એક સાહસિકે એનેકોન્ડાના મુખમાં માથું મૂક્યું પરંતુ પછીથી મૂંઝારો થતાં મદદ માટે બૂમ પાડી બચી ગયો
- કોન્ઝર્વેશનના લિસ્ટ ઓથર અને ફિલ્મ મેકર પોલ રોઝોબીએ એમેઝોનનાં ગાઢ જંગલમાં વીતેલું વિતક કહ્યું
ન્યૂયોર્ક : પહેલી દ્રષ્ટિએ તો માન્યામાં ન આવે તેવી વાત છે, પરંતુ તે સત્ય હકીકત છે. લેખક પર્યાવરણવાદી, વન જીવન બચાવવાના આગ્રહી અને ફિલ્મ મેકર પોલ રોઝોલી જેટલા વિદ્વાન છે તેટલા જ સાહસિક છે, તેટલા જ ધૂની પણ છે.
તેઓએ એક દિવસ એક સામાન્ય સાહસ કરવા નિર્ણય લીધો. તેઓ વિશ્વનાં સૌથી ગાઢ અને ગીચ તેવા એમેઝોન ફોરેસ્ટમાં પહોંચી ગયા. બ્રાઝિલનું આ જંગલ અનેક રહસ્યોથી ભરેલું છે ત્યાં વિશ્વના સૌથી પ્રબળ અને સૌથી મોટા ૪૦ ફીટના એનેકોન્ડા અજગરો રહે છે. ઝાડ ઉપર લટકી રહેલા આ અજગરો નીચેથી પસાર થતાં પ્રાણીઓ ઉપર તૂટી પડી તેને ભરડો મારી નાખી ગળી જાય છે. તેવા એક એનેકોન્ડાનાં મુખમાં આ ધૂની સાહસિકે માથું નાખી દીધું હતું. અજગરે પછી તેના દેહ ઉપર પણ ભરડો લીધો. પાંસળીઓ ભીંસાવા લાગી શ્વાસ રૂંધાવા લાગ્યો. તેમણે સહાય માટે બૂમો પાડી, એમેઝોન જંગલના રહેવાસીઓ દોડી આવ્યા અને તેઓને બચાવી લીધા.
આ ઘટના તો ૨૦૧૪માં બની હતી તે વિષે તે લેખકે દશ વર્ષ પછી પોતાનાં પુસ્તકમાં લખ્યું છે.
એનેકોન્ડા અંગે નેશનલ જ્યોગ્રોફિક મેગેઝિન જણાવે છે કે ગ્રીન એનેકોન્ડા દુનિયાનું સૌથી મોટુ સરિસૃપ છે. લંબાઈ કે વજનમાં તેની બરાબરી કરી શકે તેવું કોઈ સરિસૃપ નથી. તેની લંબાઈ ઓછામાં ઓછી ૯ મીટર વધુમાં વધુ ૪૦ ફીટ જેટલી હોય છે, તેનું વજન ૨૨૭ થી ૨૫૦ કીલોગ્રામ જેટલું થવા જાય છે. એનેકોન્ડા દુનિયાનો સૌથી ભયંકર અજગર છે તેનો રંગ લીલો હોવાથી ઝાડપાન સાથે ભળી જાય છે તેવા એનેકોન્ડાનાં મુખમાં માથું નાખનાર ધૂની લેખકને ધન્યવાદ.