ચીનની ઉશ્કેરણીજનક હરકત, ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના એક જહાજ અને સપ્લાય બોટને ચીનના જહાજોએ ટકકર મારી

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
ચીનની ઉશ્કેરણીજનક હરકત, ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના એક જહાજ અને સપ્લાય બોટને ચીનના જહાજોએ ટકકર મારી 1 - image


Image Source: Twitter

મનિલા, તા. 24 ઓક્ટોબર 2023

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે તો યુધ્ધ ચાલી જ રહ્યુ છે અને દુનિયાના બીજા હિસ્સામાં એટલે કે સાઉથ ચાઈના સીમાં ચીનની બીજા દેશો પર દાદાગીરી યથાવત છે.

સાઉથ ચાઈના સીમાં આવેલા સેકન્ડ થોમસ શોલ નામના ટાપુ પાસે ચીનના કોસ્ટ ગાર્ડના જહાજે ફિલિપાઈન્સની એક સપ્લાય બોટને ટક્કર મારી હોવાનો દાવો ફિલિપાઈન્સના સંરક્ષણ સચિવે કર્યો છે. તેમનુ કહેવુ હતુ કે, ચીનના કોસ્ટ ગાર્ડ તેમજ મેરિટાઈમ મિલિશિયા જહાજે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરીને જાણી જોઈને અમારી સપ્લાય બોટ અને કોસ્ટગાર્ડના જહાજને ટકકર મારી હતી.

ફિલિપાઈન્સની સરકારે આ ઘટના બાદ ચીનના રાજદૂત હુંઆંગ જિલિયાનને બોલાવીને ચીનની હરકતની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના કોમોડોર જે તારિએલાએ કહ્યુ હતુ કે, ચીનના કોસ્ટગાર્ડના પાંચ જહાજો તેમજ નૌસેનાના બે જહાજોએ ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના બે જહાજો અને બે સપ્લાય બોટને રોકી દીધી હતી અને આ દરમિયાન એક શિપ અને એક સપ્લાય બોટને ચીનના જહાજોએ ટક્કર મારી હતી.

જોકે ચીને ફિલિપાઈન્સના આક્ષેપોનને ફગાવી દીધા છે અને કહ્યુ છે કે, ફિલિપાઈનાસના જહાજો માછલી પકરડી રહેલા ચીની જહાજો સાથે અથડાયા હતા. ઉલટાનુ અમે ફિલિપાઈન્સના જહાજોની ઘૂસણખોરી સામે આકરો વિરોધ નોંધાવ્યો છે.

આ ઝઘડામાં અમેરિકા પણ કુદયુ છે.અમેરિકાએ કહ્યુ છે કે સાઉથ ચાઈના સીમાં ક્યાંય ફિલિપાઈન્સની સેના, જહાજ કે વિમાનો પર સશસ્ત્ર હુમલો થશે તો 1951માં થયેલી સંધિ પ્રમાણે અમેરિકા ફિલિપાઈન્સને મદદ કરશે. ચીનની ગેરકાયદે કાર્યવાહીઓ સામે અમેરિકા ફિલિપાઈન્સ સાથે ઉભુ છે.



Google NewsGoogle News