Photos : દીવાલો પર રામાયણ, શિવ-પુરાણ અને કૃષ્ણ લીલાનું નકશીકામ, આવું છે અબૂ ધાબીનું મંદિર
મંદિર માટે 700 કરોડનો ખર્ચ થયો છે પશ્ચિમ એશિયાનું આ સૌથી મોટું મંદિર બનશે
27 એકરમાં ફેલાયેલા આ મંદિરમાં સાત તો શિખરો છે
BAPS hindu mandir inauguration in Abu Dhabi: આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અબુ ધાબી, સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરનું લોકાર્પણ કરશે. ભારતના ઘણા રાજ્યોએ મંદિર નિર્માણમાં યોગદાન આપેલું છે. મંદિરમાં ગંગા અને યમુનાના પવિત્ર જળ, રાજસ્થાનના ગુલાબી રેત પથ્થર અને લાકડાના ફર્નિચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા અદભુત મેનેજમેન્ટ ક્ષમતા સાથે આ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે.
પીએમ મોદી દ્વારા 2018 માં પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ મંદિર કુલ 27 એકર જમીનમાં બનેલું છે. વર્ષ 2015માં મંદિર નિર્માણ માટે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને ‘UAE આર્મ્ડ ફોર્સ’ના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નહ્યાને 13.5 એકર જમીન દાનમાં આપી હતી. તેમજ જાન્યુઆરી 2019માં ‘ યર ઓફ ટોલરન્સ’ દરમિયાન, યુએઈના શાસકો દ્વારા વધુ 13.5 એકર જમીન ફાળવવામાં આવી, આ રીતે 27 એકર જમીન મંદિર નિર્માણ માટે મળી. તેમજ જયારે ક્રાઉન પ્રિન્સ સમક્ષ મંદિરની ડીઝાઇન રજૂ કરવામાં આવી ત્યારે ઘણી ડીઝાઇનમાંથી શિખરબધ્ધ મંદિરનો ડીઝાઇન પસંદ કરવામાં આવી હતી.
નાગર શૈલીમાં બનેલુ આ મંદિર 108 ફૂટની ઉંચાઈ, 180 ફૂટની પહોળાઈ અને 262 ફૂટની લંબાઈ ધરાવે છે. UAE ના સાત દેશોનું પ્રતિનિધિત્વ કરતાં 7 શિખર, 2 મુખ્ય ડોમ, 'ડોમ ઓફ હાર્મની' અને 'ડોમ ઓફ પીસ', 12 સામરણ શિખર, 402 સ્તંભનો સમાવેશ થાય છે. આ મંદિર નિર્માણમાં 13.5 એકર જમીનમાં મંદિર પરિસર અને 13.5 એકરમાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં આશરે 1400 કાર અને 50 બસોનો સમાવેશ કરવાની ક્ષમતા છે. આ ઉપરાંત ટેક્સી સ્ટેન્ડ અને બે હેલીપેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
મંદિરના આગળના ભાગમાં રાજસ્થાનના ગુલાબી રેત પથ્થરો ઉપયોગ કરવામાં આવ્યો છે. જયારે અંદરના ભાગમાં ઇટાલિયન માર્બલની ઉત્કૃષ્ટ કોતરણી છે. મંદિરની આજુબાજુ 96 ઘંટ લગાવવામાં આવ્યા છે, જે પ્રમુખસ્વામીના 96 વર્ષના પરોપકારી જીવનને અંજલિ આપે છે. પરિક્રમા પથને ગરમીથી બચાવવા નેનો ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે 1997માં અબુધાબીમાં મંદિરનો સંકલ્પ કર્યો હતો, તે દ્રશ્યને પણ પત્થરોમાં કંડારવામાં આવ્યું છે.
મંદિર નિર્માણમાં કોઈ ferrous મટિરિયલ એટલે કે સ્ટીલ વગેરેનો ઉપયોગ નથી થયો. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ જેવા પંચ તત્વોની કોતરણી દ્વારા એક ડોમમાં માનવ સહ-અસ્તિત્વ અને સંવાદિતા દર્શાવતા સ્તંભ વર્તુળાકાર અને ષટ્કોણાકારમાં બનવવામાં આવ્યા છે. 1400 જેટલાં નાના સ્તંભ કોતરવામાં 12 કારીગરોને એક વર્ષ લાગ્યું હતું. તેમજ 'Pillar of pillars' નામનો એક એક વિશિષ્ટ સ્તંભ પણ છે.
મંદિરમાં 300 જેટલાં સેન્સર્સ મૂકવામાં આવ્યા છે, જે દબાણ, તાપમાન, ભૂકંપ સંબંધી લાઈવ ડેટા પૂરો પાડે છે. તેમજ આ સુવિધા ધરાવતું આ વિશ્વનું સર્વ પ્રથમ મંદિર છે. મંદિરમાં 3000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો સભાગૃહ, કોમ્યુનિટી સેન્ટર, પ્રદર્શની, ક્લાસરૂમ અને મજલિસ હશે. મંદિરનું મોડેલ બનાવવા માટે 10 દેશોના, 30 પ્રોફેશનલ્સના 5000 માનવ કલાકો લાગ્યા છે.
મંદિરને બેસ્ટ મિકેનિકલ પ્રોજેક્ટ ઓફ ધ યર 2019નો MEP Middle East Awards મળેલો છે. તેમજ બેસ્ટ ઇન્ટિરિયર ડિઝાઇન કોન્સેપ્ટ ઓફ ધ યર 2020નો એવોર્ડ પણ પ્રાપ્ત છે. મંદિરના સાત શિખરોમાં ભગવાન રામના શિખરમાં રામાયણ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજી, શિવ પરિવારના શિખરમાં શિવ પુરાણ અને 12 જ્યોતિર્લિંગ, ભગવાન કૃષ્ણના શિખરમાં મહાભારત, શ્રી અક્ષર-પુરુષોત્તમ મહારાજના શિખરમાં ભગવાન સ્વામિનારાયણના જીવન પ્રસંગ, ભગવાન જગન્નાથના શિખરમાં રથયાત્રા, તિરુપતિ બાલાજી અને ભગવાન અયપ્પાજીની મૂર્તિઓ કોતરવામાં આવી છે.
મંદિરમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ભારતથી આ પવિત્ર જળ મંગાવવામાં આવ્યું હતું. તેમજ મંદિરમાં ઉપર જ્યાં ગંગા નદી પસાર થાય છે, ત્યાં વારાણસીની ઝાંખી કરાવે તેવો ઘાટ બનાવવામાં આવ્યો છે, જ્યાં બેસીને દર્શનાર્થીઓ સંધ્યા સમયે મંદિરને નિહાળી શકશે, આરતીનો લાભ લઈ શકશે. ભારતીય સભ્યતામાંથી 15 મૂલ્ય વાર્તાઓ ઉપરાંત મય, એઝતેક, ઇજિપ્શિયન, અરબી, યુરોપિયન, ચીની, આફ્રિકન વગેરે થઈને કુલ 14 સભ્યતાઓમાંથી વાર્તાઓ કંડારવામાં આવી છે.