જાપાનની અનોખી હોટલ, ઓર્ડર કરો તેનાથી વેઇટર ઉંધુ જ પિરસે છે
આ હોટલ એક ખાસ પ્રકારનો મેસેજ આપે છે
લોકો હસ્તા મોઢે જે પિરસાય તે જમી લે છે
ટોકયો 16 જાન્યુઆરી,2024,મંગળવાર ,
સામાન્ય રીતે રેસ્ટોરન્ટમાં જમવા જઇએ ત્યારે ફરજ પર હાજર કર્મચારી વાનગીઓના ઓર્ડરને એકચિત્તે ધ્યાન દઇને ચબરખીમાં લખે છે. લખ્યા પછી પણ કાંઇ ભૂલ કે ગેર સમજ ના થાય તે માટે વાંચી સંભળાવે છે. આટલું કર્યા પછી પણ જો ઓર્ડર કરતા કોઇ અલગ વાનગી પીરસાઇ હોયતો સોરી કહીને પાછી લઇ જાય છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે જાપાનમાં એક એવું રેસ્ટોરન્ટ ચાલે છે જયાં ઓર્ડર કરતા જુદું જ પીરસવામાં આવે છે એટલે કે ઓર્ડર આપ્યા પછી વેઇટર કશુંક જુદું જ લઇને આવે છે.
આવું રેસ્ટોરન્ટની મુલાકાત લેતા તમામ ગ્રાહકો સાથે બને છે. ટોક્યો ખાતે ૨૦૧૭માં આ પોપ અપ રેસ્ટોરન્ટ શરુ કરવાની પ્રેરણા જાપાની ટેલિવિઝન નિર્માતા શિરો ઓગુનીને મળી હતી. તેમણે એક રેસ્ટોરન્ટમાં બર્ગર ઓર્ડર કર્યો તેના સ્થાને ડંપલિંગ્સ આપવામાં આવ્યું હતું. તેઓ ડંપલિગ્સને પરત આપવા ઇચ્છતા હતા. ઘડિકમાં તેમનો વિચાર ફરી ગયો જવા દો ને આરોગી લઇએ આમાં કાંઇ નુકસાન નથી. કદાંચ ઓર્ડર લઇને આવેલો સર્વર ડિમેંશિયા (મનોભ્રમ) ની સમસ્યા ધરાવતો હશે.
દુનિયામાં સૌથી ઉંમરલાયક નાગરિકો ધરાવતા જાપાન દેશમાં ડિમેંશિયા (મનોભ્રંશ)ની સમસ્યા વધતી જાય છે. ડિમેશિયાના પીડિતો અત્યંત ભુલકણા હોવાથી સમાજ તેમના માટે નકારાત્મક ઇમેજ બનાવી લે છે. હકિકતમાં તો તેઓ ખોરાક બનાવી શકે છે, સાફ સફાઇ કરી શકે છે અને કપડા પણ ધોઇ શકે છે. ટૂંકમાં તે વિવિધ પ્રકારના બધા જ સામાન્ય કામો કરી શકે છે. તેઓ વચ્ચે થોડાક ભટકી શકે છે પરંતુ તેઓને નગણ્ય ગણવા બરાબર નથી. આથી તેમનાથી ભૂલ થાય તો પણ સહનશિલતા દાખવીને પ્રોત્સાહિત કરવા જોઇએ.
ડિમેંશિયા જેવી ભૂલી જવાની બીમારી ધરાવનારા માટે લોકો સંવેદનશીલ બને તે માટે રેસ્ટોરન્ટ ઓફ મિસ્ટેકન ઓર્ડસ નામની રેસ્ટોરન્ટ ચાલે છે. આ રેસ્ટોરન્ટમાં સુકુને, તેબાસાકી, સાસામી કેયામિસો, વેજીટેબલ ટેમ્પુરા, નાટો રોલ, પ્લમ એન્ડ કુકંબર રોલ જેવા જાપાની ફૂડ મળે છે. ગ્રાહકોને ખબર જ હોય છે પોતે જે ઓર્ડર કરે છે એનાથી કશુંક જુદું આવશે. પરિવાર સાથે જેટલા લોકો જમવા આવ્યા હોય તે સસ્મિત સ્વીકારી લે છે. હળવા નિર્દોષ હાસ્ય સાથે ટેબલ પરની વાનગી ટેસથી જમવા લાગે છે.
રેસ્ટોરન્ટની વેબસાઇટ પર રમૂજી છતાં ગંભીર પ્રકારનો સંદેશો ગ્રાહકોને આપવામાં આવ્યો છે. જો આપ વિચારો છો કે આ રેસ્ટોરન્ટ અજબ પ્રકારનું છે. હા અહીંયા એક પણ ઓર્ડરને વ્યવસ્થિત લેવામાં આવતા નથી. અમારા તમામ સર્વર ડિમેંશિયાની દર્દી છે અથવા તો ડિમેંશિયાની તકલીફ ધરાવનારા સાથે રહે છે. તમારો ઓર્ડર સાચો લે કે ખોટો પરંતુ મેનુમાં જે પણ ચીજ મળે છે તે ઉત્તમ ગુણવત્તાવાળી છે. આથી જો તમને ઓર્ડર કરતા કશુંક જુદું મળે તો પણ આપ હતાશ થશો નહી. સામાન્ય રીતે આવી ભૂલો જે લોકોને મનોભ્રંશ થયો હોય એમના હાથે જ થતી હોય છે.
મનોભ્રંશ એક તકલીફ છે જેનાથી અંદરનો માણસ બદલાઇ જતો નથી. તેઓ પોતાનામાં પરિવર્તન લાવી શકતા ના હોયતો સમાજે બદલાવું જોઇએ. મનોભ્રંશથી પીડાતા લોકોની ઉપેક્ષા કરવાના સ્થાને તેમને સહજ સ્વીકારી લેવો એવો સંદેશો આ અનોખી રેસ્ટોરન્ટ આપે છે. જાપાનની સંસ્કૃતિ અને કલ્ચર વિશ્વમાં સૌથી વિશિષ્ટ છે. પારીવારિક જવાબદારી, સામાજીક રિવાજો અને પરંપરાની વચ્ચે આધુનિકતા પણ સહજ રીતે અપનાવી લે છે. સુપર એજીંગ સોસાયટી તરીકે ઓળખાતા જાપાનમાં કેટલાક પ્રયોગ અને અખતરા જોવા મળે છે તે બીજે કયાંય જોવા મળતા નથી.