છેલ્લા 10 વર્ષથી બ્રાઝિલના રિઓડિજાનેરોમાં યોજાતી અનોખી બેસ્ટ બાર્બર્સ કોમ્પિટિશન
આ અનોખી સ્પર્ધામાં ૯૦ જેટલા હેરડ્રેસર્સે ભાગ લીધો હતો.
હેર કળાનું પ્રદર્શન કરવા માટે આ સ્પર્ધા એક મંચ પુરો પાડે છે.
રિઓ, 11 જાન્યુઆરી,2025,શનિવાર
ભારતમાં ભલે કડકડતી ઠંડી ચાલતી હોય પરંતુ રિઓમાં ઉનાળા જેવો માહોલ જોવા મળી રહયો છે. તાજેતરમાં અહીં બેસ્ટ બાર્બસની અનોખી કોમ્પિટિશન યોજાઇ હતી. આ અનોખી સ્પર્ધામાં ૯૦ જેટલા હેરડ્રેસર્સે ભાગ લીધો હતો. કેચીની કરામત દ્વારા કળા પ્રદર્શિત કરવાની સ્પર્ધામાં પ્રેક્ષકોને પણ ખૂબ રસ પડયો હતો. વાળમાં વિવિધ પ્રકારની કળા પ્રદર્શિત કરવા માટે વોલેન્ટિયર્સ યુવાઓ સ્વૈચ્છાએ તૈયાર થયા હતા.
રિયોના માદુરેરાની નજીક એક પાર્કમાં એકઠા થયેલા સ્પર્ધકોએ વોલેન્ટિયર્સના માથાનો કેનવાસની જેમ ઉપયોગ કર્યો હતો.વોલેન્ટિયર્સ ડાયા ડમરા થઇને કેશકલા માટે બેસી ગયા હતા. આ સ્પર્ધા છેલ્લા ૧૦ વર્ષથી નિયમિત આયોજીત થાય છે. બ્રાઝિલના ખૂણે ખૂણેથી હેર આર્ટિસ્ટ સ્પર્ધામાં ભાગ લેવા આવે છે. પોતાનામાં રહેલી હેર કળાનું પ્રદર્શન કરવા માટે આ સ્પર્ધા એક મંચ પુરો પાડે છે.
વાળ કાપવા કે કેશ ગુંથવાની કળા આમ તો સદીઓ જુની છે પરંતુ તેને ખાસ મહત્વ મળતું નથી એવું વિચારીને એરિકા નૂન્સ નામની મહિલાને પ્રતિયોગિતા શરુ કરવાનો વિચાર આવ્યો હતો. હેર ડ્રેસર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી કળાનું મૂલ્યાંકન જજોની એક ટીમ દ્વારા કરવામાં આવે છે.
બાર્બરિંગના વ્યવસાયમાં સર્જનાત્મકતાને ફરી બેઠી કરવાનો આ પ્રયાસ હતો. જેને કેટલાકે બેટલ ઓફ બાર્બરસ એવું નામ પણ આપ્યું હતું. આ સ્પર્ધા વ્યવસાયિક વૃધ્ધિ અને સાંસ્કૃતિક વિનિમય માટે પણ એક પ્લેટફોર્મ પુરું પાડે છે. રંગબેરંગી અને ડિઝાઇન કરેલા વાળની પેટર્ન સૌને આકર્ષી રહી હતી. આ અનોખી કોમ્પિટિશને માત્ર બ્રાઝિલ જ નહી સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે.
સ્પર્ધામાં માથામાં હેર રિંગ આકાર કરવાની જુદી જુદી ચાર કેટેગેરીઓ રાખવામાં આવી હતી. વર્તમાન સમયમાં યોજાયેલી સ્પર્ધામાં મેગ્નિફિક નામના એક જાણીતા હેર ડ્રેસર્સ માર્સેલો એન્ડરસને ડ્રોઇંગ કેટેગરીમાં જીત મેળવી હતી. તેણે કિલપર્સનો ઉપયોગ કરીને યુવાનના માથાની ફરતે બે પુરુષોનું ચિત્ર બનાવ્યું હતું.