પાકિસ્તાની સાંસદ, ટીવી હોસ્ટ આમિર લિયાકત હુસૈનનું ૫૦ વર્ષની વયે અવસાન
મૃત્યુની આગલી રાતે સોશિયલ મીડિયા સ્ટાર આમિરે રડતા રડતા કહ્યું હતું, 'હું મરી જઈશ; હું મરી જઈશ'ઃ સવારે અચાનક તબિયત બગડી ગઈ હતી
દરેક વીડિયો મીમ્સમાં આમિરની ક્લિપ જોવા મળતી
પાકિસ્તાની સાંસદ, પોપ્યુલર ટીવી હોસ્ટ અને સોશિયલ મીડિયા સ્ટાર આમિર લિયાકત હુસૈનનું ૫૦ વર્ષની વયે નિધન થયું હતું. અચાનક તબિયત ખરાબ થઈ જતાં હોસ્પિટલમાં ખસેડયા બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના કારણની તપાસ હાથ ધરાઈ છે. પાકિસ્તાનમાં બેહદ પોપ્યુલર આ ટીવી હોસ્ટની પર્સનલ લાઈફ પણ ઘણી ચર્ચાસ્પદ રહી હતી.
ભારત અને પાકિસ્તાનમાં બનતા એવરેજ વીડિયો મીમ્સમાં આમિર લિયાકત હુસૈનની ક્લિપ જોવા મળતી. ટીવી શો દરમિયાન વિશેષ પ્રકારની હરકતથી પ્રશંસા કરવા માટે જાણીતા થયેલા આમિર લિયાકત હુસૈનનું ૫૦ વર્ષની વયે મૃત્યુ થયું હતું. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા સ્ટાર અને ટીવી હોસ્ટ તરીકે બેહદ લોકપ્રિય આમિર લિયાકત હુસૈને મૃત્યુની આગલી રાતે રડતા રડતા કહ્યું હતુંઃ હું મરી જઈશ. હું મરી જઈશ. સવારે અચાનક તબિયત બગડી જતાં હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. નોકરે આપેલા નિવેદન પ્રમાણે સવારે આમિરને સોફામાં ઢળી પડેલા જોયા પછી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
તેના જાહેરજીવનની જેમ પર્સનલ લાઈફ પણ પાકિસ્તાનમાં ઘણી ચર્ચાસ્પદ હતી. થોડા મહિનાઓ પહેલાં જ આમિરે તેનાથી અડધી વયની યુવતી દાનિયા મલિક સાથે ત્રીજી વખત લગ્ન કર્યા હતા. પાકિસ્તાનમાં થોડા વખત પહેલાં એક ન્યૂડ વીડિયો પણ વાયરલ થયો હતો, એ આમિર લિયાકત હુસૈનનો હોવાનો દાવો થયો હતો. દાનિયા સાથે મતભેદો થયા હતા અને લગ્નના એક જ વર્ષમાં છૂટાછેટાની પ્રક્રિયા પણ શરૃ થઈ હતી.
૨૦૧૮માં આમિરે ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈ જોડાઈને ચૂંટણી લડી હતી. પીટીઆઈના સાંસદ બનેલા આમિરે અગાઉ પરવેઝ મુશર્રફના પ્રમુખપદ હેઠળ ધાર્મિક મંત્રાલયના મંત્રીનું પદ પણ થોડોક વખત સંભાળ્યું હતું. બોલ્ડ નિવેદનો માટે પણ આમિર લિયાકત પાકિસ્તાનમાં જાણીતા હતા અને ટ્રોલ પણ થતા હતા. દુનિયાના ૫૦૦ પ્રભાવશાળી મુસ્લિમ નાગરિકોના લિસ્ટમાં ત્રણ વખત આમિરને જગ્યા મળી હતી.