Get The App

પાકિસ્તાનમાં પણ ઝાકિર નાઈકનો વિરોધ, ખ્રિસ્તી ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ પગલાંની માગ

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં પણ ઝાકિર નાઈકનો વિરોધ, ખ્રિસ્તી ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ પગલાંની માગ 1 - image


Zakir Naik News |  પાકિસ્તાનના ખ્રિસ્તી નેતાઓએ ખ્રિસ્તી ધર્મ વિરુદ્ધ અયોગ્ય ટીપ્પણી કરવા બદલ મુસ્લિમ કટ્ટરવાદી ઝાકિર નાઈક સામે પગલાં લેવા રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડાપ્રધાન શાહબાઝ શરીફ સમક્ષ માગ કરી છે. પાકિસ્તાનના એક મહિનાના પ્રવાસે આવેલા ઝાકિર નાઈકે કરાચી, ઈસ્લામાબાદ અને લાહોરમાં 'વિવાદાસ્પદ' ભાષણો કર્યા છે, જે અંગે તેની ટીકા થઈ રહી છે.

મુસ્લિમ કટ્ટરવાદી ઝાકિર નાઈક ત્રણ દાયકામાં પહેલી વખત પાકિસ્તાનના પ્રવાસે પહોંચ્યો છે. આ પહેલાં નાઈક ૧૯૯૨માં પાકિસ્તાન આવ્યો હતો. મનીલોન્ડરિંગ અને નફરતભર્યા ભાષણોથી કટ્ટરવાદ ફેલાવવાના આરોપના પગલે ઝાકિર નાઈકે ૨૦૧૬માં ભારતમાંથી ભાગવું પડયું હતું. ભારત સરકારે નાઈકને ભાગેડૂ જાહેર કર્યો છે. તેને કોઈ દેશે આશરો આપ્યો નહોતો.

અંતે મલેશિયામાં મહાથિર મોહમ્મદના નેતૃત્વની અગાઉની સરકારે તેને મલેશિયામાં સ્થાયી નિવાસની મંજૂરી આપી હતી. સાઈનોડ ચર્ચ ઓફ પાકિસ્તાનના મુખ્ય બિશપ ડૉ. આઝાદ માર્શલ અને અન્ય ખ્રિસ્તી નેતાઓએ શાહબાઝ શરીફ તથા ઝરદારીને પત્ર લખીને કહ્યું કે, રાજકીય અતિથિ તરીકે આવેલા નાઈકે ખ્રિસ્તીઓ અને તેમના ધર્મ અંગે કરેલી પ્રતિકૂળ ટીપ્પણીઓ નિંદનીય છે.

ખ્રિસ્તી નેતાઓએ નાઈક વિરુદ્ધ કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે અસરકારક પગલાં લેવાની પણ તેમને વિનંતી કરી હતી.


Google NewsGoogle News