''હેરિસ-ટ્રમ્પ'' વાક્-યુદ્ધ વિષે અમેરિકાનાં મીડિયા કહે છે : તે 'યુદ્ધ'માં કમલા સ્પષ્ટત: વિજયી બન્યા છે

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
''હેરિસ-ટ્રમ્પ'' વાક્-યુદ્ધ વિષે અમેરિકાનાં મીડિયા કહે છે : તે 'યુદ્ધ'માં કમલા સ્પષ્ટત: વિજયી બન્યા છે 1 - image


- કમલા શાંત, સ્વસ્થ દેખાતાં હતાં સીધો અને સ્પષ્ટ સંદેશો આપી શક્યાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયેલા અને સતત રક્ષણાત્મક દેખાતા હતા

વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખપદ માટેના બે પ્રતિસ્પર્ધીઓ કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાયેલી વાક્-સ્પર્ધામાં જે છેવટે વાક્-યુદ્ધમાં પરિણમી તે અંગે અમેરિકાનાં મીડિયાએ એકંદરે જણાવ્યું હતું કે સમગ્ર સ્પર્ધા સમયે કમલા, શાંત સ્વસ્થ દેખાતાં હતાં, સીધો અને સ્પષ્ટ સંદેશો આપી શક્યાં હતાં, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયેલા અને સતત રક્ષણાત્મક દેખાતા હતા.

એબીસી ન્યૂઝ દ્વારા યોજાયેલી આ વાક્-સ્પર્ધા ૯૦ મિનિટ જેટલી ચાલી હતી.

ટ્રમ્પની આ કૈં પહેલી સ્પર્ધા ન હતી. આ પૂર્વે જો બાયડેન સાથે પણ સ્પર્ધા થઈ હતી. તેમાં બાયડેને કરેલા દેખાવની ટીકા થઈ હતી અને મોટા-ભાગના મીડિયાએ ટ્રમ્પને તેમાં વિજયી કહ્યા હતા.

આ વખતે ગતિવિધિ તદ્દન બદલાઈ ગઈ હતી. કમલા સમગ્ર સ્પર્ધા દરમિયાન શાંત-સ્વસ્થ અને સીધો અને સ્પષ્ટ સંદેશો આપતાં દેખાતાં હતાં, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયેલા અને સતત રક્ષણાત્મક રહ્યા હતા.

અમેરિકાનાં મીડિયાએ તે અંગે જે તારણો આપ્યાં છે તે આ પ્રમાણે છે :

(૧) પોલિટિકો : તેણે તો કમલાને સ્પષ્ટત: વિજેતા જાહેર કર્યાં છે. ઉપપ્રમુખે ટ્રમ્પને ''ગલ''માં આબાદ ફસાવ્યા હતા, અને તેઓને હચમચાવી દીધા હતા, પછાડી દીધા હતા.

(૨) સી.એન.એન. : સેન્ટ્રલ ન્યૂઝ નેટવર્કે પણ આ પ્રકારનું જ મંતવ્ય આપ્યું હતું. જણાવ્યું હતું કે કમલા વાક્-સ્પર્ધામાં વિજયી તો થયાં જ છે, પરંતુ તે વિજય પણ નાનો સૂનો નહીં, બહુ મોટા ફાંસલા સાથેનો છે. ૧ કલાક અને ૪૫ મિનિટ સુધી ચાલેલી આ સ્પર્ધામાં લગભગ દરેકે દરેક મુદ્દાએ ટ્રમ્પ પરાજિત દેખાતા હતા.

(૩) વૉશિંગ્ટન પોસ્ટ : તે સ્પર્ધામાં ટ્રમ્પ ઘણીવાર નક્કર વાસ્તવિકતા ચૂકી જતા હતા અને વસાહતીઓ તથા ૨૦૨૦ની ચૂંટણી અંગેની જૂની-જૂની વાતો જ કરતા રહ્યા હતા.

(૪) ન્યૂયોર્ક ટાઇમ્સ : હેરિસ ટૂંકા, ઝડપી અને સ્પષ્ટ જવાબો આપતાં હતાં, જ્યારે ટ્રમ્પ ગુસ્સે થયેલા અને રક્ષણાત્મક દેખાતા હતા.

(૫) ફોક્સ ન્યૂઝ : આ સમાચાર સંસ્થાએ જરા મિશ્રિત પ્રતિભાવો આપ્યા હતા. તેણે જણાવ્યું હેરિસને એબીસી ન્યૂઝના બે મોડરેટર્સ દ્વારા સહાય કરવામાં આવી હતી, કે કેમ ? તે વિષે તલસ્પર્શી તપાસ કરવાની જરૂર છે. પરંતુ તેટલું કહી શકાય કે, કમલા વિજયી દેખાતા હતાં. જ્યારે ટ્રમ્પ સ્પર્ધા આગળ ચાલી તેમ તેમ વધુ હતાશ અને (માનસિક રીતે) વધુ વિભાજીત દેખાતા હતા.

(૬) એમ.એસ.એન.બી.સી. : આપણે પણ કમલાને વિજયી ગણાવ્યાં હતાં તેણે જણાવ્યું ''ઉપપ્રમુખ સમગ્ર સ્પર્ધા દરમિયાન સ્વસ્થ, ઉત્તીર્ણ અને પ્રમુખપદ માટે નિશ્ચાયાત્મક રીતે યોગ્ય જણાતાં હતાં.''

(૭) વૉલ-સ્ટ્રીટ જર્નલ: ઉપપ્રમુખ હેરિસે, પૂર્વ પ્રમુખ ટ્રમ્પને સતત રક્ષણાત્મક સ્થિતિમાં મુકી દીધાં હતાં. તેઓએ શ્રોતાગણની સંખ્યા અંગે પણ ટ્રમ્પને ઉશ્કેરી દીધા, તેમજ (ન્યાયતંત્ર સમક્ષ પણ) ખોટા બોલા કરી, તેમને ગુસ્સે કરી નાખ્યા. વાત સીધી છે, હેરિસ ટોપ-ટિકેટ (પ્રમુખપદ) માટેની સ્પર્ધામાં આગળ રહ્યાં છે.


Google NewsGoogle News