જાણો, પૃથ્વી પર મીઠા પાણીનો 20 ટકા જથ્થો ધરાવતા રશિયાના આ સરોવર વિશે, 20 હજાર ચો, કિમી લાંબુ અને 5315 ફૂટ ઉંડુ પણ છે
યુનેસ્કોએ ૧૯૯૬માં આ સ્થળને વિશ્વ ધરોહર જાહેર કર્યુ હતું.
આ સરોવરમાં પર્યટકો, સંશોધકો અને વિજ્ઞાનીઓ આવે છે
મોસ્કો,22 માર્ચ,2022,મંગળવાર
સાઇબેરિયાના દક્ષિણ વિસ્તારમાં આવેલા બૈકલ સરોવરમાં વિશ્વના કુલ મીઠા પાણીના ૨૦ ટકા સંગ્રહ થયેલો છે. આ સરોવરનું કુલ ક્ષેત્રફળ 20 હજાર ચો. કિમી અને ઉંડાઇ ૫૩૧૫ ફૂટ જેટલી છે. આ પર્યટન સ્થળ મંત્રમુગ્ધ કરી દેતા અદ્ભૂત કુદરતી સૌદર્યથી ભરેલું છે. ૮૪૮ જેટલી વનસ્પતિ અને જીવોની અનેક પ્રજાતિઓ છે જે વિશ્વમાં માત્ર બૈકલ સરોવરમાં જ શકિત બૈકાલ સીલ માછલી અને ઓમુલ માછલી પણ જોવા મળે છે.
યુનેસ્કોએ ૧૯૯૬માં બૈકલ સરોવરને વિશ્વની ધરોહર જાહેર કર્યુ હતું. જયારે ૨૦૦૮માં બેકાલને કુદરતીની અજાયબીઓમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. રશિયાના આ બૈકલ સરોવરમાં પર્યટકો ઉપરાંત સંશોધક વૈજ્ઞાનિકો પણ આવે છે.
ઓગસ્ટમાં આ સરોવર આસપાસનું હવામાન ખૂબજ સાનુકૂળ હોવાથી પ્રવાસીઓ તંબૂ તાણીને આરામ પણ કરી શકે છે. શિયાળામાં થિજી ગયેલા સરોવરની સપાટી પર લોકો ડોગ સ્લેગનો આનંદ માણે છે. કેટલાક સાહસિકો થિજેલા બરફમાં છેદ પાડીને માછલી પણ પકડે છે.
આ ઉપરાંત રશિયન શૈલીમાં તૈયાર કરવામાં આવતા પરંપરાગત હમામઘરમાં લોકો વરાળ સ્નાન લે છે. આ સરોવરનો નજારો ટ્રાન્સ સાયબેરિયાથી રેલવે મુસાફરી દ્વારા ઇર્કુત્સ્કનગર પહોંચીને માણી શકાય છે. બૈકલ સરોવરના ૨૭ જેટલા દ્વીપો છે જેમાંથી અલ્ખોન સૌથી મોટો છે.
આ અલ્ખૌન દ્વીપ પર ૧૫૦૦ લોકો દુનિયાની સમસ્યાઓથી પર થઇને કુદરતી વાતાવરણમાં જીવે છે. આમ પણ સાઇબેરિયાના લોકો દિવસ રાત પ્રકૃતિના સાનિધ્યમાં રહેતા હોવાથી તેવો બાકીના રશિયનો કરતા જુદા પડે છે. નવાઇની વાત તો એ છે કે સરકારે અહીંયા પણ વીજળી પહોંચતી કરી છે. અલખૌનમાં બુર્યાત જાતિના સ્થાનિક લોકો શમાનકા નામના પથ્થરની પૂજા કરે છે. અહીં આવતા પ્રવાસીઓ પણ સ્થાનિકોની શ્રધ્ધાનું સર્મથન કરે છે.