૧૯૭૧ના યુધ્ધમાં શહિદ થયેલા ભારતીય સૈનિકોનું બાંગ્લાદેશમાં અનોખું સ્મારક
બાંગ્લાદેશ મુકિત સંગ્રામમાં ૧૬૦૦થી વધુ ભારતીય સૈનિકો શહિદ થયા હતા
આ સ્મારકની ડિઝાઇન ભારત અને બાંગ્લા દેશ વચ્ચેની મૈત્રીનું પ્રતિક છે.
નવી દિલ્હી,૩૦ ઓકટોબર,૨૦૨૩,સોમવાર
૧૯૭૧બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહૂતી આપનારા ભારતીય સૈનિકોનું બાંગ્લાદેશમાં સ્મારક બનશે. ૧૯૭૧નું પાકિસ્તાન સાથેનું યુધ્ધ પૂર્વી પાકિસ્તાનમાં ફેલાયું હતું. સત્તારુઢ સરકારના અમાનુષી અત્યાચારો વિરુધ પ્રજામાં ગુસ્સો જોવા મળતો હતો.
પાકિસ્તાને ઓપરેશન સર્ચલાઇટ હેઠળ હજારો નિદોર્ષોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ભારતીય સૈન્યએ પૂર્વી પાકિસ્તાનના લોકોને મદદ કરતા બાંગ્લાદેશનું સર્જન થયું હતું. બાંગ્લાદેશમાં આ સ્મારક ભારતીય શસ્ત્રબળોના યોગદાન બદલ કૃતજ્ઞાતા વ્યકત માટે છે. ભારતીય સૈન્યના અજોડ પ્રયાસોથી જ દુનિયાના નકશા પર બાંગ્લાદેશનો જન્મ થયો હતો.આ મહત્વપૂર્ણ યુધ્ધ સ્મારકની આધારશિલા ભારતના પીએમ નરેન્દ્વ મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ માર્ચ ૨૦૨૧માં સ્થાપી હતી.
. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આશુગંજમાં ૪ એકરના વિશાળ વિસ્તારમાં આ સ્મારક સ્થળ મહત્વનું બની રહેશે. બાંગ્લાદેશ મુકિત સંગ્રામમાં ૧૬૦૦થી વધુ શહીદ ભારતીય જવાનોના નામ સ્માકરની દિવાલો પર અંકિત કરવામાં આવશે. આ સ્મારકની ડિઝાઇન બંને દેશ વચ્ચેની મૈત્રીનું પ્રતિક છે. જેમાં શાંતિનું પ્રતિક ગણાતા કબૂતરોને ઉડતા દર્શાવાયા છે.
જે બહાદૂર સૈનિકોના બલિદાનના માધ્યમથી શાંતિનો સંદેશ આપે છે. આ સ્મારક તૈયાર કરવાના પ્રયાસોમાં સેવાનિવૃત કર્નલ કાજી સજ્જાદ અલી જહીર, સ્મારકના મુખ્ય ડિઝાઇનર આસિફૂર રહેમાન ભુઇયા,મુકિતવાહિનીના ઇતિહાસ સાથે સંકળાયેલા મંત્રી એકેએમ મોજમ્મેલ હક અને ૧૯૭૧ના યુધ્ધના સ્વાતંત્ર સેનાની અને યુદ્ધ મંત્રાલયના સચિવ ઇશરત જહાંનો સમાવેશ થાય છે. શહીદોના સન્માનમાં ધ્વજારોહણ સમારોહ, એક સંગ્રહાલય અને લાઇબ્રેરી, ચિલ્ડ્રન પાર્ક અને ફૂડ કોર્ટ પણ છે.