ભેડિયા જેવા દેખાવા માટે યુવકે ખર્ચી નાખ્યા ૧૮ લાખ રુપિયા, કારણ જાણીને ચોંકી ઉઠશો
પોષાક તૈયાર કરવા માટે ૫૦ દિવસ જેટલો સમય લાગ્યો હતો
યુવકને સ્ટુડિયોમાં બોલાવીને વારંવાર માપ લેવા પડયા હતા.
ટોકિયો,૨ જાન્યુઆરી,૨૦૨૩,સોમવાર
માણસ જંગલી અવસ્થામાંથી સુસંસ્કૃત બન્યો છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે જાપાનના એક યુવકે વરુ (ભેડિયા) જેવા દેખાવા માટે ૧૮ લાખ રુપિયાનો ખર્ચ કર્યો હોવાનું બહાર આવ્યું છે. યુવકનું બાળપણથી જ એવું સપનું હતું કે તેને કોઇ જાનવર જેવા દેખાવું છે. છેવટે પોતાનો શોખ પુરો કરીને જ રહયો અને તે હવે વરુ જેવો દેખાય છે.
બાળપણથી જ જાનવરો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. ટીવી પર જંગલી જાનવર જોઇને તેમના જેવા બનવાની ઇચ્છા થતી હતી. માણસ જેવા દેખાવા કરતા પ્રાણી જેવા દેખાવું વધારે ગમતું હતું. યુવક માટે ભેડિયાનો પોષાક તૈયાર કરનારી કંપનીએ લોકોને જણાવ્યું હતું કે ખૂબજ બારિકાઇથી નાની નાની વાતનું ધ્યાન રાખીને પોશાક તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલા બીજા એક યુવક માટે કુતરાનો પોષાક ડિઝાઇન કર્યો હતો. ભેડિયા જેવા દેખાવા માટે જાપાની યુવકે કંપનીનો સંપર્ક કર્યો હતો.
પોતાના શોખ વિશે જણાવીને લાંબી ચર્ચાના અંતે કંપનીએ ઓર્ડર મંજૂર કર્યો હતો. કંપની ખાસ કિસ્સામાં આ પ્રકારના પોષાક ડિઝાઇન કરી આપે છે. પોષાક તૈયાર કરવા માટે ૫૦ દિવસ જેટલો સમય લાગ્યો હતો. તેના માટે ૧૮.૫ લાખ રુપિયા ચુકવવા પડયા હતા. ગ્રાહકની ડિમાંડને ધ્યાનમાં રાખીને ખૂબ મહેનત કરીને પોશાક તૈયાર કર્યો હોવાથી આટલો ખર્ચ થયો હતો. યુવકને અનેક વાર સ્ટુડિયોમાં બોલાવીને વારંવાર માપ લેવા પડયા હતા. એટલું જ નહી ફિટિંગનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.