ગાઝાના રાફામાં UNના વાહન પર હુમલો થતાં સ્ટાફ મેમ્બરનું થયું મોત, ભારત સાથે હતું ખાસ કનેક્શન
Image: Facebook
Israel Hamas War: ઈઝરાયલ અને હમાસની વચ્ચે ચાલુ યુદ્ધ રોકાવાનું નામ લઈ રહ્યું નથી. આ યુદ્ધમાં હવે સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓના મોત પણ થવા લાગ્યા છે. આવો એક કેસ તાજેતરમાં જ સામે આવ્યો છે. જેમાં પેલેસ્ટાઈનના રાફામાં સંયુક્ત રાષ્ટ્રની ગાડી પર થયેલા હુમલામાં ભારતીય સેનાના એક પૂર્વ જવાનનું મોત નીપજ્યું.
ઈન્ડિયન આર્મીના આ પૂર્વ જવાન વર્તમાનમાં UN માટે કામ કરી રહ્યા હતા. તેઓ હાલ સંયુક્ત રાષ્ટ્રના સેફ્ટી અને સિક્યોરિટી સ્ટાફના સભ્ય હતા. જોકે, અત્યાર સુધી ભારતીય સેનાના પૂર્વ જવાનની ઓળખ થઈ શકી નથી. આ એટેકમાં સંયુક્ત રાષ્ટ્રના એક બીજા કર્મચારી ઈજાગ્રસ્ત પણ થયા છે.
UN ચીફે યુદ્ધવિરામની કરી માગ
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ ઘટના બાદ નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું, 'ડીએસએસના એક કર્મચારીનું મોત અને બીજાના ઈજાગ્રસ્ત થવાના સમાચાર સાંભળીને ખૂબ દુ:ખ થયુ છે.' ગુટેરેસે સંયુક્ત રાષ્ટ્ર કર્મચારીઓ પર હુમલાની નિંદા કરી અને સમગ્ર તપાસની માગ પણ કરી છે. તેમણે તાત્કાલિક યુદ્ધવિરામની સાથે-સાથે તમામ બંધકોની મુક્તિની અપીલ પણ કરી છે.
ગુટેરેસે કરી હુમલાની નિંદા
ટ્વીટર પર કરવામાં આવેલી એક પોસ્ટમાં એન્ટોનિયો ગુટેરેસે કહ્યુ, 'ગાઝામાં સંયુક્ત રાષ્ટ્રના વાહન પર હુમલો કરવામાં આવ્યો છે. અમારા એક સહયોગીનું મોત થઈ ગયુ અને બીજા ઈજાગ્રસ્ત છે. ગાઝામાં 190થી વધુ સંયુક્ત રાષ્ટ્ર કર્મચારી માર્યા ગયા છે. માનવીય કાર્યકર્તાઓની સુરક્ષા કરવી જોઈએ. હુ સંયુક્ત રાષ્ટ્ર કર્મચારીઓ પર તમામ હુમલાની નિંદા કરુ છુ અને તાત્કાલિક બીજી વખત અપીલ કરુ છુ.'
પરિવારોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે
એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા ફરહાન હકે જણાવ્યું, 'અમે સંબંધિત સરકારો અને સંબંધિત પરિવારના સભ્યોને માહિતગાર કરવાની પ્રક્રિયામાં છીએ. તેથી કોઈ નામ કે રાષ્ટ્રીયતા જાહેર કરવામાં આવશે નહીં.