંગાપુરના ઈતિહાસમાં સૌથી નીચેના સ્તરે છે.
સિંગાપુરમાં પીએમ ઓફિસના મંત્રી ઈન્દ્રાની રાજાહે બુધવારે સિંગાપુરની સંસદને જાણકારી આપી હતી. જે અંગે પ્રસિધ્ધ થયેલા મીડિયા રિપોર્ટ પ્રમાણે હવે સિંગાપુરમાં સરેરાશ જન્મ દર પણ 2.1 ટકા કરતા ઘટી ચુકયો છે અને સિંગાપુર અત્યારે એવા દેશોના લિસ્ટમાં છે જ્યાં વસતી ભયજનક રીતે ઘટી રહી છે.
અત્યારે દુનિયામાં સૌથી ઓછો 0.72 ટકાનો જન્મદર દક્ષિણ કોરિયામાં છે. જ્યારે સિંગાપુરમાં 2023માં જન્મ દર 0.97 ટકા નોંધાયો છે. 2021માં દેશનો જન્મદર 1.12 ટકા હતો. સરકારના કહેવા પ્રમાણે 2023માં દેશમાં 26500 લગ્ન થયા હતા અને માત્ર 30500 બાળકો પેદા થયા હતા.
સિંગાપુર માટે અત્યારની સ્થિતિ બેવડુ સંકટ લઈને આવી છે. એક તરફ વસતી ઘટી રહી છે અને બીજી તરફ દેશમાં વૃધ્ધોની સંખ્યા વધી રહી છે અને તેની અસર કેટલાક વર્ષો બાદ દેશની ઈકોનોમી પર પણ પડી શકે છે.
સિંગાપુરમાં કોરોના દરમિયાન છૂટાછેડાનુ વધેલુ પ્રમાણ, બાળકોને ઉછેરવા માટેના ખર્ચમાં થયેલો વધારો, કામ અને પરિવારની સંભાળ રાખવાની બેવડી જવાબદારીઓ અદા કરવામાં પડી રહેલી મુશ્કેલીઓ જેવા પરિબળો ઘટતી વસતી માટે જવાબદાર મનાઈ રહ્યા છે.
સરકારનુ કહેવુ છે કે, દંપતિઓએ બાળકોની સાથે સાથે પોતાના ઘરડા માતા પિતાનુ પણ ધ્યાન રાખવાનુ હોય છે અને તેના કારણે હવે લોકો વધારે બાળકો પેદા કરવાનુ ટાળી રહ્યા છે.
સરકાર દ્વારા લોકોને વધારે બાળકોને જન્મ આપવા માટે ઘણી સુવિધાઓ આપવાનુ શરુ કરાયુ છે પણ તેની અસર થતી હોય તેવુ હજી સુધી તો દેખાઈ રહ્યુ નથી.