Get The App

અફઘાની આતંકીઓએ પાક. પર કરેલો હુમલો પાકિસ્તાની પ્રદેશમાં ગોળીબારો કર્યા, ગોળાઓ ફેંક્યા

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
અફઘાની આતંકીઓએ પાક. પર કરેલો હુમલો પાકિસ્તાની પ્રદેશમાં ગોળીબારો કર્યા, ગોળાઓ ફેંક્યા 1 - image


- પાકિસ્તાનમાં સરહદી લોકોને ભય છે કે મોટું યુદ્ધ થઈ જશે

- અફઘાન તાલિબાનો તે દર્શાવી રહ્યા છે : તેઓ કોઈ સામે ઝુકે તેવા નથી : પછી તે રશિયા હોય કે અમેરિકા પણ હોય

નવી દિલ્હી : ગત સપ્તાહે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે થયેલી નાની એવી લડાઈ દરમિયાન પાકિસ્તાનના એક સુરક્ષા કર્મચારી અને ડઝનબંધ નાગરિકો માર્યા ગયા છે. તાલિબાનો હવે પાકિસ્તાનમાં પણ મજબૂત બની ગયા છે, અને જે તાલિબાનોને પાળી-પોષીને પાકિસ્તાને જ ઉછેર્યા હતા તે જ તાલિબાનો હવે 'તહરિક-એ-તાલિબાન-એ-પાકિસ્તાન' (ટી.ટી.પી.) નામનું જુથ રચી પાકિસ્તાન સામે પડયા છે. ઈસ્લામાબાદનું કહેવું છે કે, તેમને પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સીમા પર રહેલા પર્વતીય પ્રદેશમાં પનાહ મળી રહે છે. ૨૧ ડીસેમ્બરે ટીટીપીએ કરેલા ઓચિંતા હુમલામાં પાકિસ્તાનના આશરે ૧૬ સૈનિકો માર્યા ગયા.

અલ-જાજીરાના રીપોર્ટ પ્રમાણે પાકિસ્તાનનાં જ સૈન્યે કબૂલ્યું હતું કે મંગળવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિયા પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા હતા. તે વિસ્તાર પાકિસ્તાનના કબાઈવી જિલ્લા દક્ષિણી વઝીરીસ્તાનની સીમા પર આવેલો છે. પાકિસ્તાની વિમાનોએ જ્યાં અફઘાન તાલિબાનો છુપાયા હતા તેને નિશાન બનાવ્યા હતા. તેનો બદલો લેવા અફઘાન તાલિબાનોએ વળતા હુમલા કર્યા. જેમને અફઘાન સરકારનું પીઠબળ પણ હતું. પાકિસ્તાની હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ૪૬ લોકોનાં મૃત્યુ થયા ત્યારથી તેનું વેર લેવા અફઘાન તાલિબાનોએ શપથ લીધા હતા અને પાકિસ્તાનના કેટલાયે વિસ્તારમાં ડુરાંડ લાઇનની પાકિસ્તાન તરફે હુમલા શરૂ કરી દીધા હતા. તેમની સાથે તહેરિક-એ-તાલિબાન-એ-પાકિસ્તાન (ટીટીપી) પણ જોડાઈ ગયું છે.

અફઘાન તાલિબાનોએ બંને દેશોની સરહદ પાસે પાકિસ્તાન તરફે પાકિસ્તાની ચોકી ઉપર કબજો કરી લીધો હતો, તેમ ટીટીપીના કબજામાં આવી ગયેલા વિડીયો ઉપર સ્પષ્ટ દેખાતું હતું. તે વિડીયો ટીટીપીએ જ હવે પ્રસારિત કર્યો છે છતાં પાકિસ્તાની સેનાના અધિકારીએ ડંફાસ મારતા કહ્યું હતું કે, 'અમે તે ચોકી તો ઘણા સમય પૂર્વે ખાલી કરી નાખી હતી.'

બીજી તરફ અફઘાન તાલિબાનોએ કહ્યું હતું કે 'અમે કોઈ પણ સૈન્ય શક્તિ સામે ઝુકનારા નથી. અમેરિકા અને રશિયા જેવી મહાશક્તિઓને પણ વર્ષો સુધી લડત આપી આખરે તેમને અફઘાનિસ્તાન છોડવા મજબૂર કર્યા હતા. પાકિસ્તાન પાસે ન તો તેવી સૈન્ય શક્તિ છે, ન તો પૂરી સંપત્તિ છે તે અમારી સામે ટકી નહીં શકે.'

બીજી તરફ પાકિસ્તાને મીર-અલિ-બોર્ડર ઉપર પોતાનાં સૈન્યને એલર્ટ રહેવા કહી દીધું છે. આ સાથે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. તેઓને આમાંથી મોટું યુદ્ધ થવાની ભીતિ સતાવી રહી છે ઘણા તે વિસ્તાર છોડી રહ્યા છે.


Google NewsGoogle News