4000 કરોડના મહેલમાં રહે છે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, આગામી સપ્તાહે આવશે ભારત, જાણો નેટવર્થ
Abu Dhabi Crown Prince Visit India: અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ ખાલિદ બિન જાયદ અલ નાહયાન આગામી સપ્તાહે ભારતીની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. થોડા મહિના પહેલા તેમને વડાપ્રધાન મોદીએ ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે પીએમ મોદીના આમંત્રણનો સ્વીકાર કર્યો છે અને હવે તેઓ આગામી 9-10 સપ્ટેમ્બરે ભારતના પ્રવાસે આવશે. દેશમાં શેખ ખાલિદના આગમનની તમામ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભારત પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશના શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન ભારત અને UAE વચ્ચે વેપાર અને વ્યૂહાત્મક સબંધોને મજબૂત કરવાની દિશામાં વાતચીત થશે.
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે UAEના પ્રમુખની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. તેમની સાથે UAE સરકારના અનેક મંત્રીઓ અને એક બિઝનેસ ડેલિગેશન પણ ભારત આવી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 9 સપ્ટેમ્બરના રોજ અબુ ધાબીના પ્રમુખ ક્રાઉન પ્રિન્સ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય સહયોગના વ્યાપક ક્ષેત્રો પર ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કર્યા બાદ તેઓ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે.
મહાત્મા ગાંધીને આપશે શ્રદ્ધાંજલિ
UAEના ક્રાઉન પ્રિસ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે મુલાકાત કરશે. તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પણ જશે. 10 સપ્ટેમ્બરના રોજ તેઓ એક બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે મુંબઈ જશે. જેમાં બંને દેશોના બિઝનેસ લીડર ભાગ લેશે.
નાણાકીય વર્ષ 2023માં દ્વિ-માર્ગીય વેપારમાં વૃદ્ધિ
વર્ષ 2022માં બંને દેશો વચ્ચે એક વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે લાગુ થયા બાદ નાણાકીય વર્ષ 2023માં દ્વિ-માર્ગીય વેપારમાં વૃદ્ધિ નોંધવામાં આવી હતી. બંને દેશો વચ્ચેના દ્વિમાર્ગીય વેપારમાં લગભગ 85 અબજ ડોલરનો વધારો થયો.
UAE ભારતનું બીજું સૌથી મોટું એક્સપોર્ટ ડેસ્ટિનેશન
અમેરિકા અને ચીન બાદ ભારતના વેપાર સેક્ટરમાં સૌથી મોટી ભાગીદારી UAE નિભાવે છે. આ સાથે જ UAE ભારતનું બીજું સૌથી મોટું એક્સપોર્ટ ડેસ્ટિનેશન પણ છે. UAE ભારતમાં સાતમું સૌથી મોટું રોકાણકાર છે. એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2023 સુધી UAEએ 16.67 બિલિયન ડોલરનું ફોરેન ડાયરેક્ટ ઈનવેસ્ટમેન્ટ કર્યું છે. અલ નાહયાનની સંપત્તિની વાત કરીએ તો વર્ષ 2023માં તેઓ વિશ્વના સૌથી ધનિક પરિવાર તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે જેફ બેઝોસ અને વોરન બફેટને પણ પાછળ છોડી દીધા છે. 305 બિલિયન ડોલરની સંપત્તિ સાથે અલ નાહયાને વોલમાર્ટના વાલ્ટનને પણ પાછળ છોડી દીધા છે. તેઓ 4000 કરોડના મહેલમાં રહે છે.