આર્મેનિયા બાદ બ્રાઝિલ, ફિલિપાઈન્સ અને ઈજિપ્તે પણ ભારતની આકાશ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવામાં રસ બતાવ્યો
image : Twitter
નવી દિલ્હી,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર
અત્યાર સુધી ભારત વિદેશી હથિયારોનુ સૌથી મોટુ ગ્રાહક રહ્યુ છે પણ હવે ભારતે ઘરઆંગણે મારક હથિયારો બનાવવાની સાથે સાથે દુનિયાના બીજા દેશોને તે વેચવા માટે પણ નજર દોડાવવા માંડી છે.
ભારતે બનાવેલી આકાશ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદવામાં આર્મેનિયા બાદ હવે ફિલિપાઈન્સ, ઈજિપ્ત અને બ્રાઝિલે પણ રસ બતાવ્યો છે. આર્મેનિયા પાસેથી તો ભારતને આ સિસ્ટમ માટે 600 મિલિયન ડોલરનો ઓર્ડર મળેલો જ છે અને સંરક્ષણ વિભાગના અધિકારીઓનુ કહેવુ છે કે, આગામી મહિનાઓમાં આર્મેનિયાને તેની ડિલિવરી આપવાની પણ શરુ કરી દેવામાં આવશે. તેની સાથે સાથે બ્રાઝિલ, ઈજિપ્ત અને ફિલિપાઈન્સ તેમજ બીજા કેટલાક દેશો પણ આ સિસ્ટમમાં રસ દાખવી રહ્યા છે.
ભારતના ડીઆરડીઓ દ્વારા આકાશ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ વિકસીત કરવામાં આવી છે. છેલ્લા એક દાયકા કરતા વધારે સમયથી ભારત તેનો ઉપયોગ કરી રહ્યુ છે.
તાજેતરમાં ભારતે આ સિસ્ટમન મારક ક્ષમતાનુ નિર્દેશન પણ કર્યુ હતુ. જેમાં આકાશ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના ચાર મિસાઈલ્સે એક સાથે ચાર હવાઈ જહાજોને સફળતાપૂર્વક તોડી પાડ્યા હતા. 12 ડિસેમ્બરે વાયુસેનાના એરબેઝ પર આયોજિત એક કવાયત દરમિયાન આકાશ સિસ્ટમનુ શક્તિ પ્રદર્શન લોકોને જોવા મળ્યુ હતુ. ભારતમાં અલગ અલગ જગ્યાએ આ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે.
ડીઆરડીઓએ સોશિયલ મીડિયા પર એક વિડિયો રિલિઝ કરીને દર્શાવ્યુ હતુ કે, ચાર ડ્રોનને આકાશ સિસ્ટમની ચાર મિસાઈલે હવામાં જ આંતરીને તોડી પાડ્યા હતા.