'અમારી પાસે પરમાણુ બોમ્બ જેટલા શક્તિશાળી લડાકૂ', તાલિબાનની પાકિસ્તાનને ખુલ્લી ધમકી
Afghanistan-Pakistan Tension : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પાછલા કેટલાક દિવસોથી સતત તણાવ વધતો જઇ રહ્યો છે. આ દરમિયાન તાલિબાનના નાયબ વિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસે પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપી છે. તેમણે કહ્યું કે, 'પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો અમારી પાસે પરમાણુ બોમ્બને ટક્કર આપી શકે તેવા શક્તિશાળી લડાકૂ છે.'
'અમારા સૈનિકો ઐતિહાસિક યોદ્ધાઓથી પ્રેરિત'
અબ્બાસે પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું કે, 'તમારી પાસે ભલે પરમાણુ બોમ્બ હોય, પણ યાદ રાખજો અમારી પાસે પરમાણુ બોમ્બ જેટલા શક્તિશાળી લડાકૂ છે. અમારા સૈનિકો ઐતિહાસિક યોદ્ધાઓથી પ્રેરિત છે, તેમની પાસે આધુનિક હથિયારો સાથે મુકાબલો કરવાની શક્તિ છે.' નોંધનીય છે કે, અબ્બાસની આ ધમકીને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના તાલિબાન પરના તેમના તાજેતરના નિવેદનના જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે.
શું કહ્યું હતું પાકિસ્તાનના PMએ?
શાહબાઝ શરીફે ઈસ્લામાબાદમાં SIFCની સમિતિના કાર્યક્રમ દરમિયાન તાલિબાન અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'તાલિબાનનો વિનાશ કર્યા વિના પાકિસ્તાન આગળ વધી શકે તેમ નથી. તેમના લીધે પાકિસ્તાનમાં દરરોજ કોઈને કોઈ ઘટના બને છે. માટે તાલિબાની રાક્ષસને હરાવવું એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે.'
આ પણ વાંચોઃ અડધી રાતે પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર રોકેટથી હુમલો, ત્રણ કલાક ચાલ્યો ગોળીબાર
શું છે વિવાદ?
તમને જણાવી દઈએ કે, 24 ડિસેમ્બર 2024ના રોજ પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં અનેક સ્થળો પર એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં 46 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. આ હવાઈ હુમલાઓ પાકિસ્તાને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના અડ્ડાઓને ખતમ કરવા માટે કરાયા હતા. આ હુમલાને અફઘાનિસ્તાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. જે પછી, 28 ડિસેમ્બરે તાલિબાનોએ પાકિસ્તાનની સૈન્ય ચોકીઓ પર હુમલા કર્યા હતા અને 16 પાકિસ્તાની સૈનિકો માર્યા હતા.
બંને દેશો વચ્ચે બગડતા સંબંધો
આ હિંસા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના બગડતા સંબંધોને ઉજાગર કરે છે. બંને દેશોએ એકબીજા પર સરહદ પારના આતંકવાદ માટે જવાબદાર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે.
TTP પાકિસ્તાન માટે મોટો ખતરો
ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારથી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ પાકિસ્તાન માટે એક ગંભીર પડકાર અને ખતરા તરીકે ઉભરી આવ્યું છે. આ બદલાવથી TTPને ફરી એકઠું થવાની અને મજબૂત બનવાની તક મળી, જેના પછી પાકિસ્તાની સુરક્ષા દળો પર હુમલાઓ વધુ તીવ્ર બન્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં TTPએ પાકિસ્તાનમાં 1200થી વધુ હુમલા કર્યા છે.
TTPનો હેતુ શું છે?
TTPનો ઉદ્દેશ્ય પાકિસ્તાનની સરકારને ઉથલાવી દેવાનો અને શરિયા કાયદાની તેની વિચારધારાના આધારે ઇસ્લામિક અમીરાત બનાવવાનો છે. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે તે આત્મઘાતી હુમલા અને ટાર્ગેટ કિલિંગ જેવી હિંસક ઘટનાઓને પણ અંજામ આપી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાની સરકાર પરેશાન છે.