Get The App

અફઘાનિસ્તાન પર તાલિબાની આતંકીઓનો કબજો

Updated: Aug 16th, 2021


Google NewsGoogle News
અફઘાનિસ્તાન પર તાલિબાની આતંકીઓનો કબજો 1 - image


- અફઘાનિસ્તાનમાં લોકશાહી, આઝાદી, માનવ અધિકારોનો અંત, અરાજકતા

- 15મી ઓગસ્ટે તાલિબાની આતંકીઓએ રાજધાની કાબુલ પર કબજો કરતા જ રાષ્ટ્રપતિ અશરફ વિદેશ ભાગી ગયા

- તાલિબાને રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો, નવા રાષ્ટ્રપતિ તરીકે મુલ્લા અબ્દુલ ગનીનું નામ ચર્ચામાં

- અમેરિકા અને ભારતે નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા એરફોર્સ અને સૈન્યની મદદ લીધી

કાબુલ : ૧૫મી ઓગસ્ટે જ્યારે ભારતમાં આઝાદીનું પર્વ ઉજવાઇ રહ્યું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓએ લોકોની આઝાદી છીનવી લીધી હતી અને દેશ પર સંપૂર્ણ કબજો કરી લીધો હતો. તાલિબાની આતંકીઓેએ ૧૫મી ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરતા જ અફઘાનિસ્તાન સંપૂર્ણપણે તેના હાથમાં આવી ગયું છે. જ્યારે રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાન છોડીને વિદેશ જતા રહ્યા છે.

જે બાદ હાલ અફઘાનિસ્તાનમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે અને લોકો દેશ છોડી ભાગવા માટે એરપોર્ટ પર જઇ રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે એરપોર્ટના રનવે પર લોકો દોડી રહ્યા છે અને વિમાનમાં જગ્યા ન મળે તો તેના પર લટકીને પણ દેશ છોડવા માટે તૈયાર છે. 

અમેરિકાએ પહેલી મેથી પોતાનું સૈન્ય પરત બોલાવવાનું શરૂ કરી દીધુ તે બાદથી જ તાલિબાન અફઘાનિસ્તાન પર ચડાઇ કરવાનું શરૂ કરી ચુક્યું હતું, અને આ મહિનામાં એક સપ્તાહમાં જ તેણે ૧૦થી વધુ પ્રાંત પર કબજો કરી લીધો હતો. ત્યારથી જ અનેક ભારતીયો, અમેરિકનો અને અન્ય દેશના નાગરિકો દેશ છોડી પોતાના વતન પરત ફરવા લાગ્યા હતા. ૧૫મી ઓગસ્ટે તાલિબાન કાબુલમાં પ્રવેશ્યું તે સાથે જ રાષ્ટ્રપતિ અશરફ ગની પણ અફઘાનિસ્તાન છોડી અન્ય દેશ જતા રહ્યા. તેમણે બાદમાં એક ચીઠ્ઠી જારી કરીને કહ્યું કે અફઘાનિસ્તાનમાં વધુ લોહીયાળ જંગ ન થાય તે હેતુથી દેશ છોડી દીધો છે. 

જ્યારે બીજી તરફ તાલિબાને કહ્યું છે કે અમને એવી આશા નહોતી કે આટલી ઝડપી અમે અફઘાનિસ્તાનના પોતાના હાથમાં લઇ લઇશું. આ સાથે જ તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાન પર ચડાઇ માટે જે લોહિયાલ યુદ્ધ છેડયું હતું તેનો પણ અંત આવી ગયો છે તેવી જાહેરાત કરી હતી. તાલિબાન હવે અફઘાનિસ્તાનમાં પોતાનો નેતા જાહેર કરશે અને તે સાથે જ ઇસ્લામિક શરીયત કાયદાને પણ લાગુ કરશે, જે કાયદો અગાઉ તે લાગુ કરી ચુક્યું હતું અને મહિલાઓને નોકરી કરવાથી લઇને ઘરોથી એકલા બહાર નિકળવા પર પણ પ્રતિબંધ મુકી દીધો હતો. આ કાયદો તાલિબાન દ્વારા ફરી લાગુ કરવામાં આવશે. સાથે જ અફઘાનિસ્તાનનું નામ પણ બદલવાની તૈયારી ચાલી રહી છે. જ્યારે તાલિબાની આતંકીઓ હવે મોટા ભાગના શહેરોમાં નાકાબંધી કરી રહ્યા છે અને વાહનોની ચકાસણી કરી રહ્યા છે. 

વર્ષ ૧૯૯૬થી ૨૦૦૧ સુધી તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબજો હતો, જે સમયે તેણે મહિલાઓ પર બહુ જ અત્યાચાર ગુજાર્યો હતો. જોકે ૨૦૦૧માં અમેરિકાએ સૈન્ય મોકલીને તાલિબાની આતંકીઓથી અફઘાનિસ્તાનને આઝાદી અપાવી હતી. ૨૦ વર્ષની અફઘાનિસ્તાનની આ આઝાદીનો ૧૫મી ઓગસ્ટે અંત આવી ગયો હતો. જેથી હવે ફરી અફઘાનિસ્તાન અંધકારમય સ્થિતિમાં મુકાઇ ગયું છે. બીજી તરફ અન્ય દેશોના નાગરિકો ભયના માહોલમાં છે. અમેરિકા અને ભારતે પોત પોતાના એરફોર્સની મદદથી નાગરિકોને બહાર કાઢવાની કામગીરી વધુ ઝડપી બનાવી દીધી છે. હાલ કાબુલ એરપોર્ટ પર અમેરિકી સૈન્ય તૈનાત છે અને પોતાના નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યું છે. જ્યારે ભારતે પણ પોતાના વિમાનો દોડાવ્યા છે. 

બીજી તરફ આતંકી સંગઠન તાલિબાને અફઘાનિસ્તાનના નાગરિકોને આદેશ આપ્યો છે કે તેઓ ૧૭મી તારીખ સુધી પોતાના ઘરોમાં જ રહે. અને અન્ય દેશના નાગરિકોને હાની નહીં પહોંચાડીએ તેવી ખાતરી પણ આપી છે. સાથે જ હવે તાલિબાને પોતાના નવા રાષ્ટ્રપતિનું નામ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હાલ અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ તરીકે આતંકી મુલ્લા અબ્દુલ ગની બરાદરનું નામ ચર્ચામાં છે. કંદહારના વતની અને તાલિબાનની આગેવાની લેનારા મુલ્લા અબ્દુલ ગનીએ આતંકીઓની સાથે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે અને સત્તા પોતાના હાથમાં લઇ લીધી છે.  

રશિયાના રાજદૂતાવાસનો દાવો

અફઘાન પ્રમુખ ચાર કાર અને હેલિકોપ્ટર ભરેલા નાણા લઈને નાસી ગયા

- ગની બાકીના નાણા એટલા માટે છોડી ગયા કેમકે તે હેલિકોપ્ટરમાં આવી શકે તેમ ન હતા

કાબુલમાં રશિયાના રાજદૂતાવાસે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘની દેશમાંથી ચાર કાર અને એક હેલિકોપ્ટર ભરેલા નાણા સાથે નાસી ગયા હતા. તેઓ બાકીના નાણા એટલા માટે છોડી ગયા કે તે તેમા ભરાઈ શકે તેમ ન હતા. 

૦ઘની હાલમાં ક્યાં છે તે કોઈ જાણી શક્યું નથી. તે રવિવારે અફઘાનિસ્તાનમાં પ્રવેશી ગયા અને તાલિબાનો કોઈપણ પ્રકારના પડકારનો સામનો કર્યા વગર કાબુલમાં પ્રવેશ્યા હતા. ઘનીએ દાવો કર્યો હતો કે તે રક્તપાત ટાળવા માંગતા હોવાથી કાબુલ છોડી ગયા હતા. 

રશિયાએ જણાવ્યું હતું કે તે કાબુલમાં તેની રાજદ્વારી હાજરી જારી રાખશે. તેણે આશા વ્યક્ત કરી હતી કે તે તાલિબાન સાથે સંબંધ જાળવી રાખશે. તેની સાથે તેણે જણાવ્યું હતું કે તેને તાલિબાનોને દેશના શાસક તરીકે માન્યતા આપવાની કોઈ ઉતાવળ નથી. તે પહેલા તો તેમની વર્તણૂક પર ધ્યાન આપશે. 

કાબુલમાં રશિયન એમ્બેસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નજરે જોનારાએ જણાવ્યું હતું કે ઘની ચાર કાર અને હેલિકોપ્ટર ભરેલા નાણા લઈને ભાગી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ વાસ્તવમાં હજી પણ વધારે નાણા ભરવા માંગતા હતા, પરંતુ હેલિકોપ્ટરમાં જગ્યા ન હતી. તેના લીધે તેમણે બાકીના નાણા છોડી દેવા પડયા. 

રાષ્ટ્રપતિ વ્લાડીમીર પુટિનના અફઘાનિસ્તાનના ખાસ પ્રવક્તા ઝમીર કાબુલોવે જણાવ્યું હતું કે તે સ્પષ્ટ નથી કે તેઓ કેટલા નાણા મૂકીને ગયા છે. તેણે જણાવ્યું હતું કે આશા રાખી શકીએ કે દેશના વર્તમાન બજેટના બધા નાણા તે લઈને ગયા નહીં હોય. જો આવું થયું હશે તો દેશ માટે આ ખરાબ સ્થિતિ હશે. 


Google NewsGoogle News