Get The App

નેચરર્સ માસ્ટર પીસ તરીકે ઓળખાતું ચીનનું અનોખું નિર્જન ગામ, પ્રવાસીઓ આવે છે જોવા

ઘરોને લીલી ચાદર ઓઢાડવામાં આવી હોય તેવું ખૂબસૂરત જણાય છે.

માણસે ત્યજી દિધેલા ગામને જાણે કે કુદરતે ખોળે લઇ લીધું છે

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
નેચરર્સ માસ્ટર પીસ તરીકે ઓળખાતું ચીનનું અનોખું નિર્જન ગામ, પ્રવાસીઓ આવે છે જોવા 1 - image


બેઇજિંગ, 30 ઓગસ્ટ,2024,શુક્રવાર 

ચીનના પૂર્વી સેજિયાંગ પ્રાંતમાં શેગશાન ટાપુ પાસે હૌટુવાન નામનું ગામ આવેલું છે. બે દાયકા પહેલાં આ ગામના તમામ લોકો સ્થળાંતર કરીને અન્ય સ્થળે રહેવા ચાલ્યા ગયા છે. આ નાનકડું ગામ એક સમયે ૨૦૦૦થી વધુ માછીમારો અને ૫૦૦થી વધુ પરિવારોથી ધમધમતું હતું. ૯૦ના દાયકા આસપાસ રહેવાસીઓએ બાળકોના શિક્ષણ અને સારા જીવનની શોધમાં ગામ છોડી દીધું હતું. ૧૯૯૪માં મોટા ભાગના રહેવાસીઓ અન્ય સ્થળે સ્થળાંતરિત થયા હતા. ૨૦૦૨માં ગામની છેલ્લી એક વ્યકિત બાજુના ગામમાં ભળી જતાં ગામ સાવ માનવવિહોણું બન્યું હતું. 

આમ જોવા જઈએ તો માનવસ્તી વગરનું ગામ વેરાન- ઉજ્જડ લાગવું જોઈએ, પરંતુ સમય જતાં સમુદ્ર અને ખડકોથી બનેલી મોટી સૂમસામ ઇમારતો પર લીલી વનસ્પતિ ઊગી નીકળી હતી. વનસ્પતિ આડેધડ નહીં પરંતુ કોઈએ ગાર્ડનિંગ કર્યુ હોય એ રીતે ઘરોની દીવાલ, છાપરા સહિત ઇમારતોને કલાત્મક રીતે વિટંળાઈ છે. આથી જ તો આ ગામને નેચરર્સ માસ્ટર પીસ તરીકે ઓળખવામાં આવે છે. માણસો દ્વારા ત્યજી દેવામાં આવેલા ગામને જાણે કે કુદરતે પોતાના ખોળે લઈ લીધું છે. 

નેચરર્સ માસ્ટર પીસ તરીકે ઓળખાતું ચીનનું અનોખું નિર્જન ગામ, પ્રવાસીઓ આવે છે જોવા 2 - image

આમ તો ઘણા ગામોમાંથી મોટા પાયે સ્થળાંતર થતું હોય છે એમાં કોઈ નવાઈ હોતી નથી. આવું જ હૌટુવાનથી થયેલા સ્થળાંતર અંગે માનવામાં આવતું હતું. પરંતુ ૨૦૧૫માં પ્રથમવાર એક ફોટોગ્રાફરે વિરાન, માનવવિહોણા ગામની સુંદર તસ્વીરો પાડી ત્યારે દુનિયા દંગ રહી ગઈ હતી. કોઈ પરીકથાની જેમ મંત્રમુગ્ધ કરી દેતા હૌટુવાનના ફોટા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહ્યા હતા. સ્થાનિક લોકોનો તો થોડાક સમયમાં જ ધસારો રહેવા લાગ્યો હતો. કુદરતી રીતે જ ઊગી નીકળેલી વનસ્પતિ અને ઘાસના કારણે ઘરોને લીલી ચાદર ઓઢાડવામાં આવી હોય તેવું ખૂબસૂરત જણાય છે. 

લોકો હવે આ ગામ જોવા દૂર દૂરથી આવવા લાગ્યા છે 

નેચરર્સ માસ્ટર પીસ તરીકે ઓળખાતું ચીનનું અનોખું નિર્જન ગામ, પ્રવાસીઓ આવે છે જોવા 3 - image

ચીનના સ્થાનિક તંત્રએ અવસર પારખીને આ ગામનો એટલો પ્રચાર કરવા માંડ્યો કે નેચર વિલેજ તરીકે દુનિયામાં ફેમસ બન્યું છે. આ ગામનો નજારો જોઈ શકાય તે માટે પ્લેટફૉર્મ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રતિ વ્યકિત ૩ ડૉલરની ફી લેવામાં આવે છે. જો પહાડો અને પથ્થરથી ઘેરાયેલા ગામને સાવ નજીકથી જોવું હોય તો ૮ ડૉલર રુપિયા વસૂલવામાં આવે છે.

ખાલી પડેલા ઘરના માળખાને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થયા તે માટે ચેતવણી આપતાં બોર્ડ લટકાવવામાં આવ્યા છે. લોકોને વેરાન બની ગયેલા ગામના ઘરની અંદર ડોકિયું કરવામાં રોમાંચનો અનુભવ થાય છે. રહેવાસીઓની વિવિધ વસ્તુઓ યથા સ્થિતિમાં જોઈ શકાય છે. વશાંઘાઇથી ૪૦ માઇલ દૂર આવેલા હૌટુવાનને કુદરતના ગામ તરીકે પ્રોજેકટ કરવામાં આવ્યું તેના પ્રથમ વર્ષમાં જ ૧ લાખ ડોલરની આવક થઈ હતી.



Google NewsGoogle News