એક દશક સુધી ISISનાં પંજામાં પડેલું મોશુલ મુક્ત થતાં શાંતિનો શ્વાસ લે છે
- એક દશક પૂર્વે ISISએ મોશુલ ઉપર કબજો જમાવ્યો હતો : તેણે લઘુમતિઓની હત્યા કરી, સંગીત બંધ કર્યું પુરાતત્વીય સ્થાનોનો નાશ કર્યો
મોશુલ/ઈરાક : આજથી આશરે દસેક વર્ષ પૂર્વે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા (આઈએસઆઈએસ)ના આતંકીઓએ મોશુલ ઉપર કબજો જમાવી દીધો હતો અને ગ્રાન્ડ અલ્ નૂરી મસ્જિદમાં તેમણે ખિલાફતની જાહેરાત કરી હતી. આ પછી મોશુલમાં કટ્ટર ઈસ્લામિક કાનૂન દાખલ કરી દીધો હતો ત્યાં રહેતા લઘુમતિઓની કતલ કરી નાખી હતી અને ઇસ્લામના સિદ્ધાંતોનું મનઘડંત અર્થઘટન કરી સંગીત બંધ કર્યું હતું તેમજ પુરાતત્વીય અવશેષોનો પણ નાશ કર્યો.
તાઈગ્રીસ નદીના પશ્ચિમ તટે વસેલું આ નગર છેલ્લાં દસ વર્ષથી હત્યાઓ, અપહરણો અને ત્રાસનું ઉપનામ બની ગયું હતું. ૨૦૦૩માં ઈરાક ઉપર થયેલા હુમલા પછી ઈરાકમાં પણ હજીપણ શાંતિ નથી તેમાં આઈ.એસ.આઈ.એસ.ના આતંકને લીધે આ શહેર અને આસપાસનો વિસ્તાર ખંડેરરૂપ બની રહ્યો છે. આ શહેરને મુક્ત કરવામાં હજ્જારો નાગરિકોનાં પણ મૃત્યુ થયાં છે.
હવે આ શહેર આતંકીઓના હાથમાંથી મુક્ત થતાં પુન:નિર્માણ તો નદીના બંને કાંઠે શરૂ થઈ ગયું છે. પરંતુ આ સ્થિતિમાં પણ ત્યાં ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. તેથી પુન:નિર્માણ ધીમી ગતિએ ચાલે છે.