ડુરાન્ડ લાઈનને અમે સરહદ માનતા જ નથી, પાકિસ્તાનના વિસ્તારો પર તાલિબાને ઠોકયો દાવો
image : twitter
ઈસ્લામાબાદ,તા.17 ફેબ્રુઆરી 2024,શનિવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ જ્યારે સત્તા આંચકી લીધી ત્યારે પાકિસ્તાનના શાસકો તાલિબાનને પોતાના મિત્ર ગણાવીને હરખાતા હતા.
હવે એવી હાલત છે કે, પાકિસ્તાન અને તાલિબાની શાસકોના એક બીજા સાથે સબંધો વણસી ચુકયા છે. તાલિબાની નેતાઓ પાકિસ્તાનને આંખ દેખાડી રહ્યા છે. અફઘાનિસ્તાનના ડેપ્યુટી વિદેશ મંત્રી શેર મહોમ્મદ અબ્બાસ સ્ટાનિકઝાઈએ તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના ડુરાન્ડ લાઈનને બોર્ડર માનવાનો જ ઈનકાર કરી દીધો છે.
તેમણે કહ્યુ હતુ કે, ડુરાન્ડ લાઈન નામે ઓળખાતી સરહદ પાકિસ્તાને બનાવેલી વાડ છે અને તેણે લોકોને અલગ કરી દીધા છે. આ સરહદનો કોઈ મતલબ નથી. આ વિસ્તાર તો અમારો જ છે અને અહીંયા જવા માટે અફઘાન લોકોને પાસપોર્ટ અને વિઝાની જરુર પડે તે અમારા માટે સ્વીકાર્ય નથી.
આ દાવા બાદ પાકિસ્તાનની સરકાર ભડકી ઉઠી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે, તાલિબાને જે પણ કાયદાકીય ધારા ધોરણો છે તેનુ પાલન કરવુ જોઈએ. અફઘાનિસ્તાને જે દાવો કર્યો છે તે કાલ્પનિક છે અને ઈતિહાસ, ભૂગોળ તેમજ આંતરરાષ્ટ્રીય કાયદા વિરુધ્ધનો છે. રાજકીય બયાનબાજીના કારણે જે સચ્ચાઈ છે તે બદલી શકાય તેમ નથી. ડુરાન્ડ લાઈન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ છે અને તેને દુનિયાએ માન્યતા આપેલી છે.
ઉલ્લેખનીય છે કે, ડુરાન્ડ લાઈન રશિયા અને ભારત પર જે તે સમયે શાસન કરી રહેલા બ્રિટિશ સામ્રાજ્ય વચ્ચે 19મી સદીમાં નક્કી કરવામાં આવી હતી. 1893માં બ્રિટિશ અધિકારી સર હેનરી ડુરાન્ડ અને તે સમયના અફઘાન શાસક અમીર અબ્દુર રહેમાન વચ્ચે આ માટે કરાર થયો હતો. જેના પગલે 2670 કિલોમીટર લાંબી બોર્ડરને માન્યતા મળી હતી.