રશિયન અધિકારીઓના ૨૦૦૮ થી ૨૦૧૪ના સિક્રેટ અહેવાલમાં દાવો, રશિયાને પણ ચીનના હુમલાનો હતો ડર
યુધ્ધ દસ્તાવેજ બહાર આવવાની સાથે જ સંબંધોની પોલ ખુલી
સાઇબેરિયા અને યૂરાલ વિસ્તારમાં હુમલો કરવાની ગણતરી ધરાવતું હતું.
મોસ્કો,૨૯ ફેબુ્આરી,૨૦૨૪,મંગળવાર
યુક્રેન સાથે યુધ્ધ થયા પછી રશિયા અને ચીન એક બીજાની ખૂબ નજીક છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીન પોતાને મિત્ર સમજે છે. ચીન રશિયાના સંબંધોને અન લિમિટેડ ગણવામાં આવે છે પરંતુ વર્ષ ૨૦૦૮ અને ૨૦૧૪ વચ્ચેના કેટલાક યુધ્ધ દસ્તાવેજ બહાર આવવાની સાથે જ સંબંધોની પોલ ખુલી ગઇ છે. બંને દેશો વચ્ચે અવિશ્વાસની ઉંડી ખાઇ જોવા મળે છે.
દુનિયામાં સૌથી વધુ પરમાણુ બોંબ ધરાવતા દેશને પણ ચીનનો ડર સતાવતો હોય એવું દસ્તાવેજો પરથી જણાય છે. ખાસ કરીને ચીન રશિયાના ફાર ઇસ્ટ વિસ્તારમાં હુમલો કરીને કબ્જો કરે તેવી શકયતા વ્યકત કરવામાં આવી હતી. રશિયન દસ્તાવેજોના આધારે ભારતના અંગ્રેજી સમાચારપત્રમાં પ્રકાશિત વિગતો મુજબ ચીન કઝાકિસ્તાનના રસ્તે રશિયાના સાઇબેરિયા અને યૂરાલ વિસ્તારમાં હુમલો કરવાની ગણતરી ધરાવતું હતું.
ચીનની આ યુદ્ધયોજના અંગે વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૪ના વર્ષમાં રશિયન અધિકારીઓએ લખ્યું હતું. ચીનની મહત્વકાંક્ષા અને ઇરાદાઓને લઇને રશિયન સેના લાંબા સમયથી અસુરક્ષા અનુભવી રહી છે. રશિયા ચીનની સમગ્ર દાનત સમજી ગયું છે. લીક થયેલા સિક્રેટ અહેવાલમાં જણાવાયું છે કે રશિયાનું સૈન્ય ચીનને ખૂબ સમયથી ઓળખી ગયું છે. ચીન સાથે યુદ્ધની સ્થિતિ ઉભી થાયતો કેટલાક વિસ્તારમાં સ્થાનિક લોકોને ઉશ્કેરી શકે છે.
કાંઠા વિસ્તારોમાં ચીન મૂળના લોકો પણ રહે છે. રશિયાની બાબતોના નિષ્ણાત વિલિયમ અલ્બેરકયૂને ટાંકીને જણાવાયું છે કે ચીન અને રશિયાની સેના હજુ પણ ફોટો પડાવવા અને પરેડ કરવાના સહયોગથી આગળ વધી શકી નથી. બંને સેના સંવેદનશીલ વિસ્તારોમાં જેવા કે સંયુકત અભિયાન, પ્લાનિંગ કે હુમલો કરવામાં સહયોગ આપવાથી બચી રહી છે.
યુક્રેન યુધ્ધની સ્થિતિનો લાભ લઇને ચીન મધ્ય એશિયામાં પોતાની પક્કડ મજબૂત બનાવી રહી છે. રશિયા પાસે મધ્ય એશિયાની પોલીસ બનીને રહેવા માટે સંસાધનો અને નાણા બંનેનો અભાવ છે. ચીનનો ખતરો જોતા રશિયા ભારત પાસેથી એવું ઇચ્છે છે કે ફાર ઇર્સ્ટ વિસ્તારમાં રોકાણ અને નિવેશ કરે. ભારત આ વિસ્તારમાં એક સેટેલાઇટ સિટી બનાવવાનું પણ વિચારી રહયું છે.