ચીનની નારાજગીનો ડર : આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાનના પીએમ ચીનના દૂતાવાસમાં પહોંચી ગયા

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
ચીનની નારાજગીનો ડર : આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાનના પીએમ ચીનના દૂતાવાસમાં પહોંચી ગયા 1 - image

image : Twitter

ઈસ્લામાબાદ,તા.27 માર્ચ 2024,બુધવાર

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં થયેલા સુસાઈડ એટેકમાં ચીનના પાંચ એન્જિનિયરોના મોત થયા બાદ ચીન બરાબર અકળાયુ છે અને ચીનના રોષના કારણે પાકિસ્તાન બહાવરુ બન્યુ છે.

એટલે સુધી કે આ આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ચીનના દૂતાવાસને મળવા માટે ચીનના દૂતાવાસમાં પહોંચી ગયા હતા. સામાન્ય રીતે કોઈ પણ દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પોતાના દેશમાં આવેલી અન્ય કોઈ દેશની એમ્બેસીમાં આ રીતે જતા નથી. કોઈ  ઘટના બને તો પણ સરકાર વતી કોઈ મંત્રી અન્ય દેશની એમ્બેસીમાં જાય છે અથવા જે તે દેશના રાજદૂતને સરકાર મળવા માટે બોલાવે છે.

શાહબાઝ શરીફ ચીનના દૂતાવાસ ખાતે પહોંચ્યા તે પહેલા પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસીન નકવી ચીનના રાજદૂતને મળવા માટે ગયા હતા અને રાજદૂતને ઘટનાની જાણકારી આપી હતી.

પાકિસ્તાન આ હુમલાના કારણે દબાણમાં આવી ગયુ છે. ભલે પાકિસ્તાન પોતે ચીનનો દોસ્ત હોવાનો દાવો કરતુ હોય પણ હકીકત એ છે કે, ચીનની સામે પાકિસ્તાન ઝૂકી ગયુ છે અને તેના કારણે સુસાઈડ એટેક બાદ શાહબાઝ શરીફ દોડતા દોડતા ચીનના દૂતાવાસ ખાતે પહોંચ્યા હતા. આ મુલાકાતના વાયરલ થયેલા  વિડિયોમાં શરીફના ચહેરા પર ટેન્શન સ્પષ્ટપણે જોઈ શકાતુ હતુ.

ચીનની  નારાજગી પાકિસ્તાનને હાલના તબક્કે પોસાય તેવી નથી અને બીજી તરફ 4000 જેટલા સૈનિકોને ખાસ ચીનની કંપનીઓ વતી કામ કરી રહેલા ચીનના નાગરિકોની સુરક્ષા માટે રાખવામાં આવ્યા હોવા છતા પણ આતંકી હુમલા રોકાઈ રહ્યા નથી. 2021માં પણ આવા જ એક હુમલામાં ચીનના નવ નાગરિકોના મોત થયા હતા.

ગઈકાલના સુસાઈડ એટેક બાદ ચીને ફરી પાકિસ્તાન પર આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે દબાણ કર્યુ છે.


Google NewsGoogle News