અમેરિકામાં હત્યાનો આરોપી નિર્દોષ સાબિત થતા સવા કરોડ ડોલરનું વળતર
- ત્રીસ વર્ષનો કઠોર કારાવાસ ભોગવ્યા પછી
- રાજ્યના કેમિસ્ટે સુલિવાનના જેકેટ પર મૃતકના લોહીના ડાઘની આપેલી જુબાની ડીએનએ ચકાસણીમાં ખોટી ઠરી
- કારાવાસમાં સુલિવાનને તાલીમથી વંચિત રખાયો હોવાથી જેલ બહારનું જીવન પણ તેના માટે દુષ્કર સાબિત થયું
ફ્રેમિંગહેમ : જે અપરાધ પોતે કર્યો જ નહોતો તેના માટે જેલમાં લગભગ ત્રીસ વર્ષ વિતાવ્યા પછી માઈકલ સુલિવાન નામનો વ્યક્તિ આખરે ૨૦૨૪માં ત્યારે દોષમુક્ત જાહેર થયો જ્યારે મેસેશુસેટ્સની એક કોર્ટે તેને ૧૯૮૬માં વિલ્ફ્રેડ મેકગ્રોથની હત્યા માટે નિર્દોષ જાહેર કર્યો હતો. હવે ૬૪ વર્ષના થયેલા સુલિવાનને રાજ્યના કાયદામાં વધુમાં વધુ એક મિલિયન ડોલરની સીમા નક્કી થઈ હોવા છતાં વળતર તરીકે ૧૩ મિલિયન ડોલર ફાળવવામાં આવ્યા હતા. રાજ્યના પોલીસ કેમિસ્ટની ખોટી સાક્ષી આધારે સુલિવાનને દોષી ઠરાવવામાં આવ્યો હતો. તાજેતરમાં રાજ્યમાં આવા અનેક દોષીને પછીથી નિર્દોષ જાહેર કરવાના બનાવ બન્યા છે.
સુલિવાનની પરેશાની ૧૯૮૭માં વિવાદાસ્પદ પુરાવાના આધારે તે દોષી પૂરવાર થયો ત્યારથી શરૂ થઈ હતી. મેકગ્રોથની હત્યા થઈ તેની આગલી રાત્રે સુલિવાનની બહેન મેકગ્રોથ સાથે તેમના સહિયારા એપાર્ટમેન્ટમાં ગઈ હોવાની જાણ થતા પોલીસ વિભાગ સુલિવાનની પાછળ પડી ગઈ હતી. અન્ય આરોપી ગેરી ગ્રેસએ સુલિવાન પર દોષનો ટોપલો ઢોળીને પોતાના પરના હત્યાના આરોપોમાંથી મુક્તિ મેળવી હતી. ફરિયાદીના કેસમાં કેન્દ્ર સ્થાને હતું સુલિવાને પહેરેલું જાંબુડી રંગનું જેકેટ, જેના માટે રાજ્યના કેમિસ્ટે સાક્ષી આપી કે તેના પર મેકગ્રોથના લોહી અને વાળના અવશેષ હતા.
પણ ૨૦૧૧થી સુલિવાનનું ભાગ્ય પલટાયું અને તેના વકીલે ડીએનએ ચકાસણીની માગણી કરી, જે અગાઉની ટ્રાયલમાં ઉપલબ્ધ નહોતી. ચકાસણીમાં જાણ થઈ કે જેકેટ પર લોહીના નિશાન હતા જ નહિ જ્યારે વાળ પણ મેકગ્રોથના નહોતા. ૨૦૧૨માં નવેસરથી ટ્રાયલ શરૂ થઈ અને ૨૦૧૪માં સુલિવાનને છોડી મુકવામાં આવ્યો. પણ વર્ષો સુધી તેણે ઘરની બહાર નીકળતી વખતે ઈલેક્ટ્રોનિક બ્રેસલેટ પહેરવું પડયું હતું. ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે નવેસરથી કેસ ચલાવવાની મંજૂરી આપી, પણ ૨૦૧૯માં રાજ્યએ કેસ ચલાવવાનો ઈન્કાર કરી દીધો કારણ કે મોટાભાગના સાક્ષીઓના અવસાન થઈ ચુક્યા હતા.
સુલિવાન માટે જેલનું જીવન ત્રાસદાયક હતું જેમાં તેણે શારીરિક હુમલા અને એકલતા સહન કરવા પડયા હતા. આજીવન કારાવાસને કારણે તેને શૈક્ષિણક પ્રોગ્રામથી પણ વંચિત રાખવામાં આવ્યો હતો જેના પરિણામે તેણે જેલ છોડી ત્યારે આધુનિક જીવનશૈલી માટે તૈયાર નહોતો. દોષી ઠરવાથી તેના વર્ષો તો વેડફાયા ઉપરાંત તેના સંબંધો પણ તૂટી ગયા. તેની ગર્લફ્રેન્ડ એક દાયકા સુધી તેને મળવા આવતી પણ પછી તે પોતાના જીવનમાં આગળ વધી ગઈ. પોતે જેલમાં હતો તે દરમ્યાન જ સુલિવાનની માતા અને ભાઈનું મોત થઈ ગયું. હવે સ્વતંત્ર થયા પછી સુલિવાન માટે વિશ્વમાં મોટો ફેરફાર થયો છે અને તેને ટેકનોલોજી સાથે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હાલ તેને કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ નથી રહ્યો. પોતાની બહેનના ઘરે રહીને તેના કામ કરીને જીવન વિતાવી રહ્યો છે.
દોષમુક્ત થવા છતાં સુલિવાન પર કારાવાસની ઊંડી અસર રહી છે. પોતાને મળેલા વળતરની રકમનો ઉપયોગ તે બહેનના સંતાનો માટે કરવા માગે છે. તેના વકીલ સુલિવાન માટે થેરપીની માગણી કરી રહ્યા છે. સુલિવાન માટે તેનું નામ દોષમુક્ત થવામાં વિજય તો રહેલો છે, પણ ખોટી રીતે દોષી ઠરવાના જખમને રુઝ નહિ આવી શકે.