દરેક આતંકી હુમલા માટે અમને દોષ ના આપો, પોતાની સુરક્ષા મજબૂત કરો, અફઘાનિસ્તાને પાકિસ્તાનને રોકડુ પરખાવ્યુ
Image Source: Twitter
ઈસ્લામાબાદ, તા. 14 ડિસેમ્બર 2023
પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં આર્મી બેઝ પર થયેલા આતંકી હુમલામાં 23 જવાનોના મોત થયા બાદ પાકિસ્તાને ફરી અફઘાનિસ્તાન તરફ આંગળી ચીંધી છે.
પાકિસ્તાને કહ્યુ છે કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને આતંકીઓ પાકિસ્તાન પર હુમલા કરી રહ્યા છે ત્યારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર આ આતંકીઓ સામે કાર્યવાહી કરે.
બીજી તરફ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનને જવાબ આપતા કહ્યુ છે કે, દરેક હુમલા માટે અમને દોષ આપવો યોગ્ય નથી. પાકિસ્તાને આ વાત સમજવી પડશે.
પાકિસ્તાની અખબાર સાથેના ઈન્ટરવ્યૂમાં તાલિબાનના પ્રકત્વા જબીહુલ્લાહ મુજાહિદે કહ્યુ હતુ કે, પાકિસ્તાને અમારી પાસે જે માંગણી કરી છે તેના પર વિચારણા કરીશું અને તપાસ પણ કરીશું. જોકે પાકિસ્તાને અમારા તરફ આંગળી ચીંધવા કરતા પોતાની સુરક્ષા પર ધ્યાન આપવુ જોઈએ. જે વિસ્તારમાં હુમલો થયો છે તે અફઘાન સરહદથી ઘણો દૂર છે. પાકિસ્તાન પાસે પણ મજબૂત સુરક્ષા દળો છે. તેમણે પોતાની ધરતી પર થયેલા હુમલાને નિષ્ફળ બનાવવો જોઈતો હતો.પાકિસ્તાની સુરક્ષા દળોની આ મોટી નિષ્ફળતા છે.
તેમણે આગળ કહ્યુ હતુ કે, અમે કોઈ પણ દેશની સામે અમારી જમીનનો ઉપયોગ કરવાની પરવાનગી આપી નથી. જો અમને ખબર પડી કે, અમારી જમીનનો ઉપયોગ પાકિસ્તાન પર હુમલો કરવાની યોજના બનાવવા માટે થયો છે તો અમે એ વાતની તપાસ કરીશું.
ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બરની સવારે પાકિસ્તાનના આર્મી બેઝ પર 6 આતંકીઓએ આત્મઘાતી હમલો કર્યો હતો અ્ને વિસ્ફોટકો ભરેલી ગાડી આર્મી બેઝની દિવાલ સાથે ટકરાવી હતી. જેમાં 23 જવાનોનો મોત થયા હતા. 6 આંતકીઓ પણ તેમાં માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી તહરીક જિહાદ એ પાકિસ્તાન નામના સંગઠને લીધી હતી.