ટેરિફ મુદ્દે અમેરિકા બાદ ચીનની દુનિયાને ધમકી
- વાટાઘાટો અધ્ધરતાલ : જેવા સાથે તેવાની નીતિથી વૈશ્વિક વેપાર જોખમાશે
- ટ્રમ્પ ટેરિફ દ્વારા ડઝનેક દેશો પર ચીન સાથે વેપાર ઘટાડવા દબાણ લાવતા હોવાના વોલસ્ટ્રીટના અહેવાલથી ચીન ભડક્યું
- વિશ્વના બધા દેશો અમેરિકાએ લાદેલા ટેરિફના મુદ્દે નિષ્પક્ષતા અને ન્યાયની સાથે ઊભા રહે : ચીનનું આહવાન
બૈજિંગ : ચીને અમેરિકા સાથે તેના હિતોના ભોગે વેપાર સમજૂતી કરનારા દેશોને ધમકી આપી છે. ચીનનું કહેવું છે કે આવી સમજૂતીથી તેને નુકસાન થઈ શકે છે. આ ચેતવણી સોમવારે આવી. ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા બીજા દેશાને ચીનની સાથે કારોબાર ઘટાડવાના બદલામાં ટેરિફમાં છૂટ આપી શકે છે. ચીને જણાવ્યું હતું કે કોઈપણ દેશ અમેરિકા સાથે તેને નુકસાન થાય તેવી સમજૂતી કરે તો તે ચૂપ નહીં રહે.
ચીનના મંત્રાલયે જણાવ્યું હતું કે ચીન તેના ભોગે થનારી કોઈપણ સમજૂતીને ક્યારેય નહીં સ્વીકારે. મંત્રાલયે જણાવ્યું હતું કે જો કોઈ દેશે આવી સમજૂતી કરી હશે તો ચીન તેને ક્યારેય નહીં સ્વીકારે અને તેનો દ્રઢતાથી તથા તે જ રીતે જવાબ આપશે. તેનો સીધો અર્થ એમ થાય કે ચીન એવા જ પગલાં ઉઠાવશે જે અમેરિકાએ ઉઠાવ્યા છે.
ચીનની આ પ્રતિક્રિયા ટ્રમ્પના તેવા પ્રયત્નો પછી આવી છે જેમા તે ચીનની સાથે કારોબારી સંબંધો ઘટાડનારા દેશોને પ્રોત્સાહન આપી વૈશ્વિક વેપાર સંબંધોને નવો ઓપ આપવા પ્રયત્નશીલ છે. ચીન તેને આર્થિક દબાણની પદ્ધતિ માને છે. ચીને તે સરકારોની પણ ટીકા કરી જે અમેરિકાની માંગ આગળ ઝૂકી જાય છે. ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતુ કે ચાપલૂસીથી શાંતિ નહીં મળે અને કરારનું સન્માન નહીં કરવામાં આવે. ચીને તેને અમેરિકન દબાણ આગળ નાસમજ અભિગમ દર્શાવી ઝૂકવાનું બતાવ્યું.
ચીનનું માનવું છે કે બધા પક્ષોએ ટેરિફના મુદ્દે નિષ્પક્ષતા અને ન્યાયની સાથે ઊભા રહેવું જોઈએ. ચીનને આશા છે કે તેના વ્યાપારિક ભાગીદાર આ મૂલ્યોનું પાલન કરશે. પોતાના વૈશ્વિક ભાગીદારો સાથે એક સમાધાનવાળા સૂરમાં મંત્રાલયે જણાવ્યું કે તે બધા પક્ષોની સાથે એકતા અને સમન્વયને મજબૂત કરવા સ્થિતિનો સામનો કરવા માટે હાથ મિલાવવા અને એકતરફી દાદાગીરીનો સંયુક્ત રીતે વિરોધ કરવા તૈયાર છે.
આ આહવાન અમેરિકન પ્રભાવને સંતુલિત કરવા માટે સમાન વિચારવાળા દેશોની સાથે સહયોગ મજબૂત કરવાના ચીનના ઇરાદાને દર્શાવે છે. આ સંદેશ તે વાતનો પણ સંકેત છે કે ચીન સક્રિય રીતે તે દેશોનું ગઠબંધન બનાવવા પ્રયત્નશીલ છે જે વોશિંગ્ટનની આક્રમક ટેરિફ નીતિઓનો વિરોધ કરે છે.
વોલસ્ટ્રીટ જર્નલે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે અમેરિકા ટેરિફ મંત્રણાનો ઉપયોગ કરીને ડઝનેક દેશો પર દબાણ કરવાની યોજના બનાવી રહ્યું છે જેથી તે ચીનની સાથે વેપાર પર નવા અવરોધ લગાવી શકે. જાપાન અને આસિયાન સહિત ઘણા દેશોનો ચીન અને અમેરિકા બંનેની સાથે સારો કારોબાર છે.