ઈજિપ્તમાં પ્રાચીન મંદિરની નીચેથી મળી આવી સુરંગ, નિષ્ણાતો જોઈને ચોંકી ગયા
- 2 મીટર લાંબી સુરંગ બલુઆ પત્થરથી બનાવવામાં આવી હતી
નવી દિલ્હી, તા. 28 જાન્યુઆરી 2024, રવિવાર
પ્રાચીન સમયમાં બનેલા મંદિરો અને અન્ય ઈમારતોના ખોદકામ દરમિયાન એવી વસ્તુઓ મળી આવે છે કે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઈજિપ્તના એક પ્રાચીન શહેરમાં બનેલા મંદિરની નીચે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે પુરાતત્વવિદો દંગ રહી ગયા હતા. તેમણે જે જોયું તેને તેઓ ચમત્કાર માની રહ્યા છે. આ શોધ ઈજિપ્તમાં થઈ હતી. પુરાતત્વવિદોએ પ્રાચીન ખંડેર શહેર તાપોસિરિસ મેગ્નામાં એક મંદિરની નીચે એક વિશાળ સુરંગની શોધ કરી છે જેને નિષ્ણાતોએ 'ભૌમિતિક ચમત્કાર' ગણાવ્યો છે.
મંદિરમાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન ડોમિનિકન ગણરાજ્યની સેન્ટો ડોમિંગો યુનિવર્સિટીની કેથલીન માર્ટિનેઝ અને તેમની ટીમને જમીનની સપાટીથી 13 મીટર (43 ફૂટ) નીચે આ સુરંગ શોધી કાઢી છે. અહીં 2 મીટર લાંબી સુરંગ બલુઆ પત્થરથી બનાવવામાં આવી હતી. ઈજિપ્તના પ્રવાસન અને પ્રાચીન વસ્તુઓના મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સુરંગની ડિઝાઈન યુપલિનોસની 1306 મીટર લાંબી સુરંગ સમાન છે. તે ગ્રીસના ટાપુ પર બનેલ એક જળસેતુ છે. જેને મોટાભાગે એન્જિનિયરિંગનો ચમત્કાર કહેવામાં આવે છે. ટેપોસિરિસ મેગ્નામાં મળેલી આ સુરંગને પણ એન્જિનિયરિંગનો ચમત્કાર કહેવામાં આવી રહ્યો છે.
સુરંગનો ઉપયોગ શેના માટે કરવામાં આવ્યો હતો તેના વિશે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે તેનો કેટલોક ભાગ પાણીમાં ડૂબેલો જોવા મળ્યો હતો. માર્ટિનેઝ ટેપોસિરિસ મેગ્નામાં 2004થી કામ કરી રહી છે. તેઓ ત્યાં ક્લિયોપેટ્રા VII ની ગુમ થયેલી કબરની તલાશમાં છે. હવે સુરંગને એક આશાવાદી ચાવીના રૂપમાં જોવામાં આવે છે. ટેપોસિરિસ મેગ્નાની સ્થાપના 280 ઈસા પૂર્વની આસપાસ ટોલેમી બીજા દ્વારા કરવામાં આવી હતી. તેઓ સિકંદરના પ્રસિદ્ધ જનરલના પુત્ર અને ક્લિયોપેટ્રાના પૂર્વજોમાંના એક હતા. આ ટીમનું માનવું છે કે, આ મંદિર ભગવન ઓસિરિસ અને તેમની રાણી આઈસિસને સમર્પિત હતું. આ દેવતા સાથે ક્લિયોપેટ્રાનો મજબૂત સબંધ હતો.