જાપાનમાં દર વર્ષે ૧૦૦૦ જેટલા ભુકંપ આવે છે, રિંગ ઓફ ફાયર ઉપર વસ્યો છે દેશ
રિંગ ઓફ ફાયર ભુકંપ માટે જવાબદાર ટેકટોનિક પ્લેટસનું જંકશન છે
જાપાને મકાનોનું બાંધકામ અને ડિઝાઇન પણ ભૂકંપ પ્રુફ વિકસાવી છે.
ટોક્યો,૧ જાન્યુઆરી,૨૦૨૪,સોમવાર
નવા વર્ષના પ્રથમ દિવસે જાપાનમાં ૭.૬ મેગ્નિટયૂડની તિવ્રતા ધરાવતો વિનાશક ભૂકંપ આવ્યો છે. જાપાનનું અર્થકવેક મેનેજમેન્ટ પાવરફૂલ હોવાથી જાનહાની ઓછી થાય છે. જાપાનમાં અવાર નવાર ભૂકંપની આફત આવતી હોવાથી ભૂકંપની ધરતી કહેવામાં આવે છે. મોટા ભાગના વિસ્તારમાં ભુકંપની શકયતા રહેતી હોવાથી મકાનોનું બાંધકામ અને ડિઝાઇન પણ ભૂકંપ પ્રુફ વિકસાવી છે. એક માહિતી મુજબ દુનિયામાં આવતા કુલ ભુકંપના ૯૦ ટકા જાપાન ટાપુઓ અને આસપાસના દરિયાઇ વિસ્તારમાં આવે છે.
ભુકંપની દ્વષ્ટીએ જાપાનનો સમાવેશ રિંગ ઓફ ફાયરમાં થાય છે જેને પેસિફિક બેલ્ટ પણ કહેવામાં આવે છે. પ્રશાંત મહાસાગરના વિસ્તારને પ્રશાંત રિમ કે પેસિફિક બેલ્ટ પણ કહેવામાં આવે છે.આ ક્ષેત્ર જુઆન ડે, કોકોસા,ઉત્તરી અમેરિકા અને ફિલિપાઇન્સ સહિતના ૪૦ હજાર કિમી વિસ્તારમાં ફેલાયેલો છે. આથી જાપાન જ નહી રશિયા,ઇન્ડોનેશિયા,ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા અને પેરુ,ઇકવાડોર અને બોલિવીયામાં પણ ભૂકંપ આવવાની શકયતા રહે છે.
૧૯૦૬માં એલેકઝાન્ડર પી લિવિંગસ્ટનના પુસ્તકમાં રિંગ ઓફ ફાયરના સંદર્ભમાં ઉલ્લેખ મળે છે. ૧૯૬૦ના દસકામાં ટેકટોનિક સિધ્ધાંત મુજબ રિંગ ઓફ ફાયર અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. રિંગ ઓફ ફાયરની વાત કરીએ તો આ એક બે ટેકટોનિક પ્લેટો વચ્ચેનું જંકશન છે. આ પ્લેટો ટકરાવાથી જ ભૂકંપ આવે છે અને જવાળામુખી ઉત્પન્ન થાય છે. ટેકટોનિક પ્લેટને લિથોસ્ફેરિક પ્લેટ પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારનો ચટ્ટાનનો સ્લેબ હોય છે જે મહાદ્વિપીય લિથોસ્ફીયરથી બનેલું હોય છે.
આ ક્રસ્ટ અને ઉપરના મેટલમાંથી તૈયાર થાય છે. જેની પહોળાઇ ૫ થી માંડીને ૨૦૦ મીટર સુધીની હોય છે.પૃથ્વીના પેટાળમાં કોઇ હિલચાલ થાય અને ઉર્જા નિકળે ત્યારે ટેકટોનિક પ્લેટ પણ સરકવા લાગે છે. ટેકટોનિક પ્લેટોમાં હિલચાલ થવાથી જે ઉર્જા પેદા થાય છે તે બહાર નિકળતી નથી ત્યાં સુધી ભૂકંપ ચાલુ રહે છે. જો ભૂકંપનું કેન્દ્રબિંદુ સમુદ્રમાં હોયતો વિનાશક સુનામી આવે છે. ખાસ વાત એ છે કે ટેકટોનિક પ્લેટ દર વર્ષે કેટલાક સેકન્ડ માટે આગળ વધતી રહે છે.
જયારે ભૂકંપ આવે ત્યારે પ્લેટ અનેક મીટર સુધી આઘી પાછી થાય છે. રિંગ ઓફ ફાયર ટેકટલ્નિક પ્લેટોનું જંકશન છે જેની ઉપર જાપાન વસેલું છે. આ ઉપરાંત આ વિસ્તારના ૭૫ ટકા જેટલા જવાળામુખીઓ સક્રિય છે. અચાનક થતો જવાળામુખી વિસ્ફોટ સુનામીનું કારણ બને છે. વિશ્વમાં વર્ષે કુલ ૨૦ હજાર જેટલા ભૂકંપ આવે છે જેમાંથી ૧૦૦ ભુકંપ વિનાશ લાવે તેવા હોય છે. નાના મોટા ભુકંપોની પણ નોંધ લેવામાં આવે તો જાપાનમાં દર વર્ષે ૧૦૦૦ જેટલા ભુકંપ આવે છે.