Get The App

કાર્બન ન્યુટ્રલ: બ્રિટનમાં ક્રાંતિના એક યુગનો અંત, 142 વર્ષ બાદ કોલસાથી વીજ ઉત્પાદન બંધ

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
કાર્બન ન્યુટ્રલ: બ્રિટનમાં ક્રાંતિના એક યુગનો અંત, 142 વર્ષ બાદ કોલસાથી વીજ ઉત્પાદન બંધ 1 - image


Carbon Neutral: દુનિયામાં ક્લાઈમેટ ચેન્જ મુદ્દે ઘણાં સમયથી હોબાળો ચાલે છે. પરંતુ મોટા દેશો, સમૃદ્ધ દેશો કે પછી વિકસિત દેશો દ્વારા દેખિતી રીતે મોટા પગલાં લેવામાં આવતા નહોતા. આ ટ્રેન્ડથી અલગ જઈને બ્રિટને કાર્બન ન્યૂટ્રલ કન્ટ્રી તરીકે પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. બ્રિટન ઘણાં વખતથી પોતાના ઝીરો કાર્બન ઉત્સર્જન ઉપર કામ કરી રહ્યું હતું. તેના ઉપર તાજેતરમાં મોટો નિર્ણય લેવાયો હતો. 

બ્રિટનમાં સૌથી પહેલાં કોલસાથી વીજળી ઉત્પાદન કરતા પ્લાન્ટ શરૂ કરાયા

બ્રિટનમાં ચાલી રહેલો કોલસાથી વીજળી ઉત્પન્ન કરતો પાવર પ્લાન્ટ 30મી સપ્ટેમ્બરે રાત્રે બંધ કરાયો હતો. આ પ્લાન્ટની તમામ ચીમનીઓ હવે તબક્કાવાર બંધ કરવામાં આવશે જેના માટે હજી બે-ચાર વર્ષ લાગશે. મહત્ત્વની વાત એ છે કે, વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરનારા બ્રિટનમાં સૌથી પહેલાં 18મી સદીમાં કોલસાથી વીજળી ઉત્પાદન કરતા પ્લાન્ટ શરૂ કરાયા હતા. આ સાથે જ બ્રિટન દુનિયાનો પહેલો સમૃદ્ધ દેશ બન્યો છે. જેણે અશ્મિગત ઈંધણ એવા કોલસાના ઉપયોગને શૂન્ય કરી દીધો છે. 

આ પણ વાંચો: અદાણી જૂથની ડીલને લઈને કેન્યામાં હોબાળો, PM મોદી અદાણીના એજન્ટ હોવાનો આરોપ


જી-7 દેશોમાં બ્રિટન પહેલો દેશ છે જેણે કોલસાના ઉપયોગને સદંતર બંધ કરીને કાર્બન ન્યૂટ્રલ થવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. આ પ્લાન્ટની 8 ચીમનીઓ છે તેને ડિસ્મેન્ટલ કરતા હજી સમય જશે. આ કામગીરી આગામી 4-5 વર્ષમાં પૂરી કરવામાં આવશે. આ પ્લાન્ટમાં 170 જેટલાક કર્મચારીઓ છે. આ તમામ કર્મચારીઓ આ પ્લાન્ટને ડિકમિશન્ડ કરવામાં આગામી બે વર્ષ સુધી મદદ કરશે. 

વર્ષ 1960ના દાયકામાં રેટક્લિફ ઓન સોર નામના પ્લાન્ટને શરૂ કરવાની વિચારણા ચાલુ થઈ હતી. 1968માં આ પ્લાન્ટ સક્રિય કરવામાં આવ્યો હતો. અંદાજે 50થી વધુ વર્ષ સુધી આ પ્લાન્ટ દ્વારા બ્રિટન માટે વીજળી ઉત્પન્ન કરવામાં આવી હતી. તે અંદાજે વીસ લાખ મકાનોને વીજળી પહોંચાડતો હતો. આ પ્લાન્ટ બંધ કરવા સાથે જ 142 વર્ષના ઔદ્યોગિક ક્રાંતિના ઈતિહાસનો અંત આવ્યો હતો. આ પાવર પ્લાન્ટ ખૂબ જ મહત્ત્વનો હતો. 

મિડલ ઈંગ્લેન્ડમાં આવેલો આ પ્લાન્ટ હાડ થીજાવતી ઠંડીમાં લોકોને ગરમી પૂરી પાડવા માટે વીજળી પહોંચડતો હતો. તેનાથી બ્રિટનની ઘણી મોટી વસતીને વીજ સેવાઓ મળતી હતી. હવે બ્રિટનમાં માત્ર પાણી, વાયુ અને સૂર્યપ્રકાશ જેવા પરિબળો દ્વારા જ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે. આ દિશામાં સ્વીડન અને બેલ્જીયમે બાજી મારી હતી. 

યુરોપના દેશોમાં આ બંને દેશોએ બ્રિટનની પહેલાં કોલસાનો ઉપયોગ અટકાવી દીધો હતો. ફ્રાન્સ 2027માં, કેનેડા 2030માં, અમેરિકા 2035માં અને જર્મની 2038માં કોલસાનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરી દેશે. મહત્ત્વની વાત એ છે કે, કાર્બન ન્યૂટ્રલ થવાની દિશામાં આ દેશો દ્વારા ઝીરો કાર્બન પોલિસી લાગુ કરવામાં આવી હતી. તેના ભાગરૂપે જ અશ્મિગત ઈંધણોના ઉપયોગને ઘટાડવા અને તબક્કાવાર બંધ કરીને તેના વૈકલ્પિક સ્રોત તરફ આગળ વધવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેના માટે તમામ મોટા દેશો દ્વારા સૌથી પહેલાં કોલસાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકાઈ રહ્યો છે. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ તરફ આગળ વધવામાં આવશે. 

આ પણ વાંચો: મહાન સંશોધક મુસાફર કોલંબસ યહૂદી હતા તેઓ ઈટાલિયન નહીં પરંતુ સ્પેનના વતની હતા

ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં 33 ટકા જેટલો મોટો ઘટાડો કરવામાં આવ્યો 

એક અભ્યાસમાં એવું પણ કહેવાયું હતું કે, ભારત દ્વારા છેલ્લાં 14 વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ભારત દ્વારા વિવિધ સેક્ટરમાં દબાણો અને પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તેના કારણે જ કાર્બન ઉત્સર્જનમાં 33 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. યુએન દ્વારા થોડા સમય પહેલાં જારી કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત દ્વારા 2005થી 2019 દરમિયાન જીડીપીની સરખામણીમાં 33 ટકાનો તોતિંગ ઘટાડો કરાયો છે. 

ભારત દ્વારા આ રીતે જ કામગીરી કરવામાં આવશે તો 2030 સુધીમાં આ ઘટાડો 45 ટકા જેટલો થઈ શકે છે. 

ભારત દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં 2014 પછી ઝડપ પકડવામાં આવી હતી. 2014- 2016 સુધીમાં ભારત દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવાની ઝડપ 1.5 ટકા હતી જે 2019 સુધીમાં 3 ટકા સુધી પહોંચી ગઈ હતી. જાણકારોના મતે 2016 બાદ ભારત દ્વારા રીન્યૂએબલ એનર્જી ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. જેના પગલે કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ભારતમાં વીજ ઉત્પાદનની વાત કરીએ તો 2019 બાદ રીન્યૂએબલ સોર્સિસમાં ખૂબ જ મોટો વધારો થયો છે. વર્તમાન વર્ષમાં વીજળી મેળવવા માટે 25.3 ટકા જેટલા રીન્યૂએબલ સોર્સિસનો ઉપયોગ કરવામાં આવે છે. 

2100ની સાલ સુધીમાં ગ્લોબલ વોર્મિંગથી 1 અબજનાં મોત થશે

થોડા સમય પહેલાં કેનેડા ખાતે થયેલા એક અભ્યાસમાં ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરો સામે આવી હતી. તેમાં જણાવાયું હતું કે, જે રીતે લોકો પ્રદુષણ ફેલાવી રહ્યા છે તેના કારણે આગામી સમયમાં પૃથ્વીનું તાપમાન ઝડપથી વધવાનું છે. જો 2100ની સાલ સુધીમાં પૃથ્વીના સરેરાશ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો પણ વધારો થશે તો 1 અબજ લોકોના મોત થઈ જશે. જાણકારોએ કહ્યું કે, મૃત્યુ પામનારા 1 અબજ લોકોમાંથી મોટાભાગના લોકો ગરીબ અને વિકાસશિલ દેશોના હશે. આ એવા લોકો હશે તેમનું પ્રદુષણ ફેલાવવામાં યોગદાન સાવ નહીવત્ હશે. 

દર વર્ષે  150 કરોડ ટન કાર્બન ઉત્સર્જન ઘટી જશે 

જાણકારોના મતે એશિયાના દેશોમાં હજી પણ કોલસા અને લાકડાનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. કોલસાનો ઉપયોગ કરવામાં ચીન અને ભારત ટોચના સ્થાને આવે છે. જાણકારોના મતે કોલસા, લાકડાં અને કેરોસીન જેવા ઈંધણોનો ઉપયોગ ઘટાડવામાં આવે તો પ્રદુષણમાં પણ મોટાપાયે ઘટાડો થઈ શકે છે. 

એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, રસોઈ માટેના આવા સાધનોનો ઉપયોગ બંધ કરવામાં આવે તો દર વર્ષે 150 કરોડ ટન કાર્બન ઉત્સર્જન ઘટી શકે છે. આ આંકડો ખૂબ જ મોટો છે. દર વર્ષે જહાજો અને વિમાનો દ્વારા જે કાર્બન ઉત્સર્જન કરવામાં આવે છે તેટલું કાર્બન ઉત્સર્જન આ સાધનોનો ઉપયોગ નહીં કરવાથી ઘટી શકે છે. બીજી તરફ જે માનવ કલાકોની બચત થાય છે તે પણ મોટાપાયે થાય છે. 

સંશોધકોના મતે રસોઈના સ્વચ્છ ઈંધણના કારણે જે માનવ કલાકોની બચત થશે તે જાપાનના કુલ વાર્ષિક માનવ શ્રમ કલાકો જેટલી બચત થશે. તેમાં એવું પણ જણાવાયું છે કે, વાર્ષિક ધોરણે 800 કરોડ સ્વચ્છ ઈંધણ ઉપર કરવામાં આવે તો 2030 સુધીમાં સમગ્ર વિશ્વમાં સ્વચ્છ ઈંધણના સાધનો પહોંચાડી શકાય છે. આ રકમ ગત વર્ષ સમગ્ર વિશ્વના દેશો દ્વારા લોકો માટે ઊર્જાના સાધનો પાછળ કરાયેલા ખર્ચની માત્ર એક ટકા રકમ થાય છે. 

બ્રિટનમાં એક યુગનો અંત આવ્યો: ઊર્જા મંત્રી માઈકલ શેંક્સ

રેટક્લિફ ઓન સોર કોલ પાવર પ્લાન્ટ બંધ કરવા મુદ્દે બ્રિટનના ઊર્જામંત્રી માઈકલ શેંક્સે પણ ભાવુક પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, 'આ પ્લાન્ટ બંધ થતાની સાથે જ બ્રિટનમાં ક્રાંતિના એક યુગનો અંત આવ્યો છે. કોલ પાવર પ્લાન્ટમાં કામ કરનારા દરેક લોકો કે જેમણે પોતાની ક્ષમતા સિદ્ધ કરી બતાવી હતી તેને અમે યાદ રાખીશું. આ તમામ લોકોના નામ કોઈને ખબર નથી પણ ઈતિહાલના 140 મહત્ત્વના વર્ષના તેઓ સાક્ષી રહ્યા છે અને ભાવી પેઢીને તેમની કામગીરી ગર્વથી જણાવી શકાશે. આવનારી પેઢી ગર્વ સાથે આજીવન તેમની આભારી રહેશે.'

આ પણ વાંચો: 'ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા, આખી દુનિયામાં છવાશે અંધકાર...', જીવતા નોસ્ત્રેદમસની ભવિષ્યવાણી

બ્રિટનમાં આજે કોલસાનો યુગ સમાપ્ત થઈ ગયો છે પણ બ્રિટનમાં ક્લીન એનર્જીનો નવો યુગ શરૂ થયો છે. બીજી તરફ આ પાવર પ્લાન્ટના મેનેરજ પીટર ઓગ્રેડીએ જણાવ્યું કે, 'આ ક્ષણ ખૂબ જ ભાવવિભોર કરી દેનારી છે. અમે લોકોએ જ્યારે આજથી 36 વર્ષ પહેલાં અમારી કારકિર્દી શરૂ કરી હતી. ત્યારે અમને કોઈને કલ્પના નહોતી કે ભવિષ્યમાં એક દિવસ એવો આવશે જ્યારે બ્રિટનને કોલસાની જરૂર જ નહીં રહે. બ્રિટનમાં કોલસાના ઉપયોગ વગર વીજળીનું ઉત્પાદન થશે. અમને ગર્વ છે કે, અમે બ્રિટનના સુવર્ણ ઈતિહાસની તવારીખનો એક ભાગ છીએ.'

1882માં થોમસ એડિશને પહેલો પ્લાન્ટ શરૂ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ થયા ત્યારે કોલસાથી વીજળી ઉત્પન્ન કરવાની પદ્ધતિ ઉપર શોધ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન વીજળીના સંશોધક અને બિઝનેસમેન થોમસ એડિસન દ્વારા બ્રિટનમાં જંગી રોકાણ કરવામાં આવ્યું. તેમણે પહેલી વખત લંડનમાં કોલસાથી વીજળી ઉત્પન્ન કરનારા પાવર પ્લાન્ટની સ્થાપના કરી. તેમણે 1882માં હોલબોર્ન વાયડક્ટ પાવર સ્ટેશનની લંડનમાં સ્થાપના કરી અને કોલસા દ્વારા વીજળી બનાવવા લાગ્યા. તે સમયે આ દુનિયાનું પહેલું પાવર સ્ટેશન હતું કે કોલસામાંથી વીજળીનું ઉત્પાદન કરતું હતું. ત્યારબાદ બ્રિટનમાં ધીમે ધીમે પાવર પ્લાન્ટ શરૂ થવા લાગ્યા અને 2000ની સદી આવતા સુધીમાં તો બ્રિટનમાં 80 ટકા વીજળી કોલસા દ્વારા જ ઉત્પાદિત થતી હતી. ત્યારબાદ બ્રિટને તેના તરફ ગંભીર થવાનું શરૂ કર્યું.

2001થી કોલસાના ઉપયોગમાં મોટાપાયે ઘટાડો શરૂ કરી દીધો. તે દરમિયાન 15 પાવર પ્લાન્ટ બંધ કરી દેવાયા જે કોલસાથી ચાલતા હતા. 2012માં બ્રિટનમાં વીજળી માટે કોલસાનો ઉપયોગ 39 ટકા ઉપર આવી ગયો. ત્યારબાદ 34 ટકા, 28 ટકા અને ગત વર્ષે માત્ર 1 ટકા જેટલો કોલસાનો ઉપયોગ રહ્યો હતો. આ પ્લાન્ટ બંધ કરવા સાથે જ કોલસાનો પાવર પ્લાન્ટમાં ઉપયોગ સદંતર બંધ થઈ ગયો.

કાર્બન ન્યુટ્રલ: બ્રિટનમાં ક્રાંતિના એક યુગનો અંત, 142 વર્ષ બાદ કોલસાથી વીજ ઉત્પાદન બંધ 2 - image



Google NewsGoogle News