પાકિસ્તાનમાં 'અજાણ્યા બંદુકધારીઓ'નો ખૌફ, એક વર્ષમાં 22 આતંકીઓના મોત

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનમાં 'અજાણ્યા બંદુકધારીઓ'નો ખૌફ, એક વર્ષમાં 22 આતંકીઓના મોત 1 - image

નવી દિલ્હી,તા.7 ડિસેમ્બર 2023,ગુરૂવાર

ભારતના વોન્ટેડ લિસ્ટમાં સામેલ આતંકીઓની એક પછી એક થઈ રહેલી હત્યાના કારણે પાકિસ્તાનની સરકાર હચમચી ગઈ છે.

લેટેસ્ટ કેસમાં લશ્કર એ તોયબાના આતંકી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અહેમદની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેણે સાલ 2015માં અને 2016માં ઉધમપુર તેમજ કાશ્મીરના પંપોરમાં સુરક્ષાદળો પર હુમલામાં માસ્ટરમાઈન્ડની ભૂમિકા ભજવી હતી.

હંજલા અહેમદની હત્યા 2 ડિસેમ્બરની મધરાતે થઈ હતી પણ મીડિયામાં હવે રહી રહીને આ વાતનો ખુલાસો ગઈકાલે થયો છે. અગાઉની ઘટનાની જેમ ગોળી મારનારા કોણ હતા તેનો ખુલાસો હજી સુધી થયો નથી.

આ વર્ષે પાકિસ્તાનમાં 22 આતંકવાદીઓના રહસ્યમય રીતે મોત થઈ ગયા છે અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ તેમજ પોલીસ હવામાં બાચકા ભરી રહી છે. આ આતંકીઓમાં ઘણા ભારતમાં વિવિધ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા હતા અને ભારતના વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતા. મોટાભાગના આતંકીઓને અજાણ્યા બંદુકધારીઓએ ઠાર મારીને યમસદન મોકલી આપ્યા હતા.

મરનારાઓમાં કુખ્યાત આતંકી હાફિઝ સઈદો ભાઈ હામિ, અલ બદ્ર સંગઠનનો કમાન્ડર સૈયદ ખાલિદ, લશ્કર કમાન્ડર અકરમ ગાઝીનો પણ સમાવેશ થાય છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, અચાનક થઈ રહેલી હત્યાઓથી ખોફમાં આવી ગયેલા આતંકીઓ હવે પોતાના રહેવાના સ્થળો સતત બદલી રહ્યા છે અને તેમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ, મસૂદ અઝહર પણ છે.

હજી પણ બીજા કેટલાક આતંકીઓ ટાર્ગેટ પર હોવાનુ કહેવાઈ રહ્યુ છે. તેમાં પણ દાઉદ ઈબ્રાહિમ અને હાફિઝ સઈદ જેવા આતંકીઓ તો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના સેફ હાઉસમાં રહેવા માંડ્યા છે.

જ્યાં સુધી હંજલા અહેમદની હત્યાની વાત છે તો અહેમદે તાજેતરમાં જ પોતાનુ ઓપરેશન બેઝ રાવલપિંડીથી કરાંચી ટ્રાન્સફર કર્યુ હતુ અને તેની કરાંચીમાં હત્યા થઈ ગઈ હતી.


Google NewsGoogle News