અમેરિકાથી આવ્યા ફરી દુ:ખદ સમાચાર, બે ભારતીય વિદ્યાર્થીનાં મોત, અકસ્માતમાં ગુમાવ્યો જીવ
Indian students Accident in America : અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો અટકવાનુ નામ નથી લઈ રહ્યો.
હવે માર્ગ અકસ્માતમાં વધુ બે ભારતીય વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી વિગતો પ્રમાણે એરિઝોના રાજ્યના કેસલ હોટ સ્પ્રિંગ્સ રોડ પર 20 એપ્રિલે સાંજના સમયે બે કારો વચ્ચે ટકકર થઈ હતી. પોલીસે કહ્યુ હતુ કે, 'અકસ્માતનુ કારણ તો જાણવા નથી મળ્યુ પણ તેમાં બે વ્યકિતઓના મોત થયા છે અને તેમની ઓળખ ભારતીય વિદ્યાર્થીઓ તરીકે થઈ રહી છે.'
પોલીસે માહિતી આપી હતી કે, 'મરનાર વિદ્યાર્થીઓ પૈકી એકનુ નામ નિવેશ મુકકા અને બીજાનુ નામ ગૌતમ પારસી છે. આ બંને વિદ્યાર્થીઓ તેલંગાણા રાજ્યના છે અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતા હતા. તે પોતાના મિત્રો સાથે યુનિવર્સિટીથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સ્ટેટ હાઈવે પર સામેથી આવતી કાર સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.'
આ બંને વિદ્યાર્થીઓના પરિવાર પર તેમના મોતની ખબર સાંભળ્યા બાદ આભ તુટી પડ્યુ છે. પરિવારોએ ભારત સરકારને વિદ્યાર્થીઓના મૃતદેહ ભારત પાછા લાવવા માટે અપીલ કરી છે.