ઉત્તર અને દક્ષિણ કોરિયાનું અનોખું કચરા યુધ્ધ, ગેસના ગુબ્બારા સાથે કચરો ફેંકવામાં આવે છે.
કચરામાં સીગારેટના ઠુંઠા, પ્લાસ્ટિકની બેગ અને તૂટેલા રેપરનો સમાવેશ
એક કે બે નહી સેંકડોની સંખ્યામાં ગુબ્બારા દક્ષિણ કોરિયામાં ઉતાર્યા
સોલ,૩ જુન,૨૦૨૪,સોમવાર
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે સાપ અને નોળિયા જેવા સંબંધો છે. એક બીજાથી જુદા પડયા પછી ઓછાવત્તા પ્રમાણમાં તણાવ હંમેશા ચાલુ રહયો છે. બંને દેશો વચ્ચેની સરહદો અને તેની વહેંચણી નાજૂક વિષય રહયો છે. નવાઇની વાત તો એ છે કે બંને દેશો વચ્ચે કેટલાક સમયથી ગુબ્બારા અને કચરા યુદ્ધ ચાલતું હતું.તાનાશાહ કિમ જોંગ ઉનના ઉત્તર કોરિયા તરફથી દક્ષિણ કોરિયામાં જે ગુબ્બારા છોડવામાં આવતા હતા તેની સાથે સીગારેટના ઠુંઠા, પ્લાસ્ટિકની બેગ અને તૂટેલા રેપર વગેરે ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો. આ ગુબ્બારા ફાટે એટલે કચરો વેરાયેલો રહેતો જેને સફાઇકર્મીઓએ સાફ કરવો પડતો હતો.
શરુઆતમાં તો ખ્યાલ ન આવ્યો કે આ કચરો કેવી રીતે પેદા થાય છે પરંતુ પછીથી ખબર પડી કે ઉત્તર કોરિયા ગુબ્બારામાં મોકલે છે. ગેસના શકિતશાળી ગુબ્બારાની મદદથી લટકતો કચરો ઉતરતો હોય એવું નાગરિકોના પણ ધ્યાનમાં આવ્યું હતું. ગત સપ્તાહ એક કે બે નહી સેંકડોની સંખ્યામાં ગુબ્બારા દક્ષિણ કોરિયામાં ઉતર્યા હતા. દક્ષિણ કોરિયાએ છેવટે કંટાળીને ધમકી આપવી પડી કે જો આ પ્રવૃતિ અટકશે નહી તો ઉત્તર કોરિયાને જવાબ આપવા મજબૂર થવું પડશે.
ગુબ્બારા છોડવા અને જીપીએસ જામ કરવાએ ઉત્તર કોરિયાની છીછરી હરકત છે જે સતત થતી રહે છે જે ૧૯૫૦ થી ૧૯૫૩માં થયેલા યુધ્ધ પછીના સમજૂતી કરારનો ભંગ છે. ઉત્તર કોરિયાએ સ્પષ્ટતા કરી હતી કે દક્ષિણ કોરિયાએ પ્રચાર પત્રિકાઓ ફેંકી તેનો કુડા-કચરા વડે પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે. કાગળના ટુકડાઓનો કચરો સાફ કરવામાં કેટલી મહેનત કરવી પડે છે તેનું દક્ષિણ કોરિયાને ચોકકસ ભાન થયું હશે.
દક્ષિણ કોરિયાના જણાવ્યા અનુસાર ગુબ્બારા સરહદથી વિસ્તારોથી લઇને રાજધાની સોલ સુધી જોવા મળ્યા હતા. પોલીસ અને સેનાના જવાનો બહારથી આવેલો કચરો સાફ કરી રહયા છે. દક્ષિણ કોરિયાઇ લોકોએ પણ ઉત્તર કોરિયા તરફ ગુબ્બારા છોડીને બદલો લીધો હતો. જેમાં દક્ષિણ કોરિયાઇ ટીવી સીરીઝની સીડીઓ અને કેટલીક પત્રિકાઓ હતી. દેશની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની એલાન કરવામાં આવ્યું કે ઉત્તર કોરિયાની હરકત ચાલુ રહી તો સરહદ પર ફરીથી લાઉડ સ્પીકરથી બંધ થઇ ગયેલું પ્રચાર અભિયાન ફરીથી શરુ થઇ શકે છે.