આ જંગનુ પહેલુ પગથિયુ હશે, અફઘાનિસ્તાને ડેમ બનાવવા ભારતની મદદ માંગતા જ પાકિસ્તાન ભડકયુ
image : Twitter
કાબુલ,તા.25 ડિસેમ્બર 2023,સોમવાર
અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો તેમજ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સબંધોમાં ભારે કડવાશ આવી ચુકી છે.
તેમાં પણ હવે અફઘાનિસ્તાને ચિત્રાલ નદી પર બંધ બનાવવા માટે ભારતની મદદ માંગીને પાકિસ્તાનના ઘા પર મીઠુ ભભરાવવા જેવી હરકરત કરી છે. તાલિબાન શાસકો આ બંધ બનાવીને 45 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવા માંગે છે અને સાથે સાથે તેના કારણે 34000 હેકટર જમીનમાં સિંચાઈની સુવિધા પણ આપવા માંગે છે.
બીજી તરફ પાકિસ્તાનની સરકાર તાલિબાનની હરકત પર ભડકી છે. બલૂચિસ્તાનના સૂચના તેમજ પ્રસારણ મંત્રી જાન અચકજઈએ વોર્નિંગ આપતા કહ્યુ છે કે, જો તાલિબાન દ્વારા પાકિસ્તાનને સામેલ કર્યા વગર બંધ બનાવવાનુ શરુ કરાશે તો પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે જંગનુ આ પહેલુ પગથિયુ હશે.
તાલિબાનના પ્રસ્તાવથી પાકિસ્તાન બહાવરુ એટલા માટે બની રહ્યુ છે કે, જો આ બંધ બને તો ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં 20 લાખ લોકોને પાણી માટે ફાંફા મારવા પડશે. કારણકે ચિત્રાલ નદી( કુનાર નદી)નુ પાણી કાબુલ નદીમાં મળે છે અ્ને તેનાથી આ વિસ્તારની જરુરિયાતો પૂરી થાય છે.
બીજી તરફ પાકિસ્તાનના એક નિષ્ણાતે કહ્યુ છે કે, પાકિસ્તાન કુનાર નદીનુ પાણી વાળવાની ક્ષમતા ધરાવે છે. કુનાર નદી કાબુલ નદીમાં 150 કરોડ ક્યૂબિક મીટર પાણીનો ઉમેરો કરતી હોય છે. કુનારના પ્રવાહને ખૈબર પ્રાંતમાં પંજકોરા નદી તરફ વાળી શકાય તેમ છે. જો આવુ થશે તો અફઘાનિસ્તાનના એક મોટા હિસ્સામાં દુકાળની સ્થિતિ પેદા થઈ શકે છે.
આ પહેલા 2013માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચિત્રાલ નદી પર 1200 મેગાવોટના હાઈડ્રો પાવર પ્રોજેકટ માટે કરાર થયો હતો પણ બાદમાં પાકિસ્તાને આ પ્રસ્તાવને કચરાપેટીમાં પધાવીને ખૈબરમાં સિંધુ નદી પર બીજો ડેમ બાંધવાના પ્રોજેકટને પ્રાધાન્ય આપ્યુ હતુ અને તે વખતે પણ અફનિસ્તાને પાકિસ્તાનના આ નિર્ણયે દગાબાજી કરવા સમાન ગણાવ્યો હતો.