ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં થ્રીડી પ્રાણીઓનું અનોખું હોલોગ્રામ પ્રાણી સંગ્રહાલય
હોલોગ્રામ દુનિયામાં આ પ્રકારનું પ્રથમ ઝુ છે
મુલાકાતીઓ જાનવરોના હોલોગ્રાફિક અવતારને જોઇ શકે છે
બ્રિસ્બેન,20 નવેમ્બર,2023,સોમવાર
પ્રાણી સંગ્રહાલયો અને પ્રાણીઓની જાણકારી આપતા પ્રદર્શનો અનેક હોય છે પરંતુ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં એક નવા જ પ્રકારનું પ્રાણી સંગ્રહાલય છે. ડિસેમ્બર ૨૦૨૨માં હોલોગ્રામ ઝુ જયારે ખુલ્યું ત્યારથી દુનિયામાં આ પ્રકારનું પ્રથમ ઝુ છે. આ ઝુમાં મુલાકાતીઓ જાનવરોના હોલોગ્રાફિક અવતારને જોઇ શકે છે.
આમ તેમ ભાગતા હાથીઓથી બચવું હોય, દરિયાઇ ઘોડાની ઝલક મેળવવી હોય કે જીરાફને સ્પર્શ કરવો હોયતો બ્રિસ્બેનના હોલોગ્રામ સંગ્રહાલયમાં શકય બને છે. કમ્પ્યુટરની મદદથી તૈયાર કરવામાં આવેલા આ પ્રાણીઓ એક પ્રકારનો ડિજીટલ ભ્રમ છે તેમ છતાં મગજને પ્રાણીઓના વિશ્વમાં વિહરતા કરી દે છે. હકિકતમાં ના હોવા છતાં હોવાની અનોખી અનુભૂતિ થાય છે.
હોલોગ્રામ ટેકનોલોજીમાં લેસરની મદદથી હવામાં જાનવરો પ્રગટ કરવામાં આવે છે. આ ઉત્તમ ટેકનિકથી તૈયાર થતા પ્રાણીઓ નજીક આવીને ઉભા રહી જાય છે. હોલોગ્રામ પ્રાણીઓેને કોઇ પણ પ્રકારના અડચણ કે ડર વિના મળી શકાય છે. નાના બાળકો પણ પ્રાણીઓ સુધી પહોંચી જાય છે.આ ઝુમાં લોકો ડોલ્ફિન,ડાયનાસોર,વ્હેલ, કાચબા, જીરાફ,કાચડો સહિતના ૫૦ થી વધુ હોલોગ્રાફિક જાનવરોને નિહાળી શકે છે.
નાના બાળકો કયારેક ચિચિયારીઓ પાડે છે તો કયારેક થોડાક ગભરાઇ પણ જાય છે. પ્રાણીઓની ખાસિયત અને જીવન વિશે સમજવામાં હોલોગ્રામ ખૂબ ઉપયોગી બને છે. એક પ્રાણી જે બાળકોથી માંડીને સૌને એક સરખું આકર્ષણ જમાવે છે તેનું નામ ડાયનાસોર છે. આ ઝુમાં વિવિધ પ્રજાતિના ડાયનાસોર તૈયાર કરવામાં આવ્યા છે.
હોલોગ્રામથી તૈયાર થયેલા ડાયનાસોરની પ્રદર્શની જોવી એક લ્હાવો છે. હોલોગ્રાફિક પ્રાણીઓને જોવા માટે ખાસ પ્રકારના ચશ્મા લગાવવા પડે છે. ફોટો ખેંચવાથી હોલોગ્રામ તસ્વીરો જોઇ શકાતી નથી. પ્રસ્તુત તસ્વીરોમાં દેખાતી ગ્લોસાઇન પણ પાછળથી ઉમેરવામાં આવેલી છે. હોલોગ્રાફિક પ્રાણીઓ જોઇ શકો છો એટલું જ નહી હોલોગ્રાફિક ગેમ્સ પણ રમી શકો છો.
ફૂરસદ હોયતો ભ્રમ પેદા કરે તેવો પૂલ પણ પાર કરી શકો છો. તમે ખૂબ ઉંચાઇ પર છો એવો પણ અનુભવ કરી શકો છો. હોલોગ્રામ ટેકનીકની સાથે સેંસરી ટેકનોલોજી પણ જોડવામાં આવી છે જેથી કરીને ફૂલ અને વૃક્ષોની મહેંક પણ મહેસુસ કરી શકાય છે. આ અનોખા ઝુના સ્થાપકનું માનવું છે કે પ્રાણીઓને નજીકથી જોવાનો અનુભવ મેળવવા માટે ભવિષ્યના ઝુ હવે હોલોગ્રામ પ્રકારના હશે.