વિશિષ્ટ અને વિવાદાસ્પદ એનિમલ કાફે, જંગલી જીવોના સહવાસ સાથે કોફીની ચૂસ્કી
સરીસૃપો અને સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ આરામથી ટહેલતા જોવા મળે છે
એનિમલ કાફેસ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યા છે.
ટોકયો, 27 માર્ચ,2023,સોમવાર
લોકો એનિમલ કાફેમાં નવીનતા, સુંદરતા અને અજબ અનુભવ માટે આવે છે. એનિમલ કાફેમાં સરીસૃપો અને સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ આરામથી ટહેલતા જોવા મળે છે પરંતુ જાનવરો બીમારી પણ ફેલાવી શકે છે આથી એનિમલ કાફેસ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યા છે.
થીમબેઝ રેસ્ટોરન્ટ અને કોફી બાર અનેક હોય છે પરંતુ જાપાનમાં એનિમલ કોફી બાર ચર્ચામાં રહે છે. ટોકિયો શહેર સહિતના કેટલાક સ્થળોએ કોફીબારમાં વિલૂપ્ત થવાની અણી પર હોય તેવા પ્રાણીઓને રાખવામાં આવે છે. કોફી બારમાં મોજથી લેવાતી ચૂસ્કીની સાથે પ્રાણીઓ સાથે સેલ્ફી પણ પડાવી શકાય છે. લાઇવ પેગ્વિન પ્લેકસી ગ્લાસની દિવાલની પાછળ બેસીને પોતાનો અવાજ સંભળાવતા રહે છે.
લોકો એનિમલ કાફેમાં નવીનતા, સુંદરતા અને અજબ અનુભવ માટે આવે છે. એનિમલ કાફેમાં સરીસૃપો અને સ્તનધારીઓ અને પક્ષીઓ આરામથી ટહેલતા જોવા મળે છે. જાપાની દ્વીપ સમૂહો પર ૧૪૨ જેટલા વિદેશી પ્રાણીઓના કેફે મળ્યા છે. એનિમલ કાફેના ફોટાઓ અને વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતા રહે છે. સોશિયલ મીડિયા પર પેટ કાફે,ઓટર કાફે અને પેટિંગ ઝુ જેવા કિવર્ડસ મળે છે.
નવાઇની વાત તો એ છે કે ગ્રાહક કેટલીક શરતો સાથે જાનવરો ખરીદી શકે છે અને પોતાના ઘરે પણ લઇ જઇ શકે છે. ખાસ કરીને સ્થાનિક આગંતૂકો પ્રાણીઓ લઇ જવામાં વિશેષ દિલચસ્પી ધરાવે છે. લોકો જયારે કાફેમાં એન્જોય કરતા હોય ત્યારે પ્રાણીઓ નજીક આવી જાય છે અને કેટલાક ગ્રાહકો સ્પર્શ પણ કરે છે. ૧૯૯૮માં તાઇવાનમાં એનિમલ કાફે ખોલવામાં આવ્યું હતું જેમાં કેટ અને ડોગ પ્રખ્યાત બન્યા હતા.
૨૦૨૦ના અભ્યાસ દરમિયાન ચીન, થાઇલેન્ડ, તાઇવાન, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, વિયેતનામ, થાઇલેન્ડ અને ફિલિપાઇન્સમાં આવા કાફે જોવા મળે છે પરંતુ કેન્દ્રબિંદુ જાપાન બની ગયું હોવાનું માનવામાં આવે છે. એનિમલ કાફે કોન્સ્પ્ટે ગ્રાહકોને આકર્ષવાનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એનિમલ કાફેના સંચાલકો તમામ નિયમોનું પાલન કરીને તૈયાર કરવામાં આવતો હોવાનો દાવો કરતા રહે છે પરંતુ જાપાનમાં પ્રાણીઓ બાબતના કેટલાક નબળા કાયદાનો લાભ ઉઠાવે છે.
જર્નલ કન્જર્વેશન સાયન્સ એન્ડ પ્રેકટિસમાં પ્રકાશિત માહિતી અનુસાર જાપાનમાં પ્રાણી કાફેના એક સંપૂર્ણ સર્વેમાં સંશોધકોએ ૪૧૯ વિવિધ પ્રજાતિઓના ૩૭૯૩ પ્રાણીઓ શોધી કાઢયા હતા જેમાંથી ૫૨ (બાવન) પ્રજાતિ વિલૂપ્ત થવાના ખતરા હેઠળ હોવાનું માલૂમ પડયું હતું. જેમાં સ્લો લોરિસસ અને લૂપ્ત થતા જતા કાચબાઓનો પણ સમાવેશ થાય છે. કુલ ૯ જેટલી વિદેશી પ્રજાતિઓ જોવા મળી જેના આંતરરાષ્ટ્રીય વેપાર પર કડક પ્રતિબંધ છે.
સંશોધકોએ જાપાનમાં કેટલાક કાફેની રુબરુ મુલાકાત લીધી ત્યારે પક્ષીઓમાં ૪૦ ટકા જેટલા ઘૂવડ જોવા મળ્યા હતા.અમેરિકન રિવર ટર્ટલ, પેનકેક કાચબો, આ સ્લો લોરિસ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાની લૂપ્તપ્રાય થતી કેટલીક પ્રજાતિઓનો પણ સમાવેશ થતો હતો. પશુ ચિકિત્સકો અને જીવ વિજ્ઞાાનીઓનું માનવું છે કે કેટલાક પ્રાણીઓ તો જંગલમાંથી સીધા પકડી લાવ્યા હોય તેમ જણાય છે.
પ્રાણીઓને આ રીતે ગોંધી રાખવાએ દીર્ઘકાલિન અસ્તિત્વ માટે સારી બાબત નથી. કેટલાક વન્ય જીવ સંરક્ષણ અને જાહેર સ્વાસ્થ્ય માટે ખતરો ધરાવતા હોય છે. પેથોજન્સના વિનિમય માટે એક અનુકૂળ ઇન્ટરફેસ સાબીત થઇ શકે છે. જાનવરો બીમારી પણ ફેલાવી શકે છે આથી એનિમલ કાફેસ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યા છે.