ભારતની પહેલી મુલાકાત પછી મુઈજ્જુએ દ્વિપક્ષીય સંબંધો સુદ્રઢ કરવા સ્વીકાર્યું
- હિન્દ મહાસાગરનાં હાર્દમાં રહેલું માલદીવ ઘણું મહત્વનું છે
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની તેઓની મુલાકાત ફળદાયી બની રહી ભારત આશા રાખે છે કે મુઈજ્જુનું ચીન તરફી વલણ ઢીલું પડશે ભારત તરફ વળશે
માબે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહ પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યોજેલા ભવ્ય ભોજન સમારંભમાં પ્રમુખ મુઈજ્જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓની બાજુમાં જ સ્થાન આપ્યું હતું. તે પછી પ્રમુખ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેઓનો આમંત્રણથી મળવા ગયા હતા. તે દરમિયાન બંને પ્રમુખો વચ્ચે લંબાણ મંત્રણા યોજાઈ હતી જેમાં પ્રમુખ મુઈજ્જુએ બંને દેશો વચ્ચેના સંબંધો સુદ્રઢ કરવા સ્વીકાર્યું હતું.
આ માહિતી આપતાં માલદીવનાં વિદેશ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે બંને પ્રમુખોએ ભારત-માલદીવ વચ્ચેના સંબંધો સુદ્રઢ કરવા તેમજ બંને દેશો વચ્ચેનો સહકાર વધારવા સંમત થયા હતા. પ્રમુખ મુઈજ્જુએ પણ ભારતમાં રાષ્ટ્રપતિનું તે સૂચન સ્વીકાર્યું હતું.
જ્યારે ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુઈજ્જુની સરકાર તેમજ માલદીવના લોકો પ્રત્યે શુભેચ્છા વ્યક્ત કરી હતી.
માલદીવ ઉપરથી બ્રિટને તેની પ્રભુસત્તા ઉઠાવી લઈ તેને સ્વતંત્ર જાહેર કર્યું ત્યારથી શરૂ કરી મુઈજ્જુની સરકાર આવી ત્યાં સુધી બંને દેશોના સંબંધો ઘણા સારા રહ્યા હતા. પરંપરાગત રીતે માલદીવના પ્રમુખ પોતાની ચૂંટણી પછી સૌથી પહેલાં ભારતની જ યાત્રાએ આવતા હતા. પરંતુ મુઈજ્જુએ તે પરંપરા તોડી સૌથી પહેલા ચીનની મુલાકાતે ગયા તે પછી તુર્કીની મુલાકાતે ગયા. ભારતની આ વખતની મુલાકાત તેઓની ભારતની સૌથી પહેલી મુલાકાત બની રહી છે.
આ પૂર્વે ભારત સાથેના તેમના સંબંધો ઘણા સારા હતા, પરંતુ તેમાં ચીને ફાંસ મારી, મુઈજ્જુ ભારતની મુલાકાત પૂર્વે સૌથી પહેલાં તેઓ ચીન ગયા હતા, પછી તુર્કી ગયા હતા. તેમણે શપથવિધિ સુધી તુર્તજ ત્યાં રહેલી ભારતીય સૈન્યની ટુકડીને માલદીવ છોડી જવા કહ્યું હતું. પરંતુ ભારતે જ ભેટમાં આપેલા ડ્રોન વિમાનો અને હેલિકોપ્ટર્સનાં રીપેર માટે કામ કરતા જવાનો ગયા પછી મુશ્કેલી ઉભી થતાં છેવટે હિન્દુસ્તાન એરોનોટિક્સના ઇજનેરો અને કામદારોને બોલાવવા પડયા હતા. તેથી મૂળભૂત પરિસ્થિતિને લક્ષ્યમાં રાખી હવે માલદીવનું વલણ ભારત તરફે ઝુકાવ લેશે તેવી આશા રાખવામાં આવે છે, હિન્દ મહાસાગરના હાર્દ સમાન આ ટાપુ રાષ્ટ્ર વ્યૂહાત્મક દ્રષ્ટિએ અતિ મહત્વનું છે.