બાયડેન પછી બ્રિટિશ PM ઋષિ શુનક પણ ઇઝરાયલ જવાના છે : નેતન્યાહુને મળશે

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
બાયડેન પછી બ્રિટિશ PM ઋષિ શુનક પણ ઇઝરાયલ જવાના છે : નેતન્યાહુને મળશે 1 - image


- શુનક પણ ઇઝરાયલને સમર્થન આપશે તેમ મનાય છે : પશ્ચિમના લગભગ તમામ દેશો ઇઝરાયલ સાથે ઉભા રહ્યા છે

લંડન : અમેરિકાના પ્રમુખ જો બાયડેનની ઇઝરાયલની મુલાકાત પછી બ્રિટનના વડાપ્રધાન ઋષિ શુનક પણ ઇઝરાયલની મુલાકાતે જવાના છે. તેઓ આજે ઇઝરાયલનાં પાટનગર તેલ અવીવ પહોંચશે. ઇઝરાયલ ઉપર થયેલા આતંકી હુમલા પછી શુનક નેતાન્યાહુ સાથે મંત્રણા કરવાના છે.

સમાચાર એજન્સી રોઈટરે બ્રિટનના પીએમઓને ટાંકતાં જણાવ્યું છે કે, શુનક ઇઝરાયલના પ્રમુખ ઇસાક હર્ઝોગને પણ મળશે. દરમિયાન તે યુદ્ધમાં સમાધાન શોધવા વિશેષત: આતંકી ગતિવિધિઓમાંથી રસ્તો શોધવા માટે પણ વિચાર વિમર્શ કરશે.

બ્રિટનનાં વડાપ્રધાનના કાર્યાલયનાં જણાવ્યા પ્રમાણે ૭ ઓકટોબરે ઇઝરાયલ પર થયેલા આતંકી હુમલાની દ્રષ્ટિએ પોતાની સંવેદના વ્યક્ત કરવા શુનક તેલ અવીવ જવાના છે.

ઇઝરાયલ જતાં પૂર્વે એક વક્તવ્યમાં શુનકે પત્રકારોને જણાવ્યું હતું કે હમાસનાં તે ભયંકર કૃત્યને લીધે અનેક લોકોના જાન ગયા છે. એક પણ નાગરિકનું આ રીતે મૃત્યુ થાય તે ત્રાસજનક છે. સાથે કહ્યું કે મંગળવારે ગાઝા હોસ્પિટલ પર થયેલા ઘાતક હુમલા પછી દુનિયાભરના નેતાઓએ યુદ્ધની ખતરનાક સ્થિતિમાંથી બચવા એક સાથે ઊભા રહેવું જોઈએ.

આ નિવેદનમાં પીએમઓએ તેમ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન ગાઝામાં વહેલામાં વહેલી તકે માનવીય સહાયતા પહોંચી શકે તે માટે માર્ગ ખોલવા પણ અનુરોધ કરવાના છે.

બ્રિટિશ વડાપ્રધાનની ઓફિસનાં આ નિવેદનો ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે કે હવે પશ્ચિમના લગભગ તમામ દેશો ઇઝરાયલ સાથે ઉભા રહ્યા છે. શુનક પૂર્વે બાયડેન પણ તેલ અવીવ ગયા હતા. તેઓએ પણ ઇઝરાયલને સમર્થન આપ્યું હતું તે ઉલ્લેખનીય છે.

બ્રિટનની પીએમઓ ઓફિસના પ્રવકતાએ બુધવારે જણાવ્યું હતું કે ઇઝરાયલ પર થયેલા હમાસના હુમલામાં ૭ બ્રિટિશ નાગરિકો માર્યા ગયા છે. ૯ લાપતા છે. શુનક ઇઝરાયલ પહોંચશે તો બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ કલેવર્લી આગામી ૩ દિવસોમાં ઇજીપ્ત, તુર્કી અને કતારની મુલાકાતે જવાના છે.

તે સર્વવિદિત છે કે અમેરિકાના પ્રમુખ જો બાયડેન ઇઝરાયલની મુલાકાતે ગયા હતા. ઇઝરાયલના પાટનગર તેલ અવીવમાં તેઓએ ઇઝરાયલને સમર્થન આપવા સાથે ગાઝા હોસ્પિટલમાં થયેલા રોકેટ હુમલા માટે આતંકી સંગઠનને જવાબદાર ઠરાવ્યું હતું અને ઇઝરાયલને ક્લિન ચીટ આપી હતી.

તેઓએ અમેરિકા જતાં પૂર્વે પત્રકારોને જણાવ્યું હતું કે અમે (ગાઝામાં) માનવીય સહાય પહોંચાડીશું જ, તે માટે ઇજીપ્તના પ્રમુખ સાથે ચર્ચા પણ થઈ છે. ઇજીપ્તની બોર્ડર તરફથી ૨૦ ટ્રક ભરી સહાય માટેની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવશે.

અમેરિકાના કહેવાથી ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુ ગાઝામાં માનવીય સહાય મોકલવામાં અવરોધ નહીં કરવા સહમત થયા હતા.


Google NewsGoogle News