વ્યભિચારની દોષી સાબિત થનાર મહિલાને પથ્થરો મારીને મોતને ઘાટ ઉતારાશેઃ તાલિબાનનુ ફરમાન

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
વ્યભિચારની દોષી સાબિત થનાર મહિલાને પથ્થરો મારીને મોતને ઘાટ ઉતારાશેઃ તાલિબાનનુ ફરમાન 1 - image

image : Socialmedia

કાબુલ,તા.27 માર્ચ 2024,બુધવાર

અફઘાનિસ્તાનમાં ફરી સત્તા પર આવેલા તાલિબાને મહિલાઓની જિંદગી નર્ક બની જાય તેવા નિર્ણયો લેવાનુ ચાલુ જ રાખ્યુ છે.

તાલિબાનના સુપ્રીમ લીડર મુલ્લા હિબાતલ્લાહ અખુંદજાદાએ મહિલાઓ માટે એક નવુ ફરમાન કર્યુ છે. જે પ્રમાણે જો કોઈ મહિલા પોતાના પતિ સીવાય બીજા કોઈ પુરુષ સાથે સબંધો રાખવાની દોષી જાહેર થઈ તો તેની પથ્થરો મારીને હત્યા કરી દેવામાં આવશે.

મુલ્લા હિબાતલ્લાહ અખુંદજાદાનો આ સંદર્ભમાં એક ઓડિયો મેસેજ પણ સામે આવ્યો છે અને તેમાં તેમણે પશ્ચિમના દેશોની લોકશાહી વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે. મેસેજમાં તે કહેતા સંભળાય છે કે, પશ્ચિમના દેશો ભલે કહે કે, મહિલાઓના અધિકારો ખૂંચવવામાં આવી રહ્યા છે પણ અમે બહુ જલદી વ્યભિચાર માટે મહિલાઓને પથ્થરો મારીને મારી નાંખવાની સજા લાગુ કરવા જઈ રહ્યા છે. દોષી મહિલાઓને જાહેરમાં કોરડા ફટકારાશે અને પથ્થરો મારવામાં આવશે. પશ્ચિમના દેશો મહિલાઓને જે અધિકાર આપવા માંગે છે તે શરિયા કાનૂન અને અમારા મૌલવીઓની સલાહની વિરુધ્ધ છે. પશ્ચિમના દેશો સામે અમે 20 વર્ષ સુધી લડાઈ લડયા છે અને જરુર પડી તો અમે બીજા 20 વર્ષો સુધી લડવા માટે તૈયાર છે. અમે કાબુલ પર કબ્જો કરીને ચૂપચાપ બેસી રહેવાના નથી. અફઘાનિસ્તાનમાં શરિયા કાનૂન પાછો લાવીને જ રહીશું.

મુલ્લા હિબાતલ્લાહ અખુંદજાદાનુ નિવેદન ચર્ચાનો વિષય બન્યુ છે. કારણે તાલિબાને જ્યારે સત્તા સંભાળી ત્યારે આશ્વાસન આપ્યુ હતુ કે, મહિલાઓને જે પણ હક મળ્યા છે તે ખૂંચવી લેવામાં નહીં આવે. જોકે તાલિબાનની કથની અને કરનીમાં સ્પષ્ટપણે જોવા મળ્યો છે. કારણકે હવે યુવતીઓના શિક્ષણ પર પ્રતિબંધ મુકાયા છે, નોકરીના સ્થળો પર મહિલાઓ માટે જાત જાતના નિયંત્રણો લાગુ કરાયા છે. અફઘાનિસ્તાનના કેટલાક હિસ્સાઓમાં મહિલાઓના બ્યૂટી પાર્લરમાં જવા પર પ્રતિબંધ મુકાયેલો છે.

તાજેતરમાં યુએન દ્વારા અફઘાનિસ્તાનમાં મહિલાઓની ભયાનક સ્થિતિ પર એક અહેવાલ જાહેર કરાયો હતો અને તેમાં દાવો કરાયો હતો કે, જેલોમાં પૂરવામાં આવેલી મહિલાઓ સાથે શારીરિક દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.


Google NewsGoogle News