પાકિસ્તાન સાથે તકરાર થતાં અફઘાનિસ્તાન ભારતના પગલે ચાલ્યું, યુદ્ધના એંધાણ
- 'ડુરાંડ લાઈન' સ્વીકારવા તાલિબાન તૈયાર નથી
- પાકિસ્તાને જ પશ્ચિમ પંજાબમાં તાલિબાનોને ઉછેર્યા, તેમણે અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો : હવે પાક. સામે લડાઈ શરૂ કરી
પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે તંગદિલી વધતી જ રહે છે. તેથી કાબુલે વ્યાપાર માટે નવી દિલ્હીનો માર્ગ લીધો છે. તેણે પણ ભારતની જેમ જ વ્યાપાર માટે ઇરાનના પોર્ટસનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.
સમય એક એવો હતો કે જ્યારે તાલિબાન અને પાકિસ્તાન મિત્રો હતા. વાસ્તવમાં તાલિબાનોને પાકિસ્તાને જ જન્મ આપ્યો છે. પંજાબના પશ્ચિમના વિસ્તારોમાં તેમને તાલિમ આપી, પાકિસ્તાને જ સશસ્ત્ર કર્યા. એક યુદ્ધ લડી શકાય તેટલા શસ્ત્રો પણ આપ્યા. હવે, તે જ તાલિબાન પાકિસ્તાનની સામે પડયા છે.
સૌથી પહેલા તો ગઈ સદીમાં તે સમયના અખંડ હિન્દુસ્તાન- બ્રિટિશ ઇંડિયા અને અફઘાનિસ્તાનને અલગ પાડતી રેખા ડુરાંડ લાઈન જે અંગ્રેજ ઇજનેર ડુરાંડે ૧૨ નવે. ૧૮૯૩માં દોરી હતી. જે તાલિબાનોને હવે સ્વીકાર્ય નથી. તેથી સરહદ અંગે તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે તકરાર ઉભી થઈ છે.
તાલિબાનો તે ડુરાંડ લાઇન ઉપર હુમલા કરે છે, તેવા પાકિસ્તાને કરેલી એર સ્ટ્રાઇક પછી તો બંને દેશો વચ્ચે સંબંધો ઘણા જ બગડી ગયા છે. પાકિસ્તાન કહે છે કે, તાલિબાનો તે લાઇન પાસે રહેલી અમારી ચોકીઓ ઉપર હુમલા કરે છે. કેટલીએ ચોકીઓ ઉપર તેમણે કબજો જમાવી દીધો છે. પાકિસ્તાની સેનાના ઓછામાં ઓછા ૧૯ સૈનિકો માર્યા ગયા છે. તો સેંકડો સૈનિકો તો નાસી ગયા છે.
આટલું જ નહીં પરંતુ અફઘાનિસ્તાને હવે ડીપ્લોમેટિક સ્તરે પણ લડાઈ શરૂ કરી છે. બીજી તરફ તેમણે પોતાને જરૂરી તેવા માલ-સામાન માટે કરાચી પોર્ટનો ઉપયોગ બંધ કર્યો છે.
કરાચીના વિકલ્પ તરીકે જેણે ઇરાનના બંદર અબ્બાસ કે ચાબહાર બંદરનો ઉપયોગ શરૂ કર્યો છે. ભારત પણ ચા બહાર પોર્ટ વિકસાવી રહ્યું છે. તે તેનો ઉપયોગ કરે છે. આ પરિસ્થિતિમાં તેમ કહી શકાય કે તાલિબાને પાકિસ્તાન સાથે યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે.