નેપાળના ત્રિભુવન એરપોર્ટ પર પ્લેન ક્રેશ, ટેક ઑફ વખતે આગના ગોળામાં ફેરવાઈ જતા 18 મોત
Nepal plane crash: નેપાળના કાઠમંડુ (Kathmandu)માં એક મોટી દુર્ઘટના બની છે. અહીંના ત્રિભુવન એરપોર્ટ પર એક ડોમેસ્ટિક વિમાન ટેક ઑફ વખતે જ ક્રેશ થઈ ગયું હતું. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, આ વિમાન ટેક ઑફ વખતે અચાનક જ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ વિમાનમાં 19 લોકો સવાર હતા, જેમાંથી અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. બીજી તરફ, પાઇલટનો આબાદ બચાવ થયો છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
At least 18 people killed in plane crash at Kathmandu airport
— Press Trust of India (@PTI_News) July 24, 2024
ટેક્નિકલ ખામીને કારણે સર્જાઈ દુર્ઘટના
નેપાળના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ (Tribhuvan Airport) પર શૌર્ય એરલાઇન્સના વિમાન નંબર MP CRJ 200એ રન-વે બે પરથી પોખરા માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે ટેક ઑફ કર્યા પછી તરત જ વિમાનમાં આગ લાગી હતી. આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ જતા એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. કહેવાય છે કે શૌર્ય વિમાનમાં 15 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સહિત 19 લોકો સવાર હતા, જે પૈકી 18 લોકોના મોત થયા છે.
એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
પ્રાથમિક માહિતી અનુસાર, ઘટનાસ્થળ પરથી 18 લોકોના મૃતદેહ પણ કબજે કરી લેવાયા છે. આ ઉપરાંત 37 વર્ષીય પાઇલટ એમ.આર. શાક્યને કાટમાળમાંથી બચાવીને સારવાર માટે સિનમંગલની કેએમસી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.